અશોક ગેહલોતે તો આખી કોંગ્રેસને  ચકરડી ફેરવીને બરાબર મૂર્ખ બનાવી

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત એક જમાનામાં જાદુના ખેલ કરતા હતા તેથી હજુય સૌ તેમને જાદુગર કહે છે. ગહેલોતે તેમને જાદુગર કેમ કહેવામાં આવે છે એ ફરી એકવાર સાબિત કરી દીધું. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કૉંગ્રેસ પ્રમુખપદે પોતાના કોઈ માણસને બેસાડવા માગતાં હતા તેથી તેમની નજર ગહેલોત પર ઠરી હતી પણ ગહેલોત સત્તા છોડવા તૈયાર નહોતા. રાહુલ ગાંધીને મનાવવા સહિતનાં જાતજાતનાં ત્રાગાં કરીને એ કૉંગ્રેસ પ્રમુખપદની ગાદી પર બેસવાનું ટાળતા રહ્યા. આ બધાથી મેળ નહીં પડે એવું લાગતાં તેમણે છેવટે રાજસ્થાનમાં પોતાના સમર્થક ધારાસભ્યો પાસે બળવો કરાવવાનું નાટક કરાવી દીધું ને અંતે એ બહાને કૉંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીમાંથી ખસી ગયા.
મજાની વાત એ છે કે, ગહેલોતે ચૂંટણી નહીં લડવાના નિર્ણયને નૈતિકતાનાં વાઘાં પહેરાવી દીધાં છે. ગહેલોતે પોતે નૈતિકતાના ઠેકેદાર હોય એ રીતે પાછું એલાન કર્યું છે કે, રાજસ્થાનમાં જે કંઈ બન્યું તેની નૈતિક જવાબદારી મારી છે તેથી હું કૉંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી નહીં લડું. ભલા માણસ, રાજસ્થાનમાં થયેલા તાયફાની નૈતિક જવાબદારી લેવાની હોય તો રાજસ્થાનનું મુખ્યમંત્રીપદ છોડી દેવું જોઈએ. એ ખરી નૈતિકતા કહેવાય પણ તેના બદલે કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણ નહીં લડવાની જાહેરાતમાં ક્યાં નૈતિકતા આવી?
ગહેલોત કેવા મોટા કલાકાર છે તેનો અંદાજ સોનિયા ગાંધી સાથેની લગભગ દોઢ કલાકની બેઠક બાદ ગહેલોતે કરેલાં નિવેદન છે. ગહેલોતે પોતે કૉંગ્રેસ પ્રમુખપદ માટેની ચૂંટણી નહીં લડે એવું એલાન કરીને કહ્યું કે મેં સોનિયા ગાંધી સાથે બેસીને વાત કરી છે અને હું શરમજનક સ્થિતિમાં છું. મેં હંમેશાં કૉંગ્રેસના વફાદાર સૈનિક તરીકે કામ કર્યું છે પણ વિધાનસભા પક્ષની બેઠકના દિવસે બનેલી ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. એ દિવસે બનેલી ઘટના પરથી સૌને એવું લાગ્યું કે, હું મુખ્યમંત્રીપદેથી ખસવા માંગતો નથી તેથી મેં તેમની માફી માગી છે. ગહેલોતે એવો દાવો પણ કર્યો કે, કૉંગ્રેસમાં હંમેશાંથી પરંપરા રહી છે કે અમે હાઈકમાન્ડ જે નિર્ણય લેશ તે અમને શિરોમાન્ય રહેશે એવો એક લીટીનો પ્રસ્તાવ પસાર કરીએ છીએ. મુખ્યમંત્રી હોવા છતાં હું આ એક લીટીની દરખાસ્ત પસાર કરાવી શક્યો નહિ એ દુ:ખની વાત છે. આ ઘટનાએ દેશમાં કૉંગ્રેસ વિરોધી મેસેજ આપ્યો છે તેથી હવે મુખ્યમંત્રીપદે મને રાખવો કે નહીં તેનો નિર્ણય પણ સોનિયા ગાંધી પર છોડ્યો છે.
ગહેલોતની વાતો પરથી લાગે કે, સોનિયા ગાંધી ફરમાન કરશે એટલે ગહેલોત કહ્યાગરા બનીને મુખ્યમંત્રીપદેથી રાજીનામું ધરી દેશે. જો કે ગહેલોત જૂથના ધારાસભ્યો જે રીતે વર્તી રહ્યું છે એ જોતાં ગહેલોત અંદરખાને જુદો જ દાવ રમી રહ્યા છે એ પણ સ્પષ્ટ છે. ગહેલોત પોતાને કૉંગ્રેસના સૈનિક ગણાવે છે ત્યારે જયપુરમાં ગહેલોત સરકારના મંત્રી ગોવિંદ મેઘવાલે હુંકાર કર્યો કે, રાજસ્થાનમાં અન્ય જૂથના નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો તમામ ધારાસભ્યો રાજીનામું આપી દેશે. ગહેલોતના કટ્ટર સમર્થકોમાંના એક મેઘવાલે એમ પણ કહ્યું કે અમે રાજસ્થાનમાં મધ્યસત્ર ચૂંટણી માટે પણ તૈયાર છીએ. ગહેલોત જૂથે તો કોંગ્રેસના પ્રભારી અજય માકન પર પક્ષપાત કરવાનો અને સચિન પાઇલટની તરફેણ કરવાનો ખુલ્લો આરોપ પણ લગાવ્યો છે.
ગહેલોતના નાટક પછી હવે સોનિયા ગાંધી ગહેલોતનું શું કરે છે તેના પર સૌની નજર છે પણ ગહેલોતનો પ્રભાવઅને આ બધાં નાટકો જોતાં સોનિયા તેમને કશું કરી શકે એવી શક્યતા દેખાતી નથી. ગહેલોતે પોતાના સમર્થક ધારાસભ્યો દ્વારા હાઈકમાન્ડ પર એવું જોરદાર દબાણ પેદા કર્યું છે કે, સોનિયા કશું કરવાની હિંમત જ ના કરી શકે. રાજસ્થાનમાં અશોક ગહેલોતતરફી ધારાસભ્યોએ બળવાખોરી કરી પછી સોનિયા ગાંધી નારાજ હોવાનું કહેવાય છે પણ ગહેલોત સોનિયાની નારાજગીની કોઈ કિંમત ના હોય એ રીતે વર્તી રહ્યા છે.
સોનિયાએ મોકલેલા નિરિક્ષકો મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને તો ગહેલોત તરફી ધારાસભ્યો ઘોળીને જ પી ગયા હતા. ખડગે અને માકનના રિપોર્ટમાં વિધાનસભા પક્ષની બેઠકનો બહિષ્કાર કરીને ગહેલોતને ટેકો આપતા મંત્રીઓનાં નિવેદનોને હાઈકમાન્ડના આદેશનું ઉલ્લંઘન અને ગંભીર અનુશાસનહીનતના ગણવાની ભલામણ કરાઈ હતી. તેના આધારે ગહેલોતતરફી ટોચના નેતાઓને નોટિસ આપવામાં આવી છે એ છતાં ગહેલોત તરફી ધારાસભ્યોના તેવર નરમ પડ્યા નથી એ જોતાં સોનિયા ગહેલોતને કશું કરવા જાય તો કૉંગ્રેસમાં ભંગાણ પડી જાય એવું પણ બને.
ગહેલોત સત્તા સાચવવા ગમે તે હદે જઈ શકે એ જોતાં કૉંગ્રેસનાં ફાડિયાં કરી શકે. સોનિયા એવું જોખમ ઉઠાવે એવી શક્યતા ઓછી છે એ જોતાં સોનિયાને કોડીના કરી નાખ્યા પછી પણ ગહેલોતનું કોઈ કશું તોડી શકે એવી શક્યતા નથી. કૉંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલે ફિશિયારી મારી છે કે, રાજસ્થાનનો મામલો ૧-૨ દિવસમાં ઉકેલાઈ જશે અને નેતૃત્વ પરિવર્તનનો ફેંસલો થઈ જશે. વેણુગોપાલ ગમે તે હોંશિયારી મારે પણ ગહેલોતને કશું થવાની શક્યતા નથી.
ગહેલોત ખસી જતાં હવે કૉંગ્રેસ પ્રમુખપદે કોણ આવશે એ સવાલ પાછો આવીને ઉભો રહી ગયો છે. અત્યારે જે સંજોગો છે એ જોતાં દિગ્વિજયસિંહ વર્સીસ શશિ થરૂરનો જંગ થવાના પૂરા અણસાર છે. શશિ થરુર ચૂંટણી લડવાના છે એ નક્કી છે. શશિ થરુર ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે એટલે કે ૩૦ સપ્ટેબરે ફોર્મ ભરવાની જાહેરાત કરી ચૂક્યા છે. થરુરનું કહેવું છે કે, પોતે છે એટલા માટે ફોર્મ ભરશે કે જેથી ચૂંટણી થાય. કોઈને એવું ન લાગે કે કૉંગ્રેસમાં લોકશાહી નથી અને ચૂંટણી નથી થતી.
જો કે થરુર નહેરુ-ગાંધી ખાનદાનની પસંદગી નથી કેમ કે એ કહ્યાગરા નથી. આ સંજોગોમાં નહેરુ-ગાંધી ખાનદાન કોને ઉતારે એ છે જોવાનું છે. દિગ્વિજયસિંહ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને વચ્ચે છોડીને કેરળના મલપ્પુરમથી દિલ્હી આવી ગયા હતા તેથી માનવામાં આવે છે કે છેલ્લા દિવસે દિગ્વિજયસિંહ પણ ઉમેદવારી નોંધાવી શકે છે.
આ સવાલનો જવાબ મેળવવા ઝાઝી રાહ જોવાની નથી, ગણતરીના કલાકો બાકી છે તેથી અટકળ છોડીએ.