અર્થતંત્ર પાટે ચડ્યું: ડિસેમ્બરમાં જીએસટી કલેક્શન રેકોર્ડબ્રેક રૂ.૧.૧૫ લાખ કરોડને પાર

૨૦૨૧ના નવા વર્ષે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર આવ્યા છે. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ડિસેમ્બર ૨૦૨૦માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ક્લેક્શન રૂ.૧.૧૫ લાખ કરોડ નોંધાયુ છે જે અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક ક્લેક્શન છે.

નાણાં મંત્રાલયના આંકડા મુજબ ડિસેમ્બર ૨૦૨૦માં GST પેટે કુલ રૂ. ૧,૧૫,૧૭૪ કરોડની વસૂલાત કરવામાં આવી છે જે વાર્ષિક તુલનાએ GST ક્લેક્શનમાં ૧૨ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.  ગત મહિને ગુડ્સની આયાતથી રેવન્યૂ ૨૭ ટકા અને ઘરઆંગણે માલસામાનના ટ્રાન્સપોર્ટથી થતી આવકમાં ૮ ટકાની વૃદ્ધિ થઇ છે.

ભારતમાં જુલાઇ ૨૦૧૭મા નવી કરપ્રણાલી જીએસટીના અમલીકરણ બાદ પ્રથમવાર ડિસેમ્બર ૨૦૨૦માં રૂ. ૧.૧૫ લાખ કરોડથી વધુ વિક્રમજનક જીએસટી ક્લેક્શન નોંધાયુ છે. તેની પહેલા સૌથી વધુ જીએસટી ક્લેક્શન એપ્રિલ ૨૦૧૯માં ૧,૧૩,૮૬૬ કરોડ નોંધાયુ હતુ.

ડિસેમ્બર ૨૦૨૦માં થયેલ વિક્રમજનક રૂ.૧,૧૫,૧૭૪ કરોડના જીએસટી ક્લેક્શનમાં સેન્ટ્રેલ જીએસટી પેટે રૂ. ૨૧,૩૬૫ કરોડ, સ્ટેટ જીએસટી પેટે રૂ. ૨૭,૮૦૪ કરોડ અને આઇજીએસટી પેટે રૂ. ૫૭,૪૨૬ કરોડ (જેમાં ગુડ્સની આયાત પેટે રૂ. ૨૭,૦૫૦ કરોડ) અને સેશ પેટે રૂ. ૮૫૭૯ કરોડ (જેમાં ગુડ્સની આયાત પેટે રૂ. ૯૭૧ કરોડ)ની આવક થઇ છે.

૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી નવેમ્બર મહિના માટે નોંધાયેલા GSTR-3B રિટર્નની કુલ સંખ્યા ૮૭ લાખ છે. સરકારે સીજીએસટી હેઠળ રૂ. ૨૩,૨૭૬ કરોડ અને આઈજીએસટી હેઠળ એસજીએસટીને રૂ. ૧૭,૬૮૧ કરોડની નિયમિત પતાવટ કરી છે. ડિસેમ્બર ૨૦૨૦ના મહિનામાં નિયમિત પતાવટ બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા મેળવેલી કુલ આવક સીજીએસટી પેટે રૂ. ૪૪,૬૪૧ કરોડ અને એસજીએસટી પેટે ૪૫,૪૮૫ કરોડ રૂપિયા છે.