અવધ નાગરિક શરાફી સહકારી મંડળી સભાસદોને કીટ આપશે

મંડળીની દરેક બ્રાન્ચમાં સોમવાર, મંગળવાર અને બુધવાર સુધીમાં જરૂરિયાત મંદ સભાસદોએ કીટ માટે નોંધણી કરાવી દેવી : તા.23 ને ગુરૂવારથી કીટ વિતરણનો પ્રારંભ કરાશે : કીટ લેવા આવનાર દરેક સભાસદોને લોકડાઉનનાં નિયમો અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્ત પાલન કરવા આયોજકોએ કરેલી વિનંતી
અમરેલી,હાલમાં કોરોનાને લઇને આવેલી મહામારીને પહોંચી વળવા માટે ચાલી રહેલા લોકડાઉનમાં જનજીવન મુશ્કેલીમાં છે લોકોના ધંધા રોજગાર બંધ છે આવા આફતના ટાણે અવધ મંડળીએ પોતાના સભાસદોની પડખે ઉભા રહેવાનો નિર્ણય કરી જણાવેલ છે કે, અવધ નાગરિક શરાફી સહકારી મંડળી પોતાના જરુરીયાતમંદ સભાસદોને વિનામુલ્યે રાશન કીટ આપશે.
લોકડાઉન દરમિયાન આપણા દેશના સુકાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકડાઉન દરમિયાન આસપાસના લોકોની કાળજી લેવા કરેલા અનુરોધને પગલે અને હવે લોકડાઉન-2 આવતા અવધ નાગરિક શરાફી સહકારી મંડળીના સ્થાપક ચેરમેનશ્રી ભરતભાઇ ચૌહાણે વિડીયો કોન્ફરન્સથી એમડી શ્રી કિશોરભાઇ જાની, સીનીયર ડાયરેકટર શ્રી બીએલ હિરપરા તથા બોર્ડ ઓફ ડાયરેકટરો સાથે બેઠક યોજી મોટો નિર્ણય લીધો હતો કે, સાડાસાત હજાર સભાસદો ધરાવતી અવધ નાગરિક શરાફી સહકારી મંડળી પોતાના જરુરીયાતમંદ સભાસદોને લોકડાઉનના સમયમાં ટેકા માટે અનાજની કીટ આપશે.
હજુ લોકડાઉન પુરુ થવાને વાર છે અને ત્યાર બાદ પણ જનજીવન થાળે પડતા વાર લાગવાની છે તેવા સમયે અવધ મંડળીએ પોતાના સભાસદોના હિતમાં સુંદર નિર્ણય લીધો છે જેના માટે તા.21ના મંડળીના સમય દરમિયાન સભાસદોએ પોતાની જે તે શાખામાં નોંધણી કરાવી દેવી અને આગામી તા. 23થી અવધ મંડળી પોતાના સભાસદોને સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવી રાખી તબકકાવાર ફોન દ્વારા સભાસદોને જાણ કરી અમરેલી, ચલાલા, બગસરા, ધારી, બાબરા તથા રાજુલાની મંડળીની બ્રાંચમાં બોલાવીને કીટ આપવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે.
અવધ નાગરીક શરાફી સહકારી મંડળી લી.ની દરેક બ્રાન્ચમાં સોમવાર, મંગળવાર અને બુધવાર સુધીમાં જરૂરિયાત મંદ સભાસદોએ કીટ માટે નોંધણી કરાવી દેવી તથા તા.23 ને ગુરૂવારથી કીટ વિતરણનો જે તે ગામની શાખા ઉપરથી પ્રારંભ કરાવામાં આવશે અને કીટ લેવા માટે આવનારા દરેક સભાસદોને લોકડાઉનનાં નિયમો અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્ત પાલન કરવા આયોજકોએ વિનંતી કરી છે. તેમ અવધ નાગરીક શરાફી સહકારી મંડળીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.