અરધા ઉપરાંતનો ભારતીય પ્રદેશ હજુ સતત લોકડાઉન ભોગવે છે

ચીન સાથેના ઘર્ષણ અને છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી રાજસ્થાન કૉંગ્રેસની ભવાઈના કારણે કોરોનાના કોપની વાત સાવ બાજુ પર મૂકાઈ ગઈ છે, પણ દેશમાં કોરોનાના મોરચે સ્થિતિ ફરી ગંભીર બની રહી હોવાના અણસાર મળી રહ્યા છે. દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ને કુલ કેસોનો આંકડો ધીરે ધીરે દસ લાખની નજીક સરકી રહ્યો છે. રોજના પચ્ચીસથી ત્રીસ હજાર નવા કેસ નોંધાય છે એ જોતાં આ અઠવાડિયું પતશે એ પહેલાં તો કોરોનાના કેસોનો આંકડો દસ લાખને પાર થઈ ગયો હશે એ નક્કી છે.

કોરોનાના કારણે થઈ રહેલાં મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે. મૃત્યુઆંક પણ પચ્ચીસ હજારની નજીક પહોંચી ગયો છે. કોરોનાના કારણે મોતને ભેટનારા લોકોના આંકડામાં પણ રોજ રમતાં રમતાં બસ્સો-અઢીસો લોકો ઉમેરાય છે એ જોતાં અઠવાડિયું પૂરું થતાં લગીમાં તો મૃત્યુઆંક પણ પચ્ચીસ હજારને પાર થઈ જશે એ નક્કી છે. ભારતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેમ તેમ પાછો ફફડાટ પણ વધી રહ્યો છે ને હવે પછી શું થશે એ સવાલ પૂછાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર તો ગમે ત્યારે પાછું લૉકડાઉન લદાશે એવી અફવાઓનો મારો જ ચાલ્યા કરે છે. મોદી સરકાર વતી દર ત્રીજા દાડે કોઈએ ને કોઈએ આવીને ચોખવટ કરવી પડે છે કે, દેશમાં ફરી લૉકડાઉન લાદવાની સરકારની કોઈ યોજના નથી ને. આ જે વાતો ફરતી થાય છે એ બધી પડીકાં જ છે. છેલ્લે મંગળવારે ગૃહ મંત્રાલય ને આરોગ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે પણ ચોખવટ કરી જ કે, બાપલિયા સોશિયલ મીડિયા પર ફેંકાતા ગપગોળા પર ધ્યાન ન આપશો કેમ કે મોદી સરકાર ફરીથી લૉકડાઉન લાદવાની નથી.

જો કે, મોદી સરકાર લૉકડાઉન લાદે કે ન લાદે તેનાથી બહુ ફરક પડતો નથી કેમ કે દેશની અડધા ઉપરાંત વસતી તો લૉકડાઉન હેઠળ છે જ. મોદી સરકારે ગત પહેલી જૂનથી લૉકડાઉન હટાવી લીધા પછી ફરી લૉકડાઉન લાદ્યું નથી, પણ દેશનાં કેટલાંય રાજ્યોમાં લૉકડાઉન લંબાયા જ કરે છે તેના કારણે લોકોનો તો છૂટકારો થયો જ નથી. પશ્ર્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તેલંગણા, તમિળનાડુ, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોએ તો પહેલાં જ 31 જુલાઈ સુધી લૉકડાઉન લાદી દીધેલું ને છેલ્લે મંગળવારે બિહારના નીતીશકુમારે પણ આખા રાજ્યમાં 31 જુલાઈ સુધી લૉકડાઉન લાદવાની જાહેરાત કરીને આ રાજ્યોની પંગતમાં બેસવાનું નક્કી કરી નાખ્યું. ગોવા પણ આ રાજ્યોની યાદીમાં આવી ગયું ને અત્યારે પાંચ દિન માટે ગોવાએ પણ લૉકડાઉન લાદી દીધું છે.

ઉત્તર પ્રદેશમાં પણ હાલત ખરાબ થઈ રહી છે ને કેસોનો રાફડો ફાટેલો જ છે. યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં કોરોના સામે લડવા જોરદાર કામગીરી કરી છે એવાં વખાણનો મારો ચાલ્યો એટલે યોગી ભેરવાઈ ગયા છે. એ સંપૂર્ણ લોકડાઉન લાદવા જાય તો બધાં વખાણ ધોવાઈ જાય ને આબરૂનો ફજેતી થાય એટલે યોગીએ અઠવાડિયામાં બે દિવસ એટલે કે શનિ-રવિ લૉકડાઉન લાદવાની જાહેરાત કરી જ દીધી છે. રાજસ્થાનમાં અશોક ગહલોતે લોકડાઉન લાદ્યું નથી, પણ સરહદો સીલ કરી જ દીધી છે. તેના પરથી લાગે જ કે રાજસ્થાનમાં પણ તકલીફ તો છે જ. ટૂંકમાં દેશનાં મોટા ભાગનાં મોટાં રાજ્યોમાં લૉકડાઉનની સ્થિતિ છે જ. મોદી સરકારે સત્તાવાર રીતે જાહેરાત ન કરી હોય તો પણ દેશની કુલ વસતીમાંથી અડધા ઉપરાતં વસતી તો લૉકડાઉન હેઠળ છે જ. ગુજરાત ને કેરળ જેવાં મધ્યમ કક્ષાનાં થોડાંક રાજ્યો ને ઉત્તર-પૂર્વનાં નાનાં નાનાં રાજ્યોને બાદ કરતાં બાકી બધે કોઈ ને કોઈ રીતે લૉકડાઉન લદાયેલું છે જ.

આ સંજોગોમાં મોદી સરકાર ફરી લૉકડાઉન લાદવા વિશે ન વિચારે તેમાં કશું ખોટું નથી, પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા મોદી સરકારે કોઈક તો રસ્તો વિચારવો જ પડે. તેનું કારણ એ કે, આપણે ત્યાં કોરોનાના કેસો જે રીતે વધી રહ્યા છે એ જોતાં બહુ જલદી આપણે દુનિયામાં સૌથી મોટો કોરોનાગ્રસ્ત દેશ બનવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. દુનિયામાં કોરોનાના કેસોની રીતે અમેરિકા હજુય સૌથી આગળ છે. અમેરિકામાં કોરોનાનો ભોગ બનેલાં લોકોની સંખ્યા 35 લાખને પાર થઈ ગઈ છે ને મૃત્યુઆંક 1.40 લાખની આસપાસ છે. બીજા નંબરે બ્રાઝિલ છે કે જ્યાં કુલ 19 લાખની આસપાસ કેસ નોંધાયા છે ને 75 હજારની આસપાસ મૃત્યુઆંક છે.

આપણે અત્યારે ત્રીજા નંબરે છીએ ને અમેરિકા તથા બ્રાઝિલમાં કેસોનો આંકડો બહુ મોટો છે તેથી એકાદ મહિના લગી તો એ બંનેને આપણે પછાડી શકીએ એટલું આશ્ર્વાસન છે. જો કે, સામે જે રીતે આપણે ત્યાં રોજના થોકબંધ કેસો આવે છે એ જોતાં આપણે એ લોકોને ટપી જઈશું એવું પણ લાગે છે. અમેરિકામાં તો કોરોના હજુય દરરોજના સાઠેક હજાર કેસ નોંધાય છે. આપણે ત્યાં તેના કરતા અડધા એટલે કે ત્રીસેક હજાર કેસ નોંધાય છે, પણ દસેક દિવસ પહેલાં રોજના વીસ હજાર કેસ નોંધાતા હતા તેની સાથે સરખામણી કરો તો સમજાય કે, કેસો ગંભીર રીતે વધી રહ્યા છે.

આ કેસોનો આંકડો તો પાછો સત્તાવાર રીતે જાહેર થતો આંકડો છે. બાકી સાચો આંકડો તો કેટલો હશે એ રામ જાણે. રાજ્ય સરકારો ઘાલમેલ કરીને આંકડા દબાવી દે છે એવા આક્ષેપો થયા જ કરે છે. આ આક્ષેપ પાછા મીડિયાએ કે બીજા કોઈએ નથી કર્યા, પણ મોદી સરકારે જ કર્યા છે. પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનરજી કોરોનાના કેસ અને મૃત્યુઆંકના સાચા આંકડા જાહેર કરતાં નથી એવું મોદી સરકારે સત્તાવાર રીતે કહેલું છે. મમતા બેનરજી કોરોનાના કારણે થતાં મૃત્યુને કો-મોર્બિડમાં ખપાવી દે છે એવું મોદી સરકારે જ કહેલું. કોરોનાના દર્દીને કોરોના થયા પહેલાં થયેલી કીડની, હૃદય કે બીજી કોઈ ગંભીર બીમારી હોય તો તેનું મોત કોરોનાના કારણે નહીં પણ કો-મોર્બિડ બીમારીના કારણે થયું છે એવું મમતા સરકાર કાગળ પર બતાવતી ને એ મામલે બહુ મોટી બબાલ થયેલી.

મમતા બેનરજી અને ભાજપને ઊભા રહે બનતું નથી તેથી મોદી સરકારે આ મુદ્દે મમતા સરકારનો કાન આમળ્યો, પણ આ ચાલાકી બીજાં રાજ્યો કરતાં જ હશે. બલકે હવે તો મોટા ભાગના રાજ્યો કોરોનાના મૃત્યુઆંક આપતી વખતે કો-મોર્બિડની રેકર્ડ વગાડી જ દે છે એ જોતાં આ અસતનો વેપાર મોટા પાયે થતો હશે એ ડર છે જ. ટૂંકમાં જે આંકડો બહાર આવે છે એ સાચો હશે જ એવું માનવાની જરૂર નથી. આ સ્થિતિમાં ભારત માટે કોરોનાનો ખતરો મોટો છે. લૉકડાઉનના કારણે આ ખતરો ટળશે એવી આશા રાખેલી, પણ એ આશા ફળી નથી એ જોતાં મોદી સરકારે હવે બીજી વ્યૂહરચના વિચારવી પડે.

આ વ્યૂહરચનામાં સૌથી અસરકારક તો કોરોનાની રસી શોધવાનો જ છે. અત્યારે કોરોનાની રસી ઉપલબ્ધ નથી, પણ કોરોનાની રસી ઉપલબ્ધ થાય ને લોકોને અપાવા માંડે તો કોરોનાનો ખતરો ઘટે. કોરોનાની રસી બનાવવી એ ખાવાના ખેલ નથી, બલકે કોઈ પણ રસી બનાવવી એ ખાવાના ખેલ નથી. મેલેરિયા સદીઓથી થતો રોગ છે ને હજુ તેની રસી ન બનાવી શકાઈ હોય તો કોરોના તો હજુ હમણાં આવેલો રોગ છે. તેન રસી તાત્કાલિક બને એવી આશ ન રખાય ને આ સંજોગોમાં બીજો ઉપાય કોરોનાનો સસ્તો ઈલાજ શોધવાનો છે.

કોરોના થયો હોય તેમને અત્યારે પેરાસિટામોલ જેવી તાવ મટાડવાની ટીકડીઓ કે વિટામિનની ગોળીઓ પકડાવી દેવાય છે. આ દર્દીઓને અલગ રહેવા કહી દેવાય છે. તેના બદલે મેલેરિયા કે બીજા રોગ થાય ત્યારે દર્દીને દવાનો જે ડોઝ અપાય છે કે કોર્સ કરાવાયા છે એવી દવા ઉપલબ્ધ થાય તો પણ કોરોના સામે અસરકારક રીતે લડી શકાય. આ દવા ભરોસાપાત્ર ને મેડિકલી એપ્રૂવ્ડ હોવી જોઈએ. બાબા રામદેવા જેવા ઊંટવૈદો કોરોનાને નામે ચરી ખાવા લોકોને બેવકૂફ બનાવવા ગમે તે જડીબુટ્ટી વાટીને કોરોનાની દવાના નામે તેને લોકોને પધરાવવા નિકળ્યા હોય એવી ન હોવી જોઈએ.

કમનસીબે આપણે આ પ્રકારના રિસર્ચમાં બહુ પછાત છીએ ને સંપૂર્ણપણે બીજા દેશો પર નિર્ભર છીએ. આપણે ત્યાં ફાર્મા ઈન્ડસ્ટ્રી મોટી છે, પણ બધી કંપનીઓ વિદેશી કંપનીઓએ કરેલાં સંશોધનો પર દુકાન ચલાવે છે, તેમનું પોતાનું કહેવાય એવું કશું તેમની પાસે નથી. આ પછાતપણું જોતાં આપણે કોરોનાની દવા શોધી શકીશું કે કેમ તેમાં શંકા છે. વિદેશીઓ કશું કાચું કરતા નથી કેમ કે ત્યાં માણસના જીવનની કિંમત છે તેથી પૂરતા ટ્રાયલ પછી જ દવા બને. આ ચોકસાઈ જોતાં કોરોનાની દવા આવતાં બીજા છ મહિના નિકળી જશે ને આપણે છ મહિના સુધી ભગવાન ભરોસે જ જીવવાનું છે.