અસલ આયુર્વેદિક ઉકાળાની બોલબાલા વચ્ચે પ્રવેશ પરીક્ષાઓના હૈયા ઉકળાટ

આપણે ત્યાં જ્યારથી કોરોનાએ પગદંડો જમાવ્યો છે ત્યારથી દેશી ઉપચારો પણ અજમાયશી ધોરણે બહાર આવવા લાગ્યા છે અને દેશના કરોડો લોકો એને અનુસરી રહ્યા છે. ભારતને તેના વિવિધ પ્રાચીન વારસા માટે ગૌરવ છે. તેમાં એક આયુર્વેદ પણ છે. આ સારવાર શાસ્ત્ર હિન્દુ સંસ્કૃતિના પ્રારંભથી પ્રચલિત છે. પરંતુ સમય સાથે સાથે તે ચાલી નથી શક્યું…! રોગ નિવારણ માટે આયુર્વેદ અને હોમિયોપેથી આપણને વારસામાં મળ્યા છે. વિજ્ઞાનના વિકાસ સાથે એલોપથી પ્રચલિત બન્યું. આજે આ એલોપથીને જ રામબાણ ઈલાજ ગણવામાં આવે છે. નવા નવા ઉદભાવતા રોગો માટે આ બંને પથિમાં ઇલાજની કોઈ વ્યવસ્થા નથી. વર્તમાનની વાત કરીએ તો કોરોના માટે આયુર્વેદ કે હોમીયોપેથી નાઇલાજ છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે ઉકાળા કે કડવાણીનું સૂચન કરે છે, પરંતુ જયાં એલોપથીનો પન્નો ટૂંકો પડે છે. ત્યાં આ ચિકિત્સા શાસ્ત્ર તો લાચાર અવસ્થામાં છે.

આપણાં આ બન્ને શાસ્ત્રમાં સંશોધનોનો  મોટો અભાવ છે. 20 મી અને 21મી સદીમાં જે નવા અને મોટા રોગો આવ્યા તેની સામે તબીબી વિજ્ઞાને કમરકસી લડી લીધું. 20મી અને 21 મી સદીમાં જીવલેણ રોગ રૂપ બદલી બદલી ત્રાટકતા આવ્યા છે. 19 મી સદીમાં કાળા તાવને નામે પ્રચલિત રોગમાં લાખો લોકો ભરખાય ગયા. દોરા-ધાગાની માન્યતાએ રોગો વિકરાળ બનતા હતા. ધીરે ધીરે એલોપથીએ ડ્રાઇવિંગ સીટ સાંભળી અને રોગ ઉપર નિયંત્રણ કરવા માંડ્યું…! એચ-1-એન-1 નામના જીવલેણ રોગ સામે લડવા અને તેને કાબુમાં લેવા 15 માસના  સંશોધનો પછી દવા, ઈલાજ શોધ્યા! ત્યારબાદ વધુ એક જીવલેણ વાઇરસ સાર્સના નામે ફેલાયો, તેનો ઈલાજ 20 માસમાં શોધી કાઢ્યો! ઇબોલા પણ દુનિયા ધ્રુજાવી ગયો, વૈજ્ઞાનિકોએ તેને પણ 6 વર્ષ સુધી સહન કરી કાબુમાં કરી લીધો.

સૌથી માથાભારે વાઇરસ પોલિયોનો નીકળ્યો, પોલિયોની વેક્સિન બનાવતા વિજ્ઞાનિકોને  15 વર્ષના સમય લાગ્યો! પોલિયોમાં કરોડો લોકો અપંગ બની ગયા અને ચાલવાની શક્તિ ગુમવી બેઠા. એક સમયે એઇડ્સ પણ બેફામ હતો, પરંતુ કાળક્રમે તે હવે જીવલેણ રહ્યો નથી. જોકે રક્તચાપ, સુગર, કોલેસ્ટ્રોલ, કેન્સર જેવા રોગો સામે આધુનિક વિજ્ઞાન લડી રહ્યું છે. નાબૂદ નથી કરી શક્યું! પોલિયોના ટીપાં 33 વર્ષથી બાળકોને આપવામાં આવી રહ્યા છે, વિશ્વ આરોગ્ય સંગઠને બે દિવસ પહેલા જાહેર કર્યું કે, વિશ્વમાં હવે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ પરના ગામોમાં માત્ર 87 પોલિઓના કેશ જણાયા છે. બિલ ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા આ વિસ્તારમાં તેની ટીમો દવા સાથે મોકલી આપવામાં આવી છે.

હવે વાત કરીયે વર્તમાનના ભયંકર રોગ કોરોનાની. વિજ્ઞાને તેને પણ ભરી પીવા માટે કમરકસી છે. દુનિયામાં 111 લેબોરેટરીમાં 150 જેટલા પ્રોજેકટ ચાલી રહ્યા છે, તેમાથી 17 વેક્સિન હ્યૂમન ક્લિનિકલ ટ્રાયલમાં પહોંચી ગઈ છે. ભારતની ત્રણ વેક્સિન પણ આ હરીફાઈમાં છે. રશિયાએ તો તેની વેક્સિન જાહેર પણ કરી દીધી છે. અમેરિકા અને ચીન સપ્ટેમ્બરમાં ફાઇનલ હ્યૂમન ટ્રાયલ પૂરી કરી દેશે! પ્રાથમિક અંદાજો અનુસાર ડિસેમ્બર કે જાન્યુઆરીમાં વેક્સિન બજારમાં મળતી થઈ જાશે!

હવે વાત કરીએ આપણા આયુર્વેદની ! કોરોનાને મટાડવા માટેની દવા કે રસી બનાવવાની દોડમાં આ શાસ્ત્ર ક્યાંય પિક્ચરમાં હોય તેવા સમાચાર નથી. કોરોનાથી દૂર રહેવા ઉકાળા અને કડવાણી બજારમાં ધૂમ વેચાય છે. આજે તો એલોપથીના તબીબો પણ આ આયુર્વેદિક ઉકાળા પીવા માંડ્યા છે, પરંતુ તે રામબાણ ઈલાજ હોવાની કોઈ સાબિતી નથી…! રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે, બુંદ દાણા, તુલસી, પિતપપડો, કડાછલ, નાગરમોથ, જેઠી મધ, મામેજવો જેવી ઔષધિ વપરાય છે. જામનગર તો આયુર્વેદની રાજધાની છે, ત્યારે જરૂર વિચાર આવે કે, આયુર્વેદ ક્યારે રામબાણ ઈલાજ બનશે…? આયુર્વેદ પાસે દેેસી હળદર, મેથી, લવિંગ છે, જૂનાગઢનો ગિરનાર પર્વત, દેશનો હિમાલય પણ ઔષધિઓથી ભરપૂર છે. પરંતુ આજે એલોપથી સામે આયુર્વેદ અને હોમીયોપેથી ઘણા પાછળ છે. ચામડીના દર્દો માટે આ જૂના શસ્ત્રો પાસે જે અકસીર ઈલાજ છે, તે ઍલોપથી પાસે પણ નથી! પરંતુ નવા અને ગંભીર રોગો સામે તે વામણું પુરવાર થાય છે.

આયુર્વેદને નવા રોગો સામે લડવા માટે કમર કસવાની આવશ્યકતા છે. નવા નવા સંશોધનો કરવાની પણ આવશ્યકતા છે. જામનગરમાં તો આખી યુનિવર્સિટી છે. આપડા અમરવલ્લીમાં પણ વૈદ્યરાજો ઓછા નથી. વિશ્વ આખું જ્યારે મહામારી સામે લડતું હોય ત્યારે સવાલ એ થાય કે આયુર્વેદ ક્યાં છે ? હવેના રોગોમાં તો રામબાણ ઈલાજ જ કામ કરશે. મોટા ઉદ્યોગગૃહોએ આર્થિક સહાય માટે આગળ આવવાની જરૂર છે. સંશોધનો માટે ઉચ્ચ વેજ્ઞાનિકો, આધુનિક લેબોરેટરીઓ, વૈશ્વિક દૃષ્ટિ અને ધનની આવશ્યકતા પડે છે. જાગ્યા ત્યારથી સવાર સમજી આયુર્વેદને ફરી રામબાણ ઈલાજ બનાવીએ.

બીજી બાજુ આ આયુર્વેદિક અસલ ઉકાળાની વચ્ચે વિદ્યાર્થીઓની વિવિધ પ્રવેશ યોગ્યતા માટેની પરીક્ષાઓના હૈયા ઉકળાટ પણ ચાલુ છે. દેશની બહુમતી ખાનગી અને સરકારી એન્જીનિયરિંગ કોલેજો અને યુનિવર્સિટીઓનું સંચાલન નેશનલ ઈન્સ્ટિટ્યૂટ્સ ઓફ એન્જિનિયરિંગ એક્ટ હેઠળ થાય છે તેથી આ કોલેજો નેશનલ ઈન્સ્ટિટ્યૂટ્સ ઓફ એન્જિનિયરિંગ કહેવાય છે. તેમાં જેઈઈનો સ્કોર જ ગણતરીમાં લેવાય છે તેથી દેશમાં એન્જિનિયરિંગ અને આર્કિટેક્ટરના અભ્યાસક્રમો માટે જેઈઈ સૌથી મોટી પરીક્ષા છે. સામાન્ય રીતે જેઈઈ (મેઈન) એપ્રિલ મહિનામાં લેવાય છે જ્યારે નીટ મે મહિનામાં યોજાય છે.

આ વખતે કોરોનાના કારણે લોકડાઉન હોવાથી આ બંને પરીક્ષા નહોતી લેવાઈ તેથી દેશભરમાં મેડિકલ અને એન્જિનિયરિંગમાં અંડરગ્રેજ્યુએ લેવલના કોર્સીસમાં એડમિશન થયાં જ નથી. જેઈઈ-મેઈન માટે 8.58 લાખ કરતાં વધારે નીટ માટે 16 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. મોદી સરકારે 26 માર્ચથી લોકડાઉન લાદી દીધું તેમાં પચીસેક લાખ વિદ્યાર્થી અટવાઈ ગયા હતા. એ બધા ઊંચા જીવે આ પરીક્ષા ક્યારે યોજશે તેની રાહ જોઈને બેઠા હતા. એ રીતે ‘નીટ’ અને ‘જેઈઈ-મેઈન’ સાથે વિદ્યાર્થીઓ ને તેમના પરિવારો મળીને એકાદ કરોડ લોકોનો સીધો સંબંધ છે.

હવે વાત આ પરીક્ષા યોજવા સામે જેમને વાંધો છે તેમની કરી લઈએ. એ લોકોને મુખ્ય વાંધો એ છે કે, દેશમાં હજુ કોરોનાનો ખતરો મટ્યો નથી ને કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. હજુય સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની જરૂર છે ત્યારે આ રીતે પરીક્ષા આપવા માટે ટોળાં ભેગાં કરવાથી કોરોનાનો ચેપ લાગવાનો ખતરો છે. એક સેન્ટર પર એકાદ વિદ્યાર્થી, સુપરવાઈઝર કે સ્ટાફના કોઈ માણસને પણ કોરોનાનો ચેપ લાગેલો હશે તો આખા સેન્ટરનાં બધા લોકોને ચેપ લાગી શકે ને આ ખતરો લેવા જેવો નથી. આ સિવાય પરીક્ષા સાથે કેટલાંય કામો જોડાયેલાં હોય ને તેમાંથી પણ ચેપ લાગવાનો ખતરો ખરો જ. એક પરીક્ષા મોડી લેવાય તો તેમાં આભ તૂટી પડવાનું નથી એ જોતાં સરકારે સંખ્યાબંધ વિદ્યાર્થીઓને ખતરામાં મૂકવાની જરૂર નથી. આ સિવાય બીજી પણ દલીલો છે. દેશમાં હજુ ઘણાં રાજ્યોમાં લોકડાઉન લદાયેલું છે. ક્ધટેનમેન્ટ ઝોન તો બધાં રાજ્યોમાં નહીં બલકે દેશના બધા જિલ્લામાં છે. આ ઝોનમાંથી આવતા વિદ્યાર્થી કોરોના લઈને આવે ને બધાંને ચેપ લાગે એવું જોખમ ન લેવું જોઈએ એવો તેમનો મત છે.

આ દલીલ કાઢી નાખવા જેવી નથી જ. સામાન્ય રીતે વિપક્ષો સરકારનો વિરોધ કરવા ખાતર વિરોધ કરતા હોય છે પણ ‘નીટ’ અને ‘જેઈઈ-મેઈન’ના વિરોધમાં એવું નથી. વિપક્ષોની વાતમાં દમ છે જ. કોરોના ચેપી રોગ છે ને કોઈ અજાણતાં અડકી જાય તો પણ તેનો ચેપ લાગી જતો હોય છે એ સંજોગોમાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ને વાલીઓ પરીક્ષા કેન્દ્રો પર ઉમટે તેના કારણે ખતરો તો છે જ. મોદી સરકાર વતી શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલે ખાતરી આપી છે કે, અમે ચેપ ના લાગે ને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેનો પાકો બંદોબસ્ત કર્યો છે. ‘નીટ’ અને ‘જેઈઈ-મેઈન’ બંને માટે પરીક્ષા કેન્દ્રો વધાર્યાં છે કે જેથી પરીક્ષા કેન્દ્રો પર ભીડ ના જામે. પહેલાં એક રૂમમાં 24 વિદ્યાર્થી બેસાડતા હતા તેના બદલે આ વખતે 12 વિદ્યાર્થી જ પરીક્ષા આપશે. પરીક્ષાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ રીતે દૂર દૂર બેસે એવી ગોઠવણ કરી છે, બધાં પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થી પ્રવેશે ને બહાર નીકળે ત્યારે હેન્ડ સેનેટાઈઝર અપાય એવી વ્યવસ્થા ગોઠવી છે, વિદ્યાર્થીઓને માસ્ક ને ગ્લોવ્ઝ પહેરીને આવવાની સૂચના તો આપી જ છે પણ સરકારે પણ કેન્દ્રો પર આ ચીજ રાખી છે કે જેથી જરૂર પડે આપી શકાય. થર્મલ સ્કેનર સહિતની બધી વ્યવસ્થા પણ બરાબર ગોઠવી દીધી છે તેથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.

પોખરીયાલે બીજા બહુ તડાકા માર્યા છે ને એ બધી વાતો માંડી શકાય તેમ નથી. સરકારમાં બેઠેલા લોકો બોલવા બેસે ત્યારે ફુલગુલાબી ચિત્ર ઊભું કરી દેતા હોય છે પણ તેમની વાતો પર કેટલો ભરોસો કરવો એ બધા જાણે છે. પોખરીયાલની વાતો પણ અલગ નથી તેથી સરકારે બધું જડબેસલાક ગોઠવી દીધું છે એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી પણ એ પછી પણ ‘નીટ’ અને ‘જેઈઈ-મેઈન’ મોકૂફ રાખવાની જરૂર નથી. તેનું મુખ્ય કારણ એ કે, કોરોનાથી ભાગતા રહેવું હવે પરવડે તેમ નથી ને આ રીતે ડરી ડરીને જીવ્યા કરીશું તો કશું થઈ જ શકશે નહીં. કોરોનાને રોકવા આપણે બે મહિના સંપૂર્ણ લોકડાઉન લાદ્યું ને છેલ્લા ત્રણ મહિનાથી અડધાપડધા લોકડાઉનમાં જ જીવીએ છીએ. એ છતાં કોરોના નાબૂદ નથી થયો એ જોતાં હવે તેનાથી ભાગવાના બદલે તેનો સામનો કરવાની ને પડશે એવા દેવાશે એ અભિગમની જરૂર છે. કોરોના સામેની લડાઈ હવે સરકારની રહી નથી પણ લોકોની છે ને લોકોને તેનો સામનો કરવા જ દેવો જોઈએ. આ વાત બે પરીક્ષાની નથી પણ બધી જ પ્રવૃત્તિની છે. તમે શું શું બંધ રાખશો?

બીજું એ કે, જે છોકરાં ‘નીટ’ અને ‘જેઈઈ-મેઈન’ની પરીક્ષા આપશે એ કંઈ નાના કીકલા કે કીકલી નથી. એ બધાં 18 વર્ષની આસપાસની ઉંમરનાં છે, દેશના મતદારો છે ને નહીં હશે તો એક વરસમાં ચોક્કસ બની જશે. સ્કૂલ ખોલવાની વાત હોય તો તેનો ચોક્કસ વિરોધ કરાય પણ આ તો માનસિક અને શારીરિક બંને રીતે પુખ્ત છે એ જોતાં એ બધા સાયન્સના વિદ્યાર્થી છે ને તેમને કોરોનાથી કઈ રીતે બચવું તેની ખબર છે. તેમના પર ભરોસો રાખવો જોઈએ ને એક પડકાર ઝીલવાની તેમને પણ તક આપવી જોઈએ. સાવચેતી રાખો તો કોરોનાથી બચી જ શકાય છે એ વાતની તેમને ખબર છે એ જોતાં તેમની બહુ ચિંતા કરવા જેવી નથી.