આઈપીએલની બહાર થયા બાદ ડીવિલિયર્સે આરસીબી ફેન્સની માંગી માફી

ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સિઝન આઈપીએલ ૨૦૨૦ની એલિમિનિટેર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મળેલી હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની આઈપીએલ ૨૦૨૦માં સફર સમાપ્ત થઈ ગઈ હતી. પહેલીવાર આઈપીએલનો ખિતાબ પોતાના નામે કરવાના કોહલીનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું. છેલ્લી મેચોમાં ટીમના નબળા પ્રદર્શન બાદ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન એબી ડી વિલિયર્સે આરસીબી ફેન્સ પાસે માફી માંગી છે. અને આવતાં વર્ષે વધારે સારું પ્રદર્શન કરવાની આશા વ્યક્ત કરી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરેલાં વીડિયોમાં એબી ડી વિલિયર્સે કહૃાું, આ રીતે અમારું સમર્થન કરવા બદલ અમારા તમામ RCB ના ફેન્સનો આભાર. આ ટૂર્નામેન્ટમાં આપ સૌની શુભેચ્છાઓ અમારી સાથે રહી. તમારા સમર્થનને કારણે અમે મેદાન પર પ્રદર્શન કરી શક્યા, પરંતુ તે પૂરતું ન હતું. આશા છે કે આપણે આવતા વર્ષે સારૂ કરીશું. હું દિલગીર છું કે પરિણામ અમારા પક્ષમાં આવ્યું ન હતું. અમે અમારું સર્વશ્રેષ્ઠ આપ્યું અને ખૂબ મસ્તી કરી.
ટુર્નામેન્ટમાં અમારા માટે ઘણી વસ્તુઓ સકારાત્મક રહી, જેને અમે આગળ લઈને જવા માગીએ છીએ. અમને ટેકો આપવા બદલ અને હંમેશાં આપણી પાછળ ઉભા રહેવા બદલ આભાર.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે આ સિઝનમાં શાનદાર રીતે ટુર્નામેન્ટની શરૂઆત કરી અને પ્રથમ ૧૦ મેચોમાંથી ૭માં જીત મેળવી, પરંતુ તે પછી ટીમને લીગ સ્ટેજની અંતિમ ચાર મેચોમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો. નસીબના જોરે બેંગ્લોર પ્લેઓફમાં કો પહોંચી પરંતુ એલિમિનેટર મેચમાં ટીમનું પ્રદર્શન પણ ખૂબ નબળું હતું.