આઇપીએલના ફ્રેન્ચાઈઝો સાથે મારી વાતચીત ચાલી રહી છે: શ્રીસંત

ભારતના પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંતને ૧૦ જાન્યુઆરીથી શરૂ થતી સૈયદ મુશ્તાક અલી ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કેરળની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મેચ ફિક્સિગંના આરોપમાં સાત વર્ષના પ્રતિબંધ બાદ શ્રીસંતની આ પ્રથમ ટૂર્નામેન્ટ હશે. ભારતીય ક્રિકેટ બોર્ડએ આઇપીએલમાં સ્પોટ ફિક્સિગંમાં ભાગીદારીને કારણે શ્રીસંત પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે, આઇપીએલ ૨૦૨૧માં શ્રીસંત રમતો જોવા મળી શકે છે. આ વાત તેણે ખુદ જણાવી છે. શ્રીસંતે કહૃાુ કે કેટલીક આઇપીએલ ફ્રેન્ચાઇઝીએ મારી સાથે વાત કરી છે, તેમણે મને ફિટ રહેવા અને સિલેક્શન માટે ઉપલબ્ધ રહેવા કહૃાુ છે. શ્રીસંતે અંતિમ વખત આઇપીએલ ૨૦૧૩માં રાજસ્થાન રોયલ્સ માટે મેચ રમી હતી.

૩૭ વર્ષીય ફાસ્ટ બોલર શ્રીસંત સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કેરળ માટે પેસ એટેકની આગેવાની કરશે. આ મહિને શરૂ થતી ઘરેલુ ટી-૨૦ ટૂર્નામેન્ટ પહેલા તાજેતરમાં જ વોર્મ અપ મેચમાં તેને ભાગ લીધો હતો. તે પહેલાની જેમ આક્રમક જોવા મળી રહૃાો છે.

શ્રીસંતે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બેન થયા પહેલા ૨૭ ટેસ્ટમાં ૮૭ વિકેટ ઝડપી છે. તે ૨૦૧૧ વર્લ્ડકપ વિજેતા ટીમનો સભ્ય રહૃાો છે. શ્રીસંતે ૫૩ વન ડે મેચમાં ૭૫ વિકેટ ઝડપી છે. તે ૨૦૦૭માં ટી-૨૦ વર્લ્ડકપ જીતનારી ટીમનો ભાગ પણ હતો.