અમેરિકી કંપની ફાઇઝર ભારતને ૫ કરોડ રસી આપવા તૈયાર, પરંતુ શરતોને આધીન

અમેરિકી કંપની ફાઇઝર ભારતને ૫ કરોડ કોરોના વેક્સિન આપવા તૈયાર તો છે, પરંતુ શરતોને આધીન તે આગળ વધવા માંગે છે. દેશમાં કોરોનાની રસીની સર્જાયેલી કથિત અછત વચ્ચે ફાઇઝર-બોયોએનટેકે આ વર્ષમાં રસીના ૫ કરોડ શોટ્સ મોકલવાની તૈયારી દર્શાવી છે. પરંતું તેના બદલામાં તે મોદી સરકારથી નિયમોમાં બાંધછોડ ઇચ્છે છે.

મીડિયા એહેવાલ મુજબ મોદી સરકાર અને ફાઇઝર-બાયોએનટેક વચ્ચે વેક્સિનની ડીલ મામલે ઘણા તબક્કાની વાતચીત થઇ છે. ત્યાર બાદ કંપનીએ એક નિવેદન જારી કરી જણાવ્યું હતું કે રસી અંગે ભારત સાથે વાતચીત ચાલી રહી છે અને તેના ટુકમાં સારા પરિણામ આવશે.

પ્રાપ્ત વિગત મુજબ ફાઇઝર આ વર્ષે જુલાઇથી જ રસી આપવા તૈયાર છે. જેમાં જુલાઇ અને ઓગસ્ટમાં ૧-૧ કરોડ ડોઝ, સપ્ટેમ્બરમાં બે કરોડ અને ઓક્ટોબરમાં એક કરોડ ડોઝ આપવા રાજી છે. જો કે આ અંગે તે ભારત સરકાર સાથે પેમેન્ટ સહિત સીધી ડીલ કરવા માંગ છે.

આમ તો રસી મામલે લગભગ બધુ ફાઇનલ થઇ ગયું છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે મામલો એક વાતે ફસાયેલો છે. જેમાં ફાઇઝર-બાયોએનટેકે અમેરિકા, બ્રિટન સહિત ઘણી સરકારો પાસેથી કાયદાકીય સુરક્ષાની ખાતરી માગી છે.

આ જ માગ તેણે ભારત સરકાર પાસે પણ મૂકી છે. કંપની ઇચ્છે છે કે રસી મૂકાયા બાદ કોઇ પણ પ્રકારનો કાયદાકીય મામલો સર્જાય તો તેના માટે કંપની જવાબદાર રહેશે નહીં. કેન્દ્ર સરકારે તેના માટે બાંહેધરી આપવી પડશે.