આખરે ઢોલ નગારા વાગવા લાગ્યા ને હવે નેતાઓ શેરીઓ ગજવવા નીકળશે

ગુજરાતમાં ચૂંટણી જાહેર થયા પછી ગઈકાલનો દિવસ જાણે કે ‘સુપર-સન્ડે’ હતો અને સિયાસત સાથે સસ્પેન્સનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. જામનગરમાં વિધાનસભાની એક બેઠક માટે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા પછી તેની સામે ભાજપ કોને ટિકિટ આપશે અને તે પછી પૂર્વઘોષિત ‘આપ’ના ઉમેદવાર અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખેલાનારો ત્રિકોણીયો જંગ કેટલો રોચક બનશે તેની ચર્ચા ચોરે ને ચૌટે થઈ રહી હતી અને અટકળોની આંધીથી જાણે આકાશ છવાઈ ગયું હતું. તેમાં પણ કેજરીવાલનો હાલારમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર ચર્ચાના કેન્દ્રમાં છે.

ઈફ એન્ડ બટ તથા ‘જો અને તો’ ની વચ્ચે અટવાતી અને ‘ટોક ઓફ ધ ટાઉન’ બનેલી આ રાજકીય ગુસપુસ એટલી તો વ્યાપક બની ગઈ કે ટીમ ઈન્ડિયાના ક્રિકેટ ખેલાડીના પરિવારની જ બે મહિલાઓને જુદા જુદા રાજકીય પક્ષો ટિકિટ આપશે, તો કેવી સ્થિતિ ઊભી થશે, તેની કલ્પનાઓ પણ વહેતી થઈ ગઈ હતી. આ તો એક નમૂનો છે. આવું તો અમરેલી, ભાવનગર અને રાજકોટ સહિત ભધે જોવા મળે છે. આ બધી જ અટકળો, કલ્પનાઓ અને ચર્ચાઓ ભલે તથ્યવિહોણી નહોતી અને રાજકરણમાં કાંઈપણ ગમે ત્યારે બની શકે છે, તેથી આવી ચર્ચાઓને હળવાશથી ગણીને કે હસીમજાકમાં ઉડાવી દેવા જેવી હોતી નથી, એ પણ હકીકત છે કે રાજનીતિમાં ઘણી વખત જે વાસ્તવમાં હોય છે, તે જાહેરમાં દેખાતું હોતું નથી અને જે દેખાતુું હોય છે તેવું ઘણી વખત હકીકતમાં અસ્તિત્વ જ હોતું નથી. જો કે આ પ્રકારની ભ્રમજાળ લાંબુ ટકતી પણ હોતી નથી.

સુપર સન્ડે પછી આજે સોમવારની સવારથી આવી રહેલા કેટલાક અહેવાલો અપેક્ષિત હતા, તો કેટલાક ચોંકવનારા છે. રાજ્યમાં ગઈકાલથી જ ચૂંટણી સભાઓ અને રોડ-શોનો સીલસીલો ચાલ્યો. ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો દ્વારા વિધાનસભાની ચૂંટણીનો વિધિવત પ્રચાર શરૂ થયો, તે પછી જે નિવેદનો આવી રહ્યા છે, અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો તથા તેના પબ્લિક પ્રત્યાઘાતોના કારણે રાજકીય હલચલ સાથે જે સનસની ઊભી થઈ છે, તે આપણી સામે જ છે અને ઉમેદવારો જાહેર કરવાની છેલ્લા બે ત્રણ દિવસથી ચાલી રહેલી પ્રક્રિયાને આજે વધુ વેગ મળી રહેલો જણાય છે. સૌથી વધુ ચર્ચા બીજેપીની ત્રણ દાવેદારોની પેનલો અંગે થઈ રહી છે.

કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બીટીપીએ પોત-પોતાના ઉમેદવારો જાહેર કર્યા પછી કેટલાક સ્થળોએ જે નવા સમીકરણો રચાયા છે, જ્યારે કેટલીક જગ્યાઓ પાર્ટીઓમાં ફેલાયેલો અસંતોષ અને નારાજગી જોવા મળી રહી છે, તેથી રાજકીય પક્ષોના મોવડીમંડળો પણ કદાચ ગૂંચવણમાં મૂકાયા છે, ભાજપ, કોંગ્રેસ અને ‘આ,’ સિવાયના કેટલાક અન્ય રાજકીય પક્ષોએ પણ કરેલી કેટલીક જાહેરાતો અને તૈયારીઓ જોતા આ વખતે ‘વોટકટર’ કોણ બનશે ‘વિનર’ કોણ બનશે અને કીંગ મેકર કોણ બનશે, તે અત્યારથી કહેવું કઠણ છે જો કે, પૂરેપૂરા ઉમેદવારો પણ જાહેર થયા નથી. ત્યાં આવી રહેલા કેટલાક ઓપિનિયન પોલ્સ પણ ચર્ચામાં છે.

ગઈકાલે વલસાડમાં ભાજપના ચૂંટણી પ્રચારના સ્ટાર પ્રચારક તરીકે પીએમ મોદીએ પોતાની એબીસીડી સમજાવીને આ ગુજરાત અમે બનાવ્યું છે, તેવા નારાઓ ગજવ્યા, તો કેજરીવાલે પોતે ખોટું નહીં બોલે અને ૧પ લાખના વાયદા નહીં કરે તેવો કટાક્ષ કર્યોં કોંગ્રેસ અને ભાજપના પ્રવકતાઓએ મની લોન્ડરીંગ અથવા હવાલાકાંડ એટલે કે નાણાની હેરાફેરીને લઈને ‘આપ’ પર આક્ષેપબાજી ચલાવી, તો ઘણાં લોકોએ પોતાના અભિપ્રાયો અને જ્ઞાનની વહેંચણી કરીને રાજકીય માહોલને વધુ ગરમાવ્યો. આ કારણે સામાજિક, જ્ઞાતિ-નીતિઓ વિવિધ વર્ગોને રાજકીય પક્ષો દ્વારા ફાળવાયેલી કે હવે ફાળવણી થવાની છે, તે ટિકિટોની દૃષ્ટિએ ગણતરીઓ મંડાવા લાગી અને સમીકરણોના સરવૈયાઓ પણ મંડાવા લાગ્યા.

ગઈકાલથી જ જુદાજુદા સમાજોએ તમામ મુખ્ય રાજકીય પક્ષો પાસેથી ચોક્કસ સંખ્યામાં ટિકિટોની માંગણીઓ કરવાનું શરૃ કર્યું અને ફરીથી આ ચૂંટણી જ્ઞાતિ, જાતિ, સમાજ અને ચોક્કસ વર્ગોના માપદંડો તરફ ધકેલાઈ રહી હોવાનો આભાસ ઊભો થઈ રહ્યો છે. જો કે, ઉમેદવારોની પસંદગી સમયે દરેક રાજકીય પક્ષો વિનિંગ ફેકટર એટલે કે વિજયની શકયતાઓ ધ્યાને લેતા જ હોય છે, અને તેમાં જ્ઞાતિ-સમાજના મતદારોની સંખ્યાના આધારે ઊભા થતા સમીકરણો પણ ધ્યાને લેવાતા જ હોય છે, પરંતુ જુદા જુદા જ્ઞાતિ-સમાજો એક સાથે ચોકક્સ સંખ્યામાં તમામ મુખ્યપક્ષો પાસે જાહેરમાં ટિકિટોની માંગણી કરે, તેવો જ ટે્ન્ડ ઊભો થઈ રહ્યો, તે પણ ચર્ચાના ચાકડે ચડ્યો છે.

કોંગ્રેસે ભાજપ પર ર૧ મુદ્દાનું તહોતનામુ રજુ કર્યુ છે, જ્યારે મોરબી દુર્ઘટનાને લઈને અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર પર આપેક્ષોની તડાપીટ બોલાવી છે, જ્યારે બીજી તરફ ભાજપના ઉમેદવારોની પેનલ તૈયાર થઈ ગયા પછી આજે ‘હાઈકમાન્ડ’ તેના પર નિર્ણય લઈ શકે તેવા અહેવાલો પછી કોંગ્રેસ-આપ ની જેમ ભાજપમાં પણ ‘અસફળ’ રહેલા દાવેદારો ટિકિટ નહીં મળતા હોબાળો મચાવશે કે બળવો કરશે, તો શું થશે તેવી ચર્ચા પણ થઈ રહી છે. કેટલાક તાજેતરના પક્ષાંતરો પછી આ પ્રકારની આશંકાઓ અસ્થાને પણ નથી.

ટિકિટ નહીં મળતા કયાંક પક્ષાંતર થયા, કયાંક બળવા થયા તો કયાંક ટિકિટવાંચ્છુના પુત્રને રડવું પણ આવી ગયું ! ત્રણેય પક્ષોમાં ‘વ્યાસ’ના પક્ષાંતરની ચર્ચા થતી રહી તો લલિત વસોવાનું તાજુ નિવેદન અને ભરતસિંહ સોલંકી પર ફેંકાયેલી શાહી પણ ચર્ચામાં રહી છે.

હજુ તો ચૂંટણીપ્રચારનો પ્રારંભ જ થયો છે ત્યાં આ પ્રકારની સ્થિતિ છે, ત્યારે ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચશે, ત્યારે તે વધુ આક્રમક, રસપ્રદ અને રોચક બની જશે એ નક્કી છે. પક્ષો અને ઉમેદવારો ચૂંટણી પ્રચાર તદ્દન નિમ્નસ્તરે ન પહોંચે, તે માટે સ્વયંશિસ્ત પાળશે તેવી આશા રાખીએ.