મુંબઈની તાસીર, મુંબઈની સંસ્કૃતિ, મુંબઈની સ્ટાઈલ, મુંબઈનો એટિટ્યૂડ અને મુંબઈની વાઈબ્રન્ટ હવાના પાયામાં બમ્બૈયા વરસાદની પ્રમુખ ભૂમિકા છે. મુંબઈ ઉપર વરસાદ મન મૂકીને વરસે છે અને તે ધમાકેદાર વરસાદ મુંબઈના અસ્તિત્વનું જ નહિ પરંતુ મુંબઈની ધાંય ધાંય સફળતાનું મુખ્ય કારણ છે. દુનિયાના નકશામાં નદી વિનાના શહેરો ઓછા મળે છે. તે સૂચિમાં મુંબઈ અગ્રસ્થાને છે. દરિયાકાંઠાના આ બંદરે જે ઊંચાઈ હાંસિલ કરી છે તે કાબિલેદાદ છે. વરુણદેવ દર વર્ષે મુંબઈને તેની અનન્ય સિદ્ધિઓ માટે શાબાશી આપવા જાણે મન મૂકીને વરસે છે. ક્યારેય સૂઈ ન શકતા એવા ‘વણથંભ્યા શહેરને સહેજ પોરો ખવડાવવાનું’ કામ ફક્ત વરસાદ કરી શકે. જાયન્ટ શહેરને પલાળવાનું કામ અને તેને દિવસો સુધી નીતરતા રાખવાનું અશક્ય લાગતું કામ કુદરતની કરામત જ કરી શકે, માનવજાતનું એ કામ નથી.
મુંબઈની લાઈફલાઈન તેની લોકલ ટ્રેન કહેવાય છે પરંતુ મુંબઈમાં પ્રાણ પૂરવાનું કામ જૂન મહિનામાં થાય છે અને તે વરસાદ કરે છે. કમનીય વળાંક ધરાવતા મરીન ડ્રાઈવના કાંઠે દરિયાનો ઉછાળ રોકવા માટે રાખવામાં આવેલા બધા ટેટ્રાપોડસ સ્ટોનને ઓળંગીને રસ્તા સુધી પહોંચવાની દરિયાની કવાયત આ મોસમમાં થાય છે. દર વર્ષના ચોમાસામાં મુંબઈના દરિયાના મોજા રસ્તા ઉપર પહોંચે તેના વીડિયો વાઈરલ થતા હોય છે. કારણ કે ચોમાસા દરમિયાન ‘હાઈ ટાઇડ’ના દિવસો દરમિયાન પાણીની ભરતીનું લેવલ ઊંચું હોય છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન એવા દિવસો પંદરેક જેટલા હોય છે. આ વર્ષે અનુમાન છે કે ભરતીના બાવીસ જેટલા દિવસો રહેશે જેમાં મુંબઈના દરિયાની સપાટી ઊંચી હશે.
મોજાં રસ્તા ઉપર પહોચીને વાહનચાલકોને નવડાવશે તેની પૂરી શક્યતા. સોળ જુને પોણા પાંચ મીટર ઉંચી ભરતી આવી શકે. સાડા ચાર મીટર કરતા વધુ ઊંચી ભરતી ભયજનક ગણી શકાય. તેર જૂનથી અઢાર જૂન અને તેર જુલાઈથી અઢાર જુલાઈ હાઈ ટાઇડના દિવસો છે. જો તે દિવસો દરમિયાન ધમધોકાર વરસાદ પડતો હશે તો સાવચેતી રાખવી પડશે તે સ્વાભાવિક છે.
બૃહ્નમુંબઈ મહાનગરપાલિકાની હમણાં મીટિંગ થઇ હતી. જેમાં ઉચ્ચ અધિકારીઓએ મીટિંગ કરીને દર વર્ષે થતા પ્રી-મોન્સુન પ્લાન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની પૂર્વ તૈયારીઓનું આકલન કરવામાં આવ્યું હતું. નીચાણવાળા જોખમી વિસ્તારમાં કોઈ દુર્ઘટના ન બને તેની આ વર્ષે પણ તકેદારી રાખવામાં આવશે તેવું ચોવીસ સિવિક વોર્ડના કમિશનરો અને ડેપ્યુટી કમિશનરોએ જણાવ્યું. જૂના અને નબળા પડી ગયેલા વૃક્ષોની આકારણી કરવી પડે.
સાથે સાથે જર્જરિત મકાનો અને બાંધકામ પણ મુંબઈમાં મોટી સંખ્યામાં છે. વધુમાં લેન્ડસ્લાઈડના અનુભવો મુંબઈની આજુબાજુના વિસ્તારોમાં પણ થતા હોય છે. જરૂર પડે ત્યાં પ્રોટેક્શન વોલ ઊભી કરી દેવી કે ઝાડની કાપકૂપી કરી નાખવી તેવા નિર્ણયો દર વર્ષની જેમ આ વર્ષે પણ લેવાયા તો છે. આ વર્ષે મુંબઈ સબર્બના ગાર્ડિયન મિનિસ્ટર આદિત્ય ઠાકરે પણ હરકતમાં છે. બીએમસી કમિશનર ઇકબાલસિંઘ ચહલ સાથે આદિત્ય ભાઈ મીટિંગો કરી રહ્યા છે. ખાસ કરીને મેટ્રોનું અને ઓવરબ્રિજનું જે કામ ચાલુ છે તેનો વરસાદ પહેલા ખાસ ખ્યાલ રાખવો પડે એમ છે. ડિઝાસ્ટર ફોર્સ અને મહાનગરપાલિકા વચ્ચે પણ યોગ્ય સંપર્કસેતુ હોવો જરૂરી છે. પીડબલ્યુડીને ચોમાસાની કામગીરી માટે વધુ ફંડ આપવામાં આવ્યું છે એવું આદિત્યનું કહેવું છે.
પ્રી-મોન્સૂન કામગીરી થઇ રહી છે તેનો પ્રચાર પ્રસાર પણ થઇ રહ્યો છે. તેના માટે આદિત્ય ઠાકરેનું ટ્વિટર અકાઉન્ટ જોઈ લેવું. તે જુદા જુદા વિસ્તારોમાં જઈને સૂચનાઓ આપતા હોય તેવી તસ્વીરો મૂકવામાં આવી છે. વિપક્ષ પાસેથી માર્કેટિંગ કરવાનું શિવસેના જાણે શીખી રહી છે. જે વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા છે ત્યાં વિરોધપક્ષ ભાજપ રાઉન્ડ મારી રહ્યું છે. વરસાદ મકાઈ-ભુટ્ટા કે લોંગ ડ્રાઈવ માટે જ નહિ, રાજકારણ રમવા માટે પણ સારી ઋતુ છે તે આ બધી હલચલ ઉપરથી સાબિત થાય છે.
બીએમસી આ વખતે એપ્લિકેશન લોન્ચ કરી રહી છે. એ એપ્લિકેશન મુંબઈવાસીઓને વરસતા વરસાદમાં મુંબઈની તાજી સ્થિતિ કહેશે. જો કે આ પ્રકારની માહિતી કોઈને કોઈ માધ્યમ દ્વારા વર્ષોથી મુંબઈવાસીઓને પહોંચાડવામાં આવે જ છે. આવી એપ્લિકેશન પણ કઈ સર્વપ્રથમ નહિ હોય. બીએમસી આ એપ્લિકેશન આ મહિનાના અંતમાં લોન્ચ કરશે. જેમાં દરિયાની ભરતી, પાણી ભરાઈ ગયા હોય તેવા વિસ્તારો અને રસ્તાઓ, વાવાઝોડું આવવાનું હોય તો તે, વરસાદની આગાહીઓ બધું અપડેટ કરશે. જે લોકો રોડથી પ્રવાસ કરવાના પ્લાનિંગમાં હોય તેને આ એપ્લિકેશન મદદરૂપ થઇ શકે તેવું મહાનગરપાલિકાનું માનવું છે.
દર વર્ષ કરતા આ વર્ષે મુંબઈમાં વરસાદ વધુ પડે તો નવાઈ નહિ. દર વર્ષ કરતા આ વર્ષે મુંબઈમાં વરસાદનું આગમન વહેલું થશે તે બનવાજોગ છે. સામાન્યત: એવું કહી શકાય કે જૂન મહિનાની શરૂઆત સાથે મુંબઈમાં વરસાદ પડે. આ વર્ષે આ અઠવાડિયાના અંતમાં જ વરસાદની થોડી હેલીઓ પડે એવું બને. ગયા વર્ષે ત્રીજી જૂનથી વિધિવત ચોમાસું ચાલુ થયું હતું. આ વર્ષે ત્રીજી જૂન સુધી તો રાહ જોવી નહિ પડે. કારણ કે આંદામાન નિકોબાર જ નહિ, ભારતના ભૂમિખંડના ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ થઇ ગયો છે. અરબી સમુદ્રને મુંબઈ ઉપર આમ પણ વિશેષ પ્રેમ છે. આ વખતે વરૂણદેવ બહુ રાહ નહિ જોવડાવે એવું લાગે છે.
લંડન અને મુંબઈ- આ બંને મહાનગરો તેના વરસાદ માટે જાણીતા છે. લંડનમાં તો મોટા ભાગના દિવસો દરમિયાન છત્રી સાથે રાખવી પડતી હોય છે. મુંબઈમાં વરસાદ જ એટલો પડી જાય કે છત્રી પાંચેક મિનિટ કરતા વધુ રક્ષણ કરી શકે નહિ. મુંબઈનો દરેક પ્રકારનો ઇન્ડેક્ષ વરસાદ ઉપર આધાર રાખતો હોય છે. મુંબઈનું વર્ષ પણ ચોમાસા પહેલા અને ચોમાસા પશ્ર્ચાત એમ બે ભાગમાં વિભાજિત થયેલું છે. વધુમાં છેલ્લા થોડા દિવસોથી શૅરબજાર જે ફટકા ઉપર ફટકા આપી રહ્યું છે તે વરસાદ પછી બહુ સરસ સ્પીડમાં રિકવર થશે એક એવી ધારણા પણ ખરી. મુંબઈના આકાશ ઉપર ચોમાસાના વાદળાઓએ મંડરાવવાનું શરૂ કરી દીધું છે. આર્થિક પાટનગર ઉપર વરસતો વરસાદ દેશને મોંઘવારીમાં થોડી રાહત આપે એવી એક પાતળી આશા પણ ખરી.