અવધ ટાઇમ્સની ઝુંબેશ સફળ : ચાવંડમાં કાલથી ચેકપોસ્ટ શરૂ

  • આઠમીએ અવધ ટાઇમ્સમાં પ્રસિધ્ધ થયેલ અહેવાલની નોંધ લેવાઇ : ડો. કાનાબાર દ્વારા પ્રયાસો થયા અને કલેકટરશ્રીએ નિર્ણય લીધો
  • અમરેલી જિલ્લામાં સુરત, અમદાવાદ, મુંબઇથી કેસ આવતા હોવાથી બહારના જિલ્લામાંથી આવતા લોકોનું ચેકપોસ્ટ શરૂ કરી સ્ક્રિનીંગ કરી કવોરન્ટાઇન કરવા અહેવાલ અપાયેલ
  • 16થી 31 સુધી સુરત, અમદાવાદ, મુંબઇથી આવતા તમામ વાહનોના ઉતારૂઓનું સ્ક્રિનીંગ : ચાવંડ ચેકપોસ્ટથી તમામને પ્રવેશ : 3 બસ માટે વંડા, 2 બસ માટે ડુંગરમાં સ્ક્રિનીંગ

અમરેલી,
અમરેલી જિલ્લામાં વધી રહેલા કોરોનાનાં સંક્રમણને કારણે તેનો અભ્યાસ કરી અને ગઇ 8 મી જુલાઇએ અવધ ટાઇમ્સ દ્વારા અમરેલી જિલ્લામાં કોરોનાનાં સંક્રમણને રોકવા માટે અમદાવાદ, સુરત, મુંબઇ જેવા બહારના જિલ્લામાંથી આવતા લોકોનું સ્ક્રિનીંગ કરવા અને કવોરન્ટાઇન કરવા પ્રસિધ્ધ કરાયેલા અહેવાલની નોંધ લેવાઇ છે અને કાલથી ચાવંડ, વંડા અને ડુંગર ખાતે સુરત, મુંબઇ અને અમદાવાદથી આવનારા લોકોનું સ્ક્રિનીંગ કરવાનો આદેશ આપી કલેકટરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.
અવધ ટાઇમ્સે સર્વે કર્યો હતો કે કોરોના પોઝિટિવ અને મૃત્યુ પામનાર અમદાવાદ, સુરતથી આવેલા અથવા તો સુરતના અમદાવાદના સંક્રમણનો ભોગ બન્યા છે અને તેના માટે ગઇ 8 મી જુલાઇએ અહેવાલ પણ પ્રસિધ્ધ કર્યો હતો આ અહેવાલના અનુસંધાને અમરેલીના કદી ન થાકનારા રીયલ કોરોના વોરીયર્સ ડો. ભરતભાઇ કાનાબાર દ્વારા સરકારમાં અને કલેકટરશ્રી સમક્ષ અસરકારક રજુઆત કરી હતી અને તેમાં અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, શ્રી પરેશભાઇ ધાનાણી, શ્રી વિરજીભાઇ ઠુંમર, શ્રી અંબરીશભાઇ ડેર, શ્રી હીરાભાઇ સોલંકી, શ્રી ઠાકરશીભાઇ મેતલીયાએ પણ રજુઆતમાં પોતાનો સુર પુરાવતા રાજ્ય સરકારની સુચનાથી 16 મી જુલાઇથી ચાવંડ ખાતે ચેકપોસ્ટ શરૂ કરાશે જ્યાં તમામ વાહનોમાં અમદાવાદ, સુરત, મુંબઇના વાહનોનું સ્ક્રિનીંગ કરી અને પ્રવેશ દેવામાં આવશે તેમાં સંક્રમિત વ્યક્તિને સીધા હોસ્પિટલમાં લઇ જવાશે જેનાથી તેનો પરિવાર પાડોશી અને ગામ સંક્રમિત થતા અટકશે.