આઇપીએલમાં સીએસકેને ઝટકો: હેઝલવૂડે નામ પરત ખેંચ્યુ

આઈપીએલ ૨૦૨૧ની શરૂઆત પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવુડે ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછુ ખેંચી લીધું છે. હેઝલવુડે આ નિર્ણય ટી-૨૦ વર્લ્ડ કપ અને આ વર્ષે એશિઝને ધ્યાનમાં રાખીને લીધો છે. આ ઉપરાંત તે બાયો બબલ (સલામત વાતાવરણ)થી દૂર રહીને તેના પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે.

૩૦ વર્ષીય હેઝલવુડે કહૃાું, બાયો બબલ અને જુદા જુદા સમયે ક્વારન્ટાઈનમાં રહેતા ૧૦ મહિના પસાર થઈ ગયા છે. એવામાં થોડા સમય માટે ક્રિકેટથી દૂર રહીને પરિવાર સાથે સમય પસાર કરવા માંગુ છું. આગળ અમારે શિયાળામાં ઘણી ક્રિકેટ રમવાની છે.

તેમણે કહૃાું, અમારે વેસ્ટ ઈન્ડિઝનો લાંબો પ્રવાસ કરવાનો છે. તે પછી બાંગ્લાદેશ પ્રવાસ, ટી૨૦ વર્લ્ડ કપ અને ત્યારબાદ એશિઝ. તેથી આગામી ૧૨ મહિના ખૂબ જ વ્યસ્ત રહેવાના છે. આવી સ્થિતિમાં હું મારી જાતને માનસિક અને શારીરિક રીતે ફીટ રહેવાની સંપૂર્ણ તકો આપવા માંગુ છું. તેથી મેં આઇપીએલ ૨૦૨૧થી અલગ થવાનું નક્કી કર્યું છે.

હેઝલવુડ આ સિઝનમાં આઈપીએલમાંથી બહાર થનાર ત્રીજો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે. જોશ ફિલિપ અને મિશેલ માર્શ પણ આ સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છે. ચેન્નઈની ટીમ ટૂર્નામેન્ટમાં કોઈપણ સમયે હેઝલવુડનો વિકલ્પ શોધી શકે છે. સેમ કરેન અને ડ્વેન બ્રાવો પર અતિરિક્ત દબાણ રહેશે. કારણ કે લુંગી નગિદી દિલ્હી કેપિટલ્સ સામે પહેલી મેચ રમી શકશે નહીં. ગઈ સીઝનમાં હેઝલવુડનો ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ચેન્નઈ તરફથી હેઝલવુડે ત્રણ મેચ રમી, જેમાં તે એક વિકેટ ઝડપી શક્યો હતો.