આખરે ડોનાલ્ડ ટ્રમ્પ માથેથી ઘોર અપમાનની છેલ્લી ઘાત માંડ ટળી

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના માથેથી ફરી એક વાર ઈમ્પિચમેન્ટની ઘાત ટળી ગઈ. ટ્રમ્પ સામે ઈમ્પિચમેન્ટની કાર્યવાહી કરીને તેમને પ્રમુખપદેથી સત્તાવાર રીતે તગેડી મૂકવા માટે 100 સભ્યોની સેનેટમાં બે તૃતિયાંશ બહુમતીથી ઈમ્પિચમેન્ટ અંગેની દરખાસ્ત પસાર કરવી જરૂરી હતી પણ દરખાસ્તની તરફેણમાં 57 અને વિરુદ્ધમાં 43 મત પડતાં આ દરખાસ્ત ઊડી ગઈ. ઈમ્પિચમેન્ટ મોશનના તરફદારોનો પનો 10 મત માટે ટૂંકો પડ્યો ને ટ્રમ્પ બચી ગયા. અલબત્ત આ મતદાને ટ્રમ્પને તેમના જ પક્ષમાં બધાં લોકો ચાહતાં નથી ને ટ્રમ્પની હલકટાઈઓ સામે તેમના જ પક્ષનાં લોકોને વાંધો છે એ સાબિત કરી દીધું, કેમ કે ટ્રમ્પના રીપબ્લિકન પાર્ટીના સાત સેનેટરે ટ્રમ્પ સામે ઈમ્પિચમેન્ટ મોશન લાવવાની દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું છે.
અમેરિકામાં લોકશાહીનાં મૂળિયાં હજુ મજબૂત છે ને બધું સાવ પોલું નથી થઈ ગયું તેની આ સાબિતી છે. અમેરિકામાં હજુય કરોડરજ્જુવાળા રાજકારણીઓ છે જ. પોતાના પક્ષના પ્રમુખે ખોટું કર્યું તો તેની સામે ઊભા રહેતાં ના ખચકાય એવા નેતા અમેરિકામાં પણ છે જ. બધા પ્રજાના પ્રતિનિધિ ઘેટાંના ટોળાની જેમ વર્તતા નથી તેનો આ પુરાવો છે. ટ્રમ્પ વિરુદ્ધ મતદાન કરનારા સેનેટર્સમાંથી કેટલાકને ટ્રમ્પ સામે અંગત વાંધો હોય કે ખાર હોય એ શક્યતા પણ ખરી પણ તમામ સાતેય સેનેટર્સના કિસ્સામાં એવું ના જ હોય. બે-ચાર સેનેટર્સે પણ સિદ્ધાંતને ખાતર ટ્રમ્પની સામે મતદાન કર્યું હોય તો પણ મોટી વાત કહેવાય.
ટ્રમ્પ સામે ઈમ્પિચમેન્ટ મોશન લાવવાની હિલચાલના મૂળમાં 6 જાન્યુઆરીએ કોંગ્રેસમાં બાઈડનની જીત પર મંજૂરીની મહોર મરાય એ પહેલાં થયેલાં તોફાન હતાં. અમેરિકાના પ્રમુખપદે જો બાઈડનની જીતને રોકવા ટ્રમ્પે ચૂંટણીમાં તો જાત જાતના ધમપછાડા કરેલા જ પણ ચૂંટણીમાં હારી ગયા પછી પણ બહુ ઉધામા કર્યા હતા. ચૂંટણીનાં પરિણામોમાં બાઈડનની જીત જાહેર થઈ ગઈ એ પછી પણ ટ્રમ્પે હલકટાઈ છોડી નહોતી ને અમેરિકન કોંગ્રેસ બાઈડનની જીત પર સત્તાવાર રીતે મંજૂરીની મહોર મારે એ પહેલાં તોફાનો કરવા પોતાના સમર્થકોને ઉશ્કેરીને અમેરિકાની આબરૂનો ધજાગરો કરાવી દીધો હતો.
ટ્રમ્પના ઈશારે તેમના સમર્થકોએ વોશિંગ્ટન ડીસીમાં ઉમટી પડીને રમખાણો કરી નાખ્યાં હતાં. ડોનલ્ડ ટ્રમ્પના સમર્થકો સંસદ સંકુલ એટલે કે કેપિટોલ હિલમાં ઘૂસી ગયા ને સંસદ પર કબજો કરવાની કોશિશ કરી. ટ્રમ્પની આ હલકટાઈના કારણે અમેરિકાની ઈજ્જતનો ફજેતો થઈ ગયો તેથી ડેમોક્રેટિક પાર્ટી બગડી હતી. નાન્સી સહિતના ડેમોક્રેટિક નેતાઓએનું માનવું હતું કે ટ્રમ્પે પોતાના સમર્થકોને ઉશ્કેરીને બાઈડનને સત્તામાં આવતા રોકવા માટે લોકશાહીની હત્યા કરી દીધી તેથી એ પ્રમુખપદે રહેવાને લાયક નથી રહ્યા.
અમેરિકાની સેનેટમાં જે કંઈ બન્યું એ અમેરિકાની સંસદ એટલે કે કોંગ્રેસના બીજા ગૃહમાં ઈમ્પિચમેન્ટ મોશન પર થયેલા મતદાનનું પુનરાવર્તન જ છે. કોંગ્રેસમાં હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ એમ બે ગૃહ છે. ભારતમાં લોકસભા છે એ રીતે હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સ છે જ્યારે રાજ્યસભાની જેમ સેનેટ છે. હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સમાં કુલ 435 સભ્યો છે. તેમાં 221 સભ્યો સાથે ટ્રમ્પની વિરોધી ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી છે જ્યારે રીપબ્લિકન પાર્ટી 211 સભ્યો સાથે લઘુમતીમાં છે. ટ્રમ્પ સામેની ઈમ્પિચમેન્ટ મોશન પર ચર્ચા કરવી કે નહીં એ માટે ટ્રમ્પની નિવૃત્તિના અઠવાડિયા પહેલાં એટલે કે 13 જાન્યુઆરી, 2021ના રોજ મતદાન કરાયેલું.
હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સમાં ટ્રમ્પના વિરોધી ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી છે તેથી ટ્રમ્પ સામે ઈમ્પિચમેન્ટ મોશન લાવવાની મંજૂરી મળવા અંગે શંકા નહોતી. ટ્રમ્પનો વિરોધી પક્ષ દરખાસ્ત લાવેલો તેથી એ પસાર તો થવાનો હતો જ પણ સૌની નજર ટ્રમ્પના પક્ષના સાંસદો ટ્રમ્પની વિરૂદ્ધ મતદાન કરે છે કે નહીં એ જાણવામાં હતો. હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સમાં સ્પીકર તરીકે નાન્સી પેલોસી છે જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના લીડર ચક શુમાર છે. નાન્સી પાલોસી અને ચક શુમારે વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સને ટ્રમ્પને ઘરભેગા કરવા માટે અમેરિકાના બંધારણનો 25મો સુધારા લાગુ કરવા કહ્યું હતું. બંધારણની કલમ 25ની સેક્શન 4 હેઠળ કોઈ પ્રેસિડેન્ટ પોતે પ્રેસિડેન્ટ તરીકે કામ કરવા સક્ષમ નથી એવું ના સ્વીકારે તો વાઈસ પ્રેસિડેન્ટ તથા કેબિનેટ પ્રેસિડેન્ટને દૂર કરીને વાઈસ પ્રેસિડેન્ટને એક્ટિંગ એટલે કે કાર્યકારી પ્રેસિડેન્ટ બનાવી શકે છે.
માઈક પેન્સે કલમ 25નો ઉપયોગ કરવાનો ઈન્કાર કરી દીધો તેની સામે ટ્રમ્પની પાર્ટીમાં જ કકળાટ હતો તેથી ટ્રમ્પની વિરુદ્ધ કેટલા સાંસદ ઊભા રહે છે ને કેટલા સાંસદ પક્ષની નીતિને વળગી રહે છે એ સવાલ હતો. એ વખતે ટ્રમ્પ સામે ઈમ્પિચમેન્ટ મોશન લાવવાની તરફેણમાં 232 મત મળ્યા હતા જ્યારે વિરુદ્ધમાં 197 મત પડ્યા હતા. હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સમાં રીપબ્લિકન પાર્ટી 211 સભ્યો સાથે લઘુમતીમાં છે. આખી રીપબ્લિકન પાર્ટી ટ્રમ્પની પડખે ઊભી રહી હોત તો ટ્રમ્પને 211 મત મળવા જોઈતા હતા પણ ટ્રમ્પને 197 મત મળ્યા તેનો અર્થ એ થાય કે રીપબ્લિકન પાર્ટીના 14 સભ્યોએ ટ્રમ્પ સામે ઈમ્પિચમેન્ટ મોશન ચલાલવાની તરફેણમાં મતદાન કર્યું હતું.
આ જ ઘટનાનું પુનરાવર્તન સેનેટમાં થયું છે કેમ કે 100 સભ્યોની સેનેટમાં પણ ટ્રમ્પની પાર્ટીના ઘણા બધા સભ્યો પક્ષની લાઈનને છોડીને ટ્રમ્પની સામે ઊભા રહ્યા છે. સેનેટમાં રીપબ્લિકન પાર્ટીના 50 જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના 48 સભ્યો છે પણ બે અપક્ષો ડેમોક્રેટિક પાર્ટી સાથે છે તેથી ટ્રમ્પની વિરૂધ્ધ પણ 50 સભ્યો છે. આ સંજોગોમાં ઈમ્પિચમેન્ટ મોશન પરના મતદાનમાં ટાઈ પડવી જોઈતી હતી પણ સાત સભ્યો ટ્રમ્પની સામે ખુલ્લેઆમ બહાર આવ્યા છે. આ સાત સભ્યો કોણ છે તેમનાં નામ પણ બહાર આવ્યાં છે. આપણે અમેરિકાના રાજકારણના ઉંડાણમાં બહુ ઉતરવાની જરૂર નથી પણ પોતાના જ પક્ષના પ્રમુખ સામે સેનેટર્સ મતદાન કરે એ મોટી વાત તો છે જ.
ડોનલ્ડ ટ્રમ્પ સામે ઈમ્પિચમેન્ટ મોશન ભલે ના ચાલી પણ ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસમાં એક માત્ર એવા પ્રમુખ બની ગયા જ છે કે જેમની સામે બીજી વાર ઈમ્પિચમેન્ટ મોશન લાવવાની હિલચાલ થઈ હોય. યોગાનુયોગ ટ્રમ્પ સામેની બંને ઈમ્પિચમેન્ટ મોશન સાથે જો બાઈડન સંકળાયેલા છે. આ પહેલાં ટ્રમ્પે જો બાઈડનને નુકસાન પહોંચાડવા માટે યુક્રેનના પ્રમુખ પર દબાણ કર્યું ત્યાકે 2019માં તેમની સામે 2 ઈમ્પિચમેન્ટ મોશન લવાઈ હતી. ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેસ્કીને ફોન કરીને બાઈડન અને તેમના પુત્રની સામે ભ્રષ્ટાચારના કહેવાતા કેસોની તપાસ કરવા વારંવાર અપીલ કરીને પોતાના પદનો દુરૂયોગ કર્યો હતો. ટ્રમ્પે બાઈડન અને તેના દીકરાને ચોર ગણાવીને બંનેએ અબજો રૂપિયા વિદેશભેગા કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો ને તેનો ભાંડો ફૂટતાં તેમની સામે ઈમ્પિચમેન્ટ મોશન લાવવાની કાર્યવાહી થયેલી પણ એ દરખાસ્ત પણ ઊડી ગયેલી.
ટ્રમ્પ માટે આ સમાચાર રાહતના છે તેમાં શંકા નથી. આ રાહતના કારણે હવામાં આવી ગયેલા ટ્રમ્પે હુંકાર કર્યો છે કે, તેમની રાજકીય પ્રવૃત્તિ હજુ તો શરૂ થઈ છે. ટ્રમ્પના કહેવા પ્રમાણે અમેરિકાને ફરી મહાન બનાવવાની ઐતિહાસિક, દેશપ્રેમસભર અને સુંદર ચળવળ હજુ શરૂ જ થઈ છે. આગામી મહિનાઓમાં હું ઘણી બધી વાતો કરવાનો છું ને અમેરિકાની પ્રજા માટે અમેરિકાને ફરી મહાન બનાવવાની સફર ચાલુ રાખીશું. ટ્રમ્પે બીજી ઘણી વાતો કરી છે ને એ બધી વાતો કરવાનો મતલબ નથી, પણ તેમની વાતનો ટૂંકો સાર એ છે કે, ટ્રમ્પ 2016માં અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા એ પહેલાં તેમણે અમેરિકા ફર્સ્ટ, અમેરિકન ફર્સ્ટ એ નીતિની વાત કરી હતી તેની દિશામાં કામ કરરશે.
ટ્રમ્પની યોજના શું છે તે આપણને ખબર નથી પણ ટ્રમ્પની વાતોનો અર્થ નથી. ટ્રમ્પના વિચારોને અમેરિકન પ્રજાએ ફગાવી દીધા છે ને ટ્રમ્પને પણ અમેરિકાની પ્રજાએ ફગાવી દીધા છે. આ સંજોગોમાં ટ્રમ્પ કંઈ પણ બોલે તેનો અર્થ નથી. અમેરિકાના પ્રમુખપદે જો બાઈડન છે ને બાઈડન ચાર વર્ષ લગી હટવાના નથી એ જોતાં ટ્રમ્પે જે કંઈ કરવાનું થાય એ બધું 2024માં થનારી અમેરિકાની ચૂંટણી પહેલાં કરવાનું થાય. ટ્રમ્પ ત્યાં સુધીમાં રાજકારણમાં હશે કે નહીં એ ખબર નથી ને તેમની પાર્ટી તેમને નિભાવે છે કે નહીં એ પણ નક્કી નથી. અમેરિકાનું રાજકારણ ભારત જેવું નથી કે એક વાર જામી ગયેલા નેતાને કોઈ હટાવી જ ના શકે એ જોતાં ટ્રમ્પ માટે પાછા ફરવું મુશ્કેલ છે. ટ્રમ્પે પોતાની સામે ઈમ્પિચમેન્ટ મોશન ઉડી ગઈ ને ઈજ્જતનો કચરો થતો બચી ગયો એ બદલ ખુશ થવું જોઈએ ને નિરાંતે જીવવું જોઈએ, અમેરિકનોને ને દુનિયાનાં લોકોને પણ નિરાંતે જીવવા દેવાં જોઈએ.