અસલી રાજપુરુષ એવા વાજપેયીને આ વખતે હિન્દુસ્તાને બહુ યાદ કર્યા

વાજપેયીએ અમરેલીના રાજકમલ ચોકમાં ઘણી સભાઓ ગજાવેલી એ આપણા વતનીઓને અને ખાસ તો જૂની પેઢીને યાદ હશે. જિલ્લામાં અનેક નાના સેન્ટરોએ પણ તેમનો પહાડી અને પદ્યાવલિઓ વહેતી કરતો કાવ્યાત્મક અવાજ વહેતો રહેતો હતો. અમરેલીના અનેક નેતાઓને તેઓ વ્યક્તિગત ઓળખતા અને  સંબંધ રાખતા. બે દિવસથી એટલે કે શુક્રવાર ને પચીસ ડિસેમ્બરે નાતાલના દિવસથી વિશ્વભરમાં 2020ના ભારેખમ શોકજનક વરસને વિદાય આપવાની ને આશાવંત નવા વરસને આવકારવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 25 ડિસેમ્બરે નાતાલની સાથે સાથે આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ પણ હતો. આપણે ત્યાં રાજકારણીઓના જન્મદિવસ બહુ ટિપિકલ હોય છે ને તેમને શ્રદ્ધાંજલિ પણ ટિપિકલી જ આપી દેવાય છે. રાજકારણીઓ સાવ ચવાઈ ગયેલા શબ્દો ને કંટાળી જવાય એવી વાતો કરીને રાજકારણીઓને શ્રદ્ધાંજલિ આપી દે છે ને એક વિધિ પતાવે છે. આ રાજનેતાના યોગદાનનું સાચું મૂલ્યાંકન કરીને તેના રસ્તે ચાલવાની કોઈ કોશિશ જ કરતું નથી.

વાજપેયીના કિસ્સામાં પણ એવું જ થયું છે. વાજપેયીના જન્મદિવસે તેમને યાદ બધાંએ કર્યા પણ વાજપેયીનો સાચો વારસો શું છે તેની વાત કોઈએ ન કરી. બધા રાજનેતા એવા નથી હોતા કે જેમના વારસાને યાદ કરી શકાય પણ વાજપેયી ચોક્કસ એવા નેતા હતા. ભારતમાં રાજકારણીઓ બહુ આવ્યા પણ જેમને રાજપુરૂષ કહી શકાય એવા નેતા બહુ ઓછા આવ્યા. વાજપેયી આવા અપવાદરૂપ નેતાઓમાં એક હતા પણ કમનસીબે તેમના સિધ્ધાંતો, તેમના વારસાને તેમના મૃત્યના બે વરસમાં જ ભૂલાવી દેવાયો છે.

મોદી સિવાયના જે અનેક નેતા વાજપેયીની વાતો કરે છે, તેમને મહાન ગણાવીને તેમનાં ગુણગાન ગાય છે, તેમના રસ્તે ચાલવાની વાતો પણ કરે છે પણ ખરેખર વાજપેયીના રસ્તે ચાલતા નથી. વાજપેયી પોતાના સિદ્ધાંતોની બાબતમાં સ્પષ્ટ હતા ને પોતાની વિચારધારા વિશે પણ સ્પષ્ટ હતા. મોદી જો કે હજુ એમને અનુસરે છે. સિદ્ધાંતો અને વિચારધારા વાજપેયી માટે સત્તા લગી પહોંચવાની સીડી નહોતી તેથી તેમણે સત્તા મેળવવા કે ટકાવવા કદી ફાંફાં ન માર્યાં કે હલકટાઈ પર ના ઊતર્યા. વાજપેયી છેક 1950ના દાયકાથી રાજકારણમાં સક્રિય હતા. પાંચ દાયકા કરતાં વધારે સમય એ રાજકારણમાં રહ્યા પણ કદી પોતાનું ગૌરવ છોડીને ન વર્ત્યા. વ્યક્તિગત પ્રહારો ન કરવા, કોઈના વિશે ખોટી વાતો ન કરવી, જૂઠાણાં ન ફેલાવવાં, હંમેશાં મુદ્દાની જ વાત કરવી, બીજાની લીટી નાની કરીને પોતાની લીટી મોટી ન બતાવવી એ બધું વાજપેયીના રાજકારણના કેન્દ્રમાં હતું. પાંચ દાયકા સુધી તેમણે આ સિદ્ધાંતો, આ વિચારધારાને કદી ન છોડી.

વાજપેયીની રાજકીય કારકિર્દીની ખાસિયત એ છે કે, તેમણે કદી બે મોંઢાની વાતો ન કરી. દસ વર્ષ પહેલાં કશું બોલતા હતા ને સત્તા મળી પછી કાચિંડાની જેમ રંગ બદલીને બીજી જ વાતો કરવા માંડી એવું વાજપેયીના કિસ્સામાં કદી ન બન્યું. વાજપેયી 1950ના દાયકામાં એ જે વાતો કરતા હતા એ જ વાતો તેમણે છેક સુધી પકડી રાખી. તેમણે પોતાની કાર્યપદ્ધતિ બદલી, નવા સાથીઓને પણ પોતાની સાથે લીધા, જમાના પ્રમાણે બદલાઈને નવા વિચારોને પણ અપનાવ્યા પણ એ છતાંય કદી રાજકારણને નિમ્ન કક્ષાએ ન જવા દીધું. આ જ કારણે તેમના નિધનના બે વર્ષ પછી પણ લોકો તેમને પ્રેમથી યાદ કરે છે, તેમના યોગદાનને પ્રેમથી સંભારે છે.

આ દેશના રાજકારણમાં વાજપેયી જેવા બહુ ઓછા નેતા આવ્યા છે. જેમના માટે સત્તા નગણ્ય હોય ને દેશ જ સર્વોપરિ હોય એવા ગણતરીના નેતાઓમાં વાજપેયી આવે. સરદાર વલ્લભભાઈ પટેલ, જયપ્રકાશ નારાયણ કે નાનાજી દેશમુખ જેવા ગણ્યાગાંઠ્યા નેતા આ કેટેગરીમાં આવે. આ નેતાઓએ કદી ફકીર હોવાનો દાવો ન કર્યો પણ ફકીરની જેમ વર્તીને બતાવ્યું. વાજપેયી પણ એવા નેતા હતા ને વાજપેયીના યોગદાન વિશે એક લેખમાં વાત કરવી અઘરી છે પણ અલપઝલપ વાતો કરીશું તો પણ વાજપેયીની મહત્તાનો, તેમના વિઝનનો, તેમના યોગદાનનો ખ્યાલ આવશે.

વાજપેયીજીનું સૌથી મોટું યોગદાન એ છે કે, તેઓ હિંદુત્વની વિચારધારામાં માનતા હોવા છતાં બીજા ધર્મોને પણ માન આપ્યું અને સહઅસ્તિત્વના વિચારને આત્મસાત કરીને એ રીતે વર્ત્યા. વાજપેયી હિંદુ સેક્યુલર હતા કે જે તમામ ધર્મોને માન આપતા, તમામ વિચારધારાને માન આપતા અને પોતાનાથી વિરોધી માનસિકતા કે વલણ ધરાવનાર સામે પણ ખાર નહોતા રાખતા, ઝેર નહોતા એકતા. વાજપેયી સાચા અર્થમાં મોટા માનના માણસ હતા તેના કારણે તેમના સમયમાં ભાજપમાં કટ્ટરવાદી માનસિકતા પ્રભાવક ન બની. બધી વાતોને હિંદુ વર્સીસ મુસ્લિમ એંગલ આપીને લોકોમાં ઉન્માદ પેદા કરવાની અને જૂઠાણાં ચલાવીને પોતાના વિરોધીઓનું ચારિત્ર્યહનન કરવાની માનસિકતા ધરાવનારા લોકો વાજપેયીજીના સમયમાં પણ હતા પણ વાજપેયીએ તેમને ન ફાવવા દીધા. તેમણે ભાજપને સાચા અર્થમાં સેક્યુલર પક્ષ બનાવ્યો.

ભાજપ ખરેખર તો ઉદાર હિંદુવાદી રાજકારણની પેદાશ છે ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની રાજકીય પાંખ તરીકે તેનો જન્મ થયો. સંઘ વિશે લોકોને સાચી માહિતી નથી ને આઝાદી પછી તેણે જે વલણ લીધેલું તેની વાતો સાંભળશો તો નવાઈ જ લાગી જશે. સંઘની રાજકીય પાંખ તરીકે પહેલાં જનસંઘ ને પછી ભાજપ અસ્તિત્વમાં આવ્યો. આ કારણે શરૂઆતનાં વરસોમાં જનસંઘની વિચારધારા પહેલાં કટ્ટરવાદી ને ખાસ તો મુસ્લિમ વિરોધી હતી. અલબત્ત બહુ જલદી જનસંઘ સંઘના વળગણમાંથી મુક્ત થયો ને એકંદરે જનસંઘ ને પછી ભાજપ પણ સાવ છેવાડાના કટ્ટરવાદના રસ્તે ન વળ્યા તેનો યશ વાજપેયીજીને જાય છે. વાજપેયીજીએ સત્તા માટે શોર્ટ કટ અપનાવવાના બદલે દેશનું હિત વધારે વિચાર્યું ને એટલે જ કટ્ટરવાદના બદલે બધાંને સાથે લઈને ચાલવાની વિચારધારાને અપનાવી. સંઘને ગાંધીજીની વિચારધારા પસંદ નહોતી પણ વાજપેયીજીએ તેને અવગણીને ભાજપને ગાંધીજીની વિચારધારા તરફ વાળવાનો ભરપૂર પ્રયત્ન કર્યો.

વાજપેયીના એ પ્રયત્ન ન ફળ્યા ને ભાજપના રાજકીય અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો પછી ભાજપ ફરી હિન્દુવાદ તરફ વળ્યો એ અલગ વાત છે પણ વાજપેયીજીએ એ પછી પણ પોતાની વિચારધારા નહોતી છોડી. ગાંધીજી તરફ તેમને માન હતું તેથી તેમણે ભાજપને ગાંધીવાદી વિચારધારા તરફ વાળીને દેશને સ્વાવલંબી બનાવવા પ્રયત્ન કરેલા. આ પ્રયત્નો ન ચાલ્યા તેથી ગાંધીજીને તડકે મૂકીને વાજપેયીજી હિંદુત્વનો ઘંટ વગાડવા નહોતા બેસી ગયા. ભાજપે રામમંદિરનો મુદ્દો ઉઠાવ્યો ને દેશમાં એક ઉન્માદ પેદા કર્યો ત્યારે પણ વાજપેયીજી તેનાથી અલિપ્ત હતા. એ વખતે ભાજપના નેતાઓમાં હિંદુ હૃદય સમ્રાટ બનવાની હોડ હતી પણ વાજપેયીજી એ હોડમાં કદી સામેલ ન થયા. વાજપેયીનું અસલી ચારિત્ર્ય એક ઉદાર મતવાદીનું હતું ને તેમનો અસલી ચહેરો એક હિંદુ સેક્યુલરનો હતો એ રામમંદિર ચળવળે સાબિત કરેલું.

વાજપેયીએ કાશ્મીરને મુદ્દે અપનાવેલું વલણ પણ યાદ કરવા જેવું છે. ઉન્માદ પેદા કરીને મત મેળવવાના બદલે કાશ્મીરનાં લોકોને વિકાસનો સ્વાદ ચખાડીને ભારત તરફ વાળી શકાશે એવું વાજપેયી માનતા. કાશ્મીરીઓની ઓળખ ન જાય ને છતાં એ ભારત તરફ ઢળે એ માટે વાજપેયીએ કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે ઈન્સાનિયત (માનવતા), કાશ્મીરીયત (કાશ્મીરી વિરાસત) અને જમ્હૂરીયત (લોકશાહી) એ ત્રણ શબ્દોની ફોર્મ્યુલા આપી હતી. કાશ્મીરી પ્રજાનો આગવી ઓળખ સાથેનો રાષ્ટ્રવાદ, સામાજિક ચેતના અને સાંસ્કૃતિક મૂલ્યો કાશ્મીરીયત છે.

વાજપેયીજીએ કાશ્મીરીયતનું અદ્ભુત અર્થઘટન કરીને કાશ્મીરીઓને મંત્રમુગ્ધ કરી દીધેલા. તેમણે કહેલું કે કાશ્મીરીયતમાં ધર્મ ક્યાંય નથી અને ધર્મથી પર રહીને કાશ્મીરી પ્રજાઓ સદીઓમાં જે વિરાસત ઊભી કરી છે એ કાશ્મીરીયત છે. આ કાશ્મીરીયતમાં કાશ્મીરી પ્રજાની આગવી ઓળખ, કાશ્મીરી કલા-સાહિત્ય અને કાશ્મીરીઓનાં બિનસાંપ્રદાયિક મૂલ્યો કેન્દ્રસ્થાને છે. કાશ્મીરીઓને કાશ્મીરીયતનો બહુ ગર્વ છે તેથી વાજપેયીએ તેનો ઉપયોગ કરેલો. વાજપેયીની મુત્સદીગીરીનું પણ આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

વાજપેયીજી કેવા વિઝનરી હતા તેનાં ઘણાં ઉદાહરણ તેમણે વડા પ્રધાન બન્યા પછી પૂરાં પાડેલાં. બધી વાત ન માંડી શકાય પણ નદીઓને જોડવાની તેમની યોજના અને ફ્રેઈટ કોરિડોર યોજના તેનાં શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતના અર્થતંત્રમાં ખેતી અને ઉદ્યોગો બંને મહત્ત્વનાં છે ત્યારે બંનેનું સંતુલન સાધીને વિકાસની જે ફોર્મ્યુલા વાજપેયીએ આપેલી તેનો દિલથી અમલ કરાય તો પણ દેશ સમૃદ્ધ બની જાય. વાજપેયીજીને રાજકારણી નહીં પણ રાજપુરૂષ ગણવામાં આવતા હતા કેમ કે આ સાચા અર્થમાં રાજકારણથી પર રહીને વર્તતા હતા. ભાજપના નેતાઓએ ઠાલી ઠાલી શ્રદ્ધાંજલિ આપવાના બદલે વાજપેયીના આ વારસાને આગળ ધપાવવો જોઈએ, આ વાત શીખવી જોઈએ. પોતાના વિરોધીને હલકો ચિતર્યા વિના રાજકારણ ચલાવવું જોઈએ ને વાજપેયીને એ જ સાચી શ્રદ્ધાંજલિ હશે.