આખરે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા માટેના આકરા નિયમો ઘડીને ફટકાર્યા

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અંતે ડિજિટલ ક્ન્ટેન્ટ પર નિયંત્રણ માટેના નવા નિયમો જાહેર કરી દીધા. મોદી સરકારે બનાવેલા નવા નિયમોમાં આમ તો બહુ સામાન્ય વાતો છે. નવા નિયમો હેઠળ બદનક્ષીકારક, અશ્લિલ બદનામી કરે એવું, ભેદભાવને પ્રોત્સાહન આપે એવું, સગીરો માટે નુકસાનકારક, દેશની એકતા, અખંડિતતા, સંરક્ષણ, સલામતી કે સાર્વ ભૌમત્વ માટે ખતરારૂપ ક્ન્ટેન્ટ એટલે કે સામગ્રી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. સોશિયલ મીડિયા સાઈટ્સ માટે એક આચારસંહિતા નક્કી કરાઈ છે ને તેનું તેમણે કડક રીતે પાલન કરવું પડશે.
આ આચારસંહિતાના ભંગની ફરિયાદો માટે પણ તંત્ર ઊભું કરાશે ને કોઈ પણ ફરિયાદ મળે તેનો 15 દિવસમાં નિકાલ કરાશે. મોટી મોટી ટેક્નોલોજી કંપનીઓએ ફરિયાદોના નિવારણ માટે અધિકારીઓ નિમવા પડશે ને એ અધિકારી ભારતીય હોવા જરૂરી છે. કોઈ પણ ક્ન્ટેન્ટ સામે ફરિયાદ થાય ને ફરિયાદમાં દમ છે એવું કોર્ટ કહે કે નિયમો પ્રમાણેનું ન લાગે તો તેને 36 કલાકમાં દૂર કરવું પડશે. સોશિયલ મીડિયા સાઈટે કોઈ પણ વાંધાજનક ક્ન્ટેન્ટ ક્યાંથી આવ્યું તેનું નામ પણ સરકારને આપવું પડશે ને સરકાર તેની સામે પગલાં ભરશે. આ તો મોટી મોટી વાતો કરી પણ મોદી સરકારે બીજા ઢગલાબંધ નિયમો ડિજિટલ મીડિયા માટે બનાવી દીધા છે. સોશિયલ મીડિયા કંપનીઓ, વેબ સિરીઝ ને ફિલ્મો બતાવતા ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ્સ , ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ વગેરે બધાંને આ નિયંત્રણ લાગુ પડશે ને બધાંએ ફરજિયાતપણે તેનું પાલન કરવું પડશે.
મોદી સરકારે આ નિયમો બનાવીને બહુ મોટું પગલું ભર્યું છે એ કહેવાની જરૂર નથી. આમ તો ડિજિટલ ક્ન્ટેન્ટ માટેના નિયમો બનશે ને નિયંત્રણો આવશે એવી વાતો લાંબા સમયથી ચાલતી જ હતી. સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણીમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ડિજિટલ મીડિયા પર નિયંત્રણોની ખુલ્લી તરફેણ કરીને સુપ્રીમ કોર્ટને આ મામલે ઘટતું કરવા વિનંતી કરી હતી. મોદી સરકારની દલીલ હતી કે ડિજિટલ મીડિયા ઝડપથી લોકો સુધી પહોંચે છે ને વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક વગેરે એપના કારણે તેના પર મુકાતી સામગ્રી વાયરલ થઈ જાય છે. આ વાત ગંભીર કહેવાય ને તેનાં ખતરનાક પરિણામો આવી શકે તેથી કોર્ટે સૌથી પહેલાં ડિજિટલ મીડિયાને નાથવા વિશે વિચારવું જોઈએ.
મોદી સરકારે એવું પણ કહેલું કે ટીવી ચેનલો અને પ્રિન્ટ મીડિયા પર અંકુશ માટેના કાયદા છે, તેમને રોકવા માટેના નિયમો પણ છે પણ ડિજિટલ મીડિયા નિરંકુશ છે તેથી તેના વિશે પહેલા વિચારવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્રની આ દલીલ પછી કોઈ ચોક્કસ નિર્ણય નહોતો લીધો પણ મોદી સરકાર નિયંત્રણ મૂકવા માટે થનગનતી હતી એ નક્કી થઈ ગયેલું. સુપ્રીમ કોર્ટમાં એ પછી કેન્દ્ર સરકારે અવું પણ કહેલું કે ફેસબુક, ટ્વિટર સહિતના જાત જાતના સોશિયલ મીડિયા પર સાવ થર્ડ ક્લાસ કહેવાય એવા કચરાનો ખડકલો થયા જ કરે છે. તેમાં ઘણું બધું મટીરિયલ દેશવિરોધી હોય છે ને લોકોને ભડકાવીને તોફાન કરાવી દે એવું પણ હોય છે. અશ્લિલતા તો સોશિયલ મીડિયા પર થોકબંધના ભાવે પિરસાય છે ને એ જ હાલત કટ્ટરવાદ તથા આતંકવાદને સમર્થન આપતા મટીરિયલના મામલે છે.
એ જ રીતે ફેક ન્યૂઝનો પણ રીતસરનો મારો જ ચાલે છે ને જેને જે સૂઝે તેની ફેંકાફેંક ચાલ્યા જ કરે છે. જાત જાતની ગેમ્સ આવે છે ને તેના રવાડે ચડીને છોકરાં પોતાના જીવ પણ આપી દે છે. આ બધું રોકવા માટે ડિજિટલ મીડિયા પર અંકુશ જરૂરી હોવાનો મોદી સરકારનો સ્પષ્ટ મત હતો. તેના કારણે ડિજિટલ મીડિયા પર નથ કસવામાં આવશે ને તેને નાથવાના નિયમો ગમે ત્યારે આવશે એ નક્કી હતું. ખેડૂત આંદોલનમાં વિદેશી સેલિબ્રિટીઓ કૂદી પડી એ પછી તો પાકે પાયે નક્કી થઈ ગયેલું કે ગમે ત્યારે આ નિયંત્રણો આવશે ને એવું જ થયું છે. પખવાડિયા પહેલાં આ મુદ્દો ગાજ્યો ને મોદી સરકારે તાબડતોબ નિયમો બનાવીને મૂકી પણ દીધા.
મોદી સરકારે બનાવેલા નિયમો પહેલી નજરે બહુ સરળ ને સાદા લાગે છે. સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં ન્યૂસન્સ ચાલે છે ને તેને રોકવા માટે આ નિયમો બનાવાયા છે એવું પહેલી નજરે લાગે. આ પ્રકારના નિયમો બનાવવામાં કશું ખોટું પણ નથી એવું પણ લાગે. આ નિયમોની જાહેરાત કરતી વખતે ઈન્ફર્મેશ ટેક્નોલોજી મિનિસ્ટર રવિશંકર પ્રસાદે બહુ વિગતવાર વાતો કરીને આ નિયમોને હળવા ગણાવ્યા ને બધાંના હિતોની સાચવણી થાય એવું તંત્ર ગોઠવવાનો સરકારે પ્રયાસ કર્યો હોવાનો દાવો પણ કર્યો. દેશના સુરક્ષા અને સાર્વભૌમત્વ સામે સોશિયલ મીડિયા ખતરો ઊભું કરી રહ્યું હોવાથી આ નિયમો બનાવવાની ફરજ પડી હોવાનો તેમણે દાવો પણ કર્યો. સાથે સાથે ચોખવટ પણ કરી કે, આ નિયમોના કારણે સોશિયલ મીડિયાની આઝાદી પર કોઈ પાબંદી નથી આવતી પણ તેનો દુરુપયોગ રોકવા માટે નિયમો બનાવવા જરૂરી હતા તેથી કોઈએ ડરવાની જરૂર નથી.
પ્રસાદ તો સરકારમાં બેઠા છે તેથી એ બચાવ કરવાના જ પણ મોદી સરકારના આ નિયમો સોશિયલ મીડિયાને નાથવાની દિશામાં પહેલું કદમ છે તેમાં શંકા નથી. આદર્શ સ્થિતિમાં જોઈએ તો ડિજિટલ મીડિયાને નાથવા માટેના નિયમો જરૂરી છે કેમ કે ડિજિટલ મીડિયા બેફામ છે. ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં આ સ્થિતિ છે તેથી આ રોગ આપણા એકલાનો નથી. આખી દુનિયા આ વાતોથી પરેશાન છે કેમ કે સોશિયલ મીડિયા પર ક્યારે શું આવી જાય એ નક્કી જ નથી હોતું. આખી દુનિયામાં ડિજિટલ મીડિયાનો વ્યાપ અભૂતપૂર્વ છે ને આ વ્યાપ વધતો જ જાય છે. ભારત પણ તેમાંથી બાકાત નથી. ઈન્ટરનેટ સસ્તું થયું તેના કારણે આ વ્યાપ વધતો જ જાય છે ને નવાં નવાં પ્લેટફોર્મ ઊભાં થતાં જ જાય છે. ભારતમાં ફોર જી આવ્યું પછી ડિજિટલ ક્ન્ટેન્ટનો અભૂતપૂર્વ વિકાસ થયો છે ને હવે ફાઈવ જી આવવાની તૈયારી છે ત્યારે તેનો વ્યાપ વધશે એ નક્કી છે. અત્યારે જ કરોડો લોકો તેની સાથે સંકળાયેલા છે ને જેમ જેમ ડેટા સસ્તો થશે તેમ તેમ વધારે ને વધારે લોકો જોડાશે. તેના કારણે સોશિયલ મીડિયા પર ધડ વિનાની વાતો વધશે ને વધારે પ્રમાણમાં બકવાસ ઠલવાશે.
આ સંજોગોમાં આ બધું રોકવું જરૂરી છે તેમાં શંકા નથી. આ કચરાપટ્ટીને નાથવા માટે નિયમ જરૂરી છે પણ એ નિયમોનો ઉપયોગ આદર્શ રીતે થવાનો હોય તો તેનો મતલબ છે. દુનિયા આદર્શ સ્થિતિમાં ચાલતી નથી એ જોતાં આ પ્રકારના નિયમો આવકાર્ય નથી. જ્યાં પણ નિયમો બને ત્યાં ત્યાં તેના દુરુપયોગનો ખતરો ઊભો થઈ જ જતો હોય છે. તેમાં પણ સત્તામાં બેઠેલા લોકો તો કોઈ પણ નિયમનો પોતાના ફાયદા માટે દુરુપયોગ કરવામાં જ માનતા હોય છે તેથી આ નિયમોનો ઉપયોગ શેના માટે થશે એ કહેવાની પણ જરૂર નથી. આ નિયમો ભવિષ્યમાં લોકો માટે આફત સર્જનારા તો બનશે જ પણ તેનો ભરપૂર દુરુપયોગ થશે જ.
ભારતમાં તો આ પ્રકારના દુરુપયોગનો ખતરો વધારે છે કેમ કે કશું નિયમબદ્ધ ચાલતું નથી. સરકારમાં બેઠેલા ને સત્તામાં હોય તેની મુનસફી હોય એ રીતે બધું ચાલે. આ વાત કેન્દ્રમાં બેઠેલા લોકોની નથી પણ બધા સ્તરનાં લોકોની છે. આપણે ત્યાં જિલ્લા-તાલુકા પંચાયતનો સભ્ય પણ પોતાને તિસમારખાં સમજતો હોય છે ને સરકારી અધિકારીઓ પણ પોતાને તુર્રમખા માનતા હોય છે. એ બધા આપણી વિરુદ્ધ તો કશું ન આવવું જોઈએ એવા મદમાં હોય છે. એ બધા આ નિયમોનો દુરુપયોગ કરશે જ તેમાં શંકા નથી.
ભારતમાં મીડિયાની જે હાલત છે એ જોતાં આ નિયમો દેશમાં સેન્સરશિપ જેવા સાબિત થશે. ભારત લોકશાહી દેશ છે ને દરેક વ્યક્તિને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે. લોકોના અવાજને બુલંદ કરવાનું કામ મીડિયા કરતું પણ અત્યારે ગણતરીના મીડિયાને બાદ કરતાં બાકીનાં સત્તાધીશોનાં પાલતું બનતાં જાય છે. આ સંજોગોમાં સોશિયલ મીડિયા આ અધિકારનો ઉપયોગ કરવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ બનતું જાય છે. તેના પર નિયંત્રણ મૂકવાનો અર્થ વાણી સ્વાતંત્ર્યના અધિકારને, અભિવ્યક્તિના અધિકારને છિનવી લેવો એવો જ થાય. આપણી પાસે હવે લોકશાહીના નામે સોશિયલ મીડિયા પર વ્યક્ત થતી અભિવ્યક્તિની આઝાદી જ બચી છે. આ આઝાદી ન છિનવાવી જોઈએ, આ દેશના બંધારણે આપેલો અધિકાર ન છિનવાવો જોઈએ. ડિજિટલ મીડિયાનો દુરુપયોગ કરનારા સામે પગલાં લેવાવાં જ જોઈએ તેમાં શંકા નથી પણ તેને માટેના કાયદા અત્યારે અમલી છે જ. આ કાયદાની મદદથી સોશિયલ મીડિયાનો દુરુપયોગ રોકવો જોઈએ.