આયોધ્યામાં આજે રામ જન્મભૂમિ પર મંદિરના બાંધકામ માટે શિલાન્યાસ અને ભૂમિપૂજન થવાનું છે. જો કે ઘણા લાંબા સમયથી મીડિયામાં ચર્ચા છે કે અગાઉ ખાતમુહૂર્ત થઈ ગયેલું છે. પરંતુ એ બિનસત્તાવાર ગણાય. હવે તો સર્વોચ્ચ અદાલતનો હુકમ અને એમાં પણ બાબરી મસ્જિદના સર્વ પક્ષકારોની ઉદારતાપૂર્વકની સંમતિ તથા ઐતિહાસિક પુરાવાઓ અને પુરાતત્ત્વના નમૂનાઓને આધારરૂપ માનવાની સ્વીકૃતિ પછીનો આ શિલાન્યાસ મહોત્સવ સત્તાવાર છે. વડાપ્રધાન મોદીએ સંસદની કે પોતાની અથવા તો રાષ્ટ્રપતિના વટહુકમની પણ કોઈ વિશેષ સત્તાનો ઉપયોગ કર્યા વિના માત્ર અદાલત પર વિશ્વાસ રાખીને ભારત સરકાર તરફથી કરવાની થતી સર્વ પ્રક્રિયાઓ બહુ જ કુનેહપૂર્વક પૂરી કરી હોવાથી આજનો મંગલ પ્રસંગ આવ્યો છે.
ભાજપની હિન્દુ વિચારધારાને સર્વ ધર્મ સંમતિ સુધી લઈ જવાની વડાપ્રધાનની કુશળતા જ આમાં નિર્ણાયક બની છે, માટે એનો યશ એમને મળે છે. અવધ ટાઇમ્સ તો નામ જ અવધ એટલે કે અયોધ્યા પરથી ઉતરી આવેલું છે. અવધ ટાઇમ્સ પરિવારના મોભી અને અમરેલીની જૂની પેઢીના વરિષ્ઠ પત્રકાર અને તંત્રી સ્વ. દેવરાજ બાપા ચૌહાણે આપણા અખબારનું નામ અવધ ટાઇમ્સ રાખ્યું તે તેમની ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગાઢ પ્રીતિ અને પરમ રામ ભક્તિનું ઉદાહરણ છે. જો કે ત્યાર પછી તો અવધ નામ જુદી જુદી રીતે ગાજી રહ્યું છે. આપણા હમવતની દિલીપ ઉંધાડે સુરતમાં અવધ રેસ્ટોરન્ટ કરી ને પછી અમરેલીમાં પણ બનાવી. ઉપરાંત અવધ રેસીડેન્સી પણ અહીં બનાવી. અમરેલીથી સુરત ગયેલા મોટાભાગના લોકો હીરા બજારમાં ઝંપલાવીને શ્રીમંતાઈમાં આળોટતા થયા છે ત્યારે દિલીપ ઉંધાડે અવધ નામે મોટી મોટી ટાઉનશીપોનું પણ સર્જન કર્યું છે. એ રીતે અયોધ્યાનું નામ અવધ તરીકે આપણા સહુ સાથે સંકળાયેલું છે. જે સમયે નરસિંહરાવની સરકાર હતી અને ત્યારે રામ મંદિર બાંધવા માટે ભારતભરમાંથી કારસેવકો અયોધ્યા કૂચ કરી ગયા હતા ત્યારે તેમાં ઘણી મોટી સંખ્યામાં અમરેલી જિલ્લાના કારસેવકો પણ હતા. એ પણ આજે ગૌરવપૂર્વક યાદ કરવું રહ્યું. એ જમાનામાં રામમંદિરના નિર્માણ માટે દેશભરમાં જે વાતાવરણ રચાયું હતું તેમાં અમરેલીના નાગરિકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. અમરેલી નગરપાલિકામાં એક અદના આદમી જેવા કિશોરભાઈ જાની નામના કર્મચારી હતા. આજે તો તેઓ દિવંગત થઈ ગયા છે. પણ જો તેઓ આજે હોત તો ધન્યતાનો અવસર અનુભવવા મળત. એ જમાનામાં એમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી રામ મંદિર નહિ બંધાય ત્યાં સુધી હું પગમાં બૂટચંપલ પહેરીશ નહિ અને તેમણે પોતાની પછીની જિંદગી વર્ષો સુધી ઉઘાડા પગે જ પસાર કરી હતી. માત્ર કિશોરભાઈ જ નહિ, આવા નાના મોટા અનેક ભારતીય ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસનું તીર્થસ્થાન રામ મંદિર હવે આકાર લઈ રહ્યું છે. રામકથામાં પણ અમરેલી જિલ્લો જુગજુના સ્મરણોને સાચવી બેઠો છે. બે માણસો સામસામા મળે અને એ… રામ રામ બાપા… એમ બોલે એ પરંપરા કાઠિયાવાડી છે અને ઓરિજિનલ કાઠિયાવાડ અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ છે જેમાં બાબરિયાવાડ એટલે કે રાજુલા-ડુંગર-મજાદર પંથક પણ આવી જાય છે. રામના વિવિધ જીવન પ્રસંગો પર ખૂબ જ સુંદર કાવ્યકૃતિઓ કવિ દુલાભાયા કાગે આપી છે. કાગબાપુએ વરસો સુધી એ જમાનામાં આકાશવાણી રાજકોટ પર પોતાના વિશેષ કાર્યક્રમ ‘ગાતા સરવણ’ માં રામચરિત્રના અનેક પ્રસંગની જ્ઞાનગંગા વહેતી કરી હતી. જેણે સૌરાષ્ટ્રના લોકજીવનને અજવાળ્યું છે. આજે ભાગવતકાર તરીકે જાણીતા રમેશભાઈ ઓઝાએ કારકિર્દીની શરૂઆતમાં આપડા મલકમાં અનેક રામકથાઓ કરી છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાના ખાંભામાં બસસ્ટેન્ડ પાસે ભરવાડ શેરીના નાકે આવેલા રામજી મંદિરમાં પૂજારી તરીકે હરિયાણી બંધુઓ હતા. તેઓ બે ભાઈઓ હતા. આ વાત ઈ. સ. 1960 ના અરસાની છે. તેમણે 1975 સુધી આપડા મલકમાં ગામેગામ રામકથાઓ અને આખ્યાનો કર્યા છે. રાતભર લોકો એમને સવાર સુધી સાંભળવા બેસતા. કથામાં બન્ને ભાઈઓ બહુ જમાવટ કરતા. જુની પેઢીના હયાત વડીલોને હજુ આ વાત યાદ હશે. ઊભી વાજાપેટી રાખતા અને બન્ને હાથે પિયાનોની જેમ વગાડતા. તેઓ અનેક રાગરાગિણીમાં રામચરિત માનસ લોકોને સંભળાતા. એમની એ રાત્રિકથાઓમાં તબલાવાદક તરીકે અમરદાસ ખારાવાળા હતા. હરિયાણી બંધુઓ સાથે રહીને આગળ જતાં અમરદાસ ખારાવાળા પોતે સ્વતંત્ર રામકથા પારાયણ કરતા થયા. તેઓ પોતાની કથાને હંમેશા લોકરામાયણ તરીકે જ ઓળખાવતા. છેલ્લે ડુંગર ગામની આથમણી સીમે આવેલા ગેરવા ડુંગરાની તળેટીમાં અમરદાસ ખારાવાળાએ નવ દિવસની લોકરામાયણની પારાયણ કરી હતી. એ કથાના યજમાન શેઠ કલ્યાણજી નરોત્તમ મહેતા હતા. આ અમરદાસ ખારાવાળા એમની જિંદગીના ઉત્તરાર્ધમાં મોરારિબાપુના આશ્રયે હતા. બાપુ એમને બહુ સાચવતા હતા. રામ મંદિર નિર્માણ માટેની શ્રધ્ધાળુઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સમગ્ર દેશનું ભવ્ય રામ મંદિર અયોધ્યા ખાતે નિર્માણ પામનાર છે ત્યારે રામ મંદિરના ભૂમિ પૂજન માટેના અનેક શુભ મુહૂર્તો કાઢવામાં આવ્યા હતા. ત્યારે ફરી એકવાર આ શુભ મહૂર્ત નક્કી કર્યાના દિવસે એટલે કે આજે રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન અને શીલાન્યાસ કરવામાં આવનાર છે. દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી રામના જન્મના મુહૂર્તમાં જ શ્રીરામ શિલાનું પૂજન કરશે,આ મહૂર્તમાં કરવામાં આવેલા તમામ કાર્યો સફળ સાબિત થાય છે,આ મહૂર્તને સામાન્ય રીતે આઠમું મહૂર્ત પણ કહેવામાં આવે છે. આજે પ્રધાનમંત્રી રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. આ પૂજા અભિજિત મુહૂર્તમાં સિદ્ધિયોગમાં કરવામાં આવશે, પીએમ મોદી આજે 40 કિલો ચાંદીની શ્રીરામની શિલાનુ પૂજન કરીને તેની સ્થાપના પણ કરશે. અભિજિત મુહૂર્ત પ્રત્યેક દિવસે મધ્યાહ્નથી અંદાજે 24 મિનિટ પહેલા આરંંભ થઈને મધ્યાહ્નની 24 મિનિટ બાદ સમાપ્ત થઈ જાય છે. અભિજિત મુહૂર્તનો વાસ્તવિક સમય સૂર્યોદય અનુસાર પરિવર્તિત થતો રહે છે, આ મુહૂર્તમાં કરવામા આવેલ તમામ કાર્ય સફળ થાય છે. પૂજન કરનારાઓને વિજય પ્રાપ્તિ પણ થાય છે, અભિજિતને આઠમું મહૂર્ત પણ કહેવામાં આવે છે. આપણે ત્યાં દિવસે યોજાતા મોટાભાગના લગ્નોત્સવોમાં પણ અભિજિત મુહૂર્ત નક્કી કરવામાં આવે છે. જો કે બીજું પણ આવું એક શ્રેષ્ઠ મુહૂર્ત છે જેને ગોધૂલિ મુહૂર્ત કહેવામાં આવે છે. ગોધૂલિ વેળા એટલે કે સમી સાંજના ટાણાને પણ આપડી સંસ્કૃતિમાં પરમ પવિત્ર સમય માનવામાં આવે છે. સંધ્યાવેળાનો સમય પણ સંકલ્પ સિદ્ધ માનવામાં આવે છે. ભગવાન શ્રીરામનો જન્મ અભિજિત મુહૂર્તમાં જ થયો હતો, આ માટે જ રામ મંદિરના ભૂમિ પૂજન માટે અભિજિત મુહૂર્ત પસંદ કરવામાં આવ્યું છે. આજે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ લગભગ 40 કિલો ચાંદીની ઈંટ શ્રીરામ શિલાને સમર્પિત કરશે. દેશના પીએમ મોદી આ શિલાની પૂજા કરશે અને તેની સ્થાપના કરશે. તે સાથે જ મહંત ગોપાલ 3.30 ફૂટ ઊંડી ભૂમિમાં પાંચ ચાંદીની શિલાઓ રાખવામાં આવશે જે 6 નક્ષત્રોનું પ્રતીક છે.
|
|