આઈપીઓની વણઝારે ભાંગતી બજારને ઝાલી રાખીને રોકાણકારોને તારી દીધા છે

ભારતીય શેરબજાર નવી ઊંચાઈએ છે એટલે રિએક્શનના કડાકા પણ બોલશે. શેર બજારનું ધ્યાન અત્યારે વેક્સિન પર છે. વેક્સિન જ લોકોની જેમ શેર બજારનું પણ જાણે કે આગામી પ્રાણતત્ત્વ છે. વેક્સિનેશનની ટકાવારી જેટલી ઊંચી એટલી બજારને હૈયાધારણ. ભારતમાં હાલ પ્રવર્તી રહેલા મંદીના પ્રવાહોનું મુખ્ય કારણ એ છે કે દેશના વાણિજ્ય જગત પર કેન્દ્ર સરકારનું કોઈ મોનિટરિંગ રહ્યું નથી. મોનિટરિંગનો અર્થ એ છે કે પ્રવાહો પલટાય ત્યારે એને તેજી તરફ પુન:સ્થાપિત કરવા માટે સરકારે તાત્કાલિક પગલા લેવાના હોય છે. દુનિયાના તમામ દેશોમાં મોનિટરિંગ પદ્ધતિ છે. આપણે ત્યાં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો પોતપોતાના ક્ષેત્રમાં માત્ર નિરીક્ષકની ભૂમિકા જ નિભાવે છે. તેઓ સક્રિયતાથી મોનિટરિંગ કરતા નથી. પરિણામે દેશના વ્યવસાય, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં પ્રવેશેલા મંદીના પુરપાટ પ્રવાહો સતત આગળ વધી રહ્યા છે.
ચાલુ વરસ 2021 ના અંત સુધી તો બજારમાં કોઈએ વાજીકરણના મંત્રો ફૂંક્યા છે. આ કોઈ એટલે કેન્દ્ર સરકાર. જ્યાં સુધી એલઆઈસી સહિતના સરકારના સ્વાર્થ સિદ્ધ નહિ થાય ત્યાં સુધી બજાર ટકી રહેશે અને ઊંચા કૂદકા પણ લગાવશે. જિમ રોજર્સ નામના જગખ્યાત ઇન્વેસ્ટમેન્ટ ગુરુએ ભલે હમણાં એવી આગાહી કરી કે ઈ. સ. 2008 કરતાં પણ ભીષણ મંદી આવશે, પરંતુ ભારતની વિરાટ જનસંખ્યા અને એનું જીવનચક્ર જોતાં એવી મંદી આવે નહિ. દરેક વિદેશી વિદ્વાનો કંઈ બ્રહ્મસૂત્રના ઉચ્ચારક નથી હોતા. વળી તેમાંના કેટલાક તો ભારતને દૂરથી જોઈને જ તરંગો લડાવતા હોય છે. ભારત વિશે ઘસાતું બોલનારાની એક ગ્લોબલ લોબી છે.
બજારમાં મૂડી સતત ઘટી રહી છે. એટલે કે નવા રોકાણકારો કે બેન્કો દ્વારા ઔદ્યોગિક સાહસોમાં ઠલવાતી મૂડીના પ્રમાણ ઘટી રહ્યા છે. ઘણાં લાંબા સમયથી વિદેશી રોકાણકારોએ તો પીછેહઠ કરી જ લીધી છે અને હજુ પણ તેઓ શેરબજારમાંથી કટલોસના સિદ્ધાંત પ્રમાણે અને અન્ય ક્ષેત્રોમાંથી તબક્કાવાર થોડો નફો જતો કરીને પણ ઝડપી પીછેહઠ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર પાસે તેઓને રોકવા માટેની કોઈ યોજના નથી. નાણાંપ્રધાન નિર્મલા સીતારામને જ્યારે પણ મોકો મળ્યો ત્યારે વિદેશી રોકાણકારોને ભારતમાં આવવા માટેના જ નિવેદનો કરેલા છે.
સાતેક વર્ષ પહેલા કોઈ ટેકનિકલ ગ્રેજ્યુએટ યુવાનને રૂપિયા દસ હજારની નોકરીની ઓફર કરવી તે તેનું અપમાન ગણાતું હતું અને આજે તેને એવી ઓફર કરવી તે તેનું અને તેના આખા પરિવારનું સન્માન ગણાય છે. આ બે બિંદુઓ વચ્ચે એટલી બધી ઘટનાઓએ આકાર લીધો છે કે નવી પેઢીના અસ્તિત્વ માટે જોખમ વધતું જાય છે. બેન્કો પણ કોઈ પણ મરણોન્મુખી ઉદ્યોગને દફન કરવા તરફ જ પ્રોત્સાહન આપનારી છે. પડતાને બેઠા કરવાનો નિયમ, જે એક રીતે ભારતીય બજારના પહેલેથી ચાલ્યા આવતા વાણિજ્ય સંસ્કારો હતા, તેનો પણ હવે મૃત્યુઘંટ વાગી ગયો છે. પરંતુ મિસ્ટર મોદી અને તેમના મંત્રાલયો અથાક પરિશ્રમ કરીને દેશને પાટે ચડાવી રહ્યા છે. જેને કારણે વીસ હજાર કરોડનું વિદેશી રોકાણ ભારતમાં આવ્યું છે.
આર્થિક વમળમાં અત્યારે દેશની અનેક કંપનીઓના માલિકો ફસાયેલા છે. નવા ઓર્ડર મળે છે પણ જૂનાનું પેમેન્ટ બાકી છે. એ ક્રમશ: આવે છે. આવી હપ્તાવાર આવક ઉદ્યોગોની કમર તોડે છે. કારણ કે જે ગેપ પડે છે તેની પરિપૂર્તિ મુશ્કેલ છે. નાના ઉદ્યોગો તરફ સરકાર હવે પહેલા જેવી ઉદાસીન નથી. લઘુઉદ્યોગોમાં લોનપાત્રતા વિકસાવવા સરકારે નિયમો બદલ્યા છે. એટલે બેન્કો પણ હવે ઝૂકી છે. છતાં ઉદ્યોગોનો એક મોટો સમુદાય હજુ આર્થિક અને ઉત્પાદનલક્ષી ચક્રવ્યૂહમાં ફસાયેલો છે. તેમને એમાંથી બહાર લાવવા માટે એનડીએ સરકારે પોતાના ટેબલ પર આ ઉદ્યોગપતિઓને કાયદાઓના ગજગ્રાહમાં ફસાવનારી જે (અ)નીતિઓ ઘડી છે તે (અ)નીતિઓને તાત્કાલિક સુધારવાની જરૂર છે.
ભારતમાં કંપનીઓમાં રોકાણ કરવાની પ્રવૃત્તિ ઈ.સ. 1960થી વધતી આવી છે જે ઈ.સ. 2008માં દેશના કુલ વિકાસદરના 38 ટકા જેટલી હતી. છેલ્લા 11 વર્ષમાં અત્યારે તે ટકાવારી ઘટતા ઘટતા પાંચ ટકા જેટલી રહી છે. છેલ્લા કેટલાક વરસોમાં વિદેશી રોકાણોનું ઘોર પતન થયું છે. એમાં કોરોનાકાળ પણ જવાબદાર છે. આ એક પ્રકારનો રોકાણનો દુષ્કાળ છે. જેને સમજવામાં ભારત સરકારને સમય લાગી રહ્યો છે. ઘટતા જતા વિદેશી રોકાણો એક કોરોના જેવું જ અલગ ડિઝાસ્ટર છે. રેટિંગ એજન્સીઓએ બેન્કો અને નાણાંકીય સંસ્થાઓની શાખમાં ઘણો કાપ મૂકેલો છે. પોતાના દેવા ચૂકવવામાં વિવિધ કંપનીઓ હવે ગોથા ખાવા લાગી છે.
દેશમાં વ્યાપાર અને વાણિજ્ય જગતમાં બચતો અને બચત સંબંધિત અન્ય પ્રોવિઝન ઘટી રહ્યા છે. ભારતીય પ્રજામાં ઘરેલુ બચત પણ છેલ્લા 25 વર્ષની સૌથી નિમ્ન સપાટીએ પહોંચી ગઈ છે. સંખ્યાબંધ પરિવારો એવા છે જેની બચતોનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું છે. નવી બચતો ઉભી કરવાની સંભાવના આ મોંઘવારીમાં ઘટતી જાય છે. બચતનું આજનું સ્તર 1990 પહેલાના સ્તર જેટલું છે કે જે અરસામાં દેશમાં આર્થિક સુધારણાઓની હજુ શરૂઆત થઈ ન હતી. જમીન, મકાન અને સંપત્તિઓના સર્જનમાં પણ પ્રજા હવે વિમુખ અથવા શિથિલ થઈ ગઈ છે અને ઘટતા ભાવોની પ્રતિક્ષામાં છે. જે આવનારી મંદીના વધારાના સૂચિતાર્થો છે. ઈ.સ. 2015 થી 2020 વચ્ચે ભારતીય નાગરિકોની આવકમાં ઝડપી પતન દેખાયું છે. દરેક નાગરિકની વ્યક્તિગત આવક, ગ્રામીણ મજુરીના દર, શહેરી કામદારો, કારખાનાઓના પગારદારો, સામાન્ય નોકરિયાતો, ટેકનિશ્યનો અને છૂટક કામકાજ કરનારા તમામની આવકમાં ઉક્ત પાંચ વર્ષ દરમિયાન નોંધપાત્ર ઘટાડો અર્થશાસ્ત્રીઓએ નિહાળ્યો છે.
ભારતના રાજનેતાઓ પોતાના નાણાં વિદેશમાં ટ્રાન્સફર કરીને પછી ત્યાં બનાવેલી કંપનીના નામે ભારતમાં જ રોકાણ કરતા હતા એ પ્રવાહ પણ ધીમો પડ્યો છે. બીજી બાજુ બિનસરકારી નાણાંકીય સંસ્થાઓને સરકાર હજુ સાંભળતી નથી. બેન્કોને સમાંતર અનેક પ્રકારની આવી સંસ્થાઓ દેશના સામાન્ય નાગરિકો માટેનું એક મહત્ત્વનું ચાલકબળ છે. એને સપ્રાણ રાખવી અને ટકાવવી જરૂરી છે. આ વિરાટ દેશનો ભાર આમ પણ સરકાર એકલી ઉપાડી શકે એમ નથી.