અશ્વિન પાસે ૮૦૦ ટેસ્ટ વિકેટ ઝડપવાની ક્ષમતા: મુરલીધરન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિન અને હનુમા વિહારીએ છઠ્ઠી વિકેટ માટે ૨૫૮ બોલમાં ૬૨ રનની ભાગીદૃારી કરી મેચને ડ્રો કરાવી હતી. જે બાદ આ બન્ને ભારતીય ક્રિકેટરોની ખૂબ પ્રશંસા થઇ હતી. જ્યારે અશ્વિન માટે પ્રશંસાનો આ સિલસિલો હજુ ચાલુ છે. હવે દુનિયાના દિગ્ગજ સ્પિનરે રવિચંદ્રન અશ્વિનના વખાણ કર્યા છે.

શ્રીલંકાના મહાન ઓફ સ્પિનર અને દુનિયાના સૌથી સફળ બોલર્સમાંથી એક મુથૈયા મુરલીધરને ટીમ ઇન્ડિયાના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનના વખાણ કરતાં કહૃાું કે, તેમને આશા છે કે અશ્વિન ટેસ્ટમાં ૭૦૦ વિકેટ લઇ શકે છે. ત્યાં સુધી કે તે ૮૦૦ વિકેટ પણ લઇ શકે છે. બીજી બાજુ નાથન લાયન બ્રિસબેનમાં ૧૦૦મી ટેસ્ટ રમશે. તે અત્યાર સુધી ૩૯૬ વિકેટ લઇ ચૂક્યો છે. જ્યારે તેની સરખામણીએ અશ્ર્વિને ૭૪ ટેસ્ટમાં ૩૭૭ વિકેટ ઝડપી છે. ટેસ્ટ ક્રિકેટમાં ૮૦૦ વિકેટ લેનાર મુરલીધરને કહૃાું કે, અશ્વિન પાસે ચાન્સ છે. કેમ કે, તે એક મહાન બોલર છે. એના સિવાય મને નથી લાગતું કે કોઇ યુવા બોલર ૮૦૦ વિકેટ મેળવી શકે. નાથન લાયન પાસે અહીં સુધી પહોંચવાની પ્રતિભા નથી. તે ૪૦૦ વિકેટની નજીક છે, પરંતુ ૮૦૦ વિકેટ સુધી પહોંચવા માટે તેને સખત મહેનત કરવી પડશે.