વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન કર્યું ને ગત દિવસભર આખા દેશની મીટ તેના તરફ મંડાયેલી રહી. સામાન્ય સંજોગો હોત તો આ કાર્યક્રમ પહેલાં વિવિધ સંગઠનોએ રામના નામે જોરદાર ઉન્માદ પેદા કરીને હવા જમાવી દીધી હોત. રામમંદિરનું નિર્માણ કેન્દ્ર સરકારનું ટ્રસ્ટ કરી રહ્યું છે તેથી કેટલાક અધિકારીઓ પણ મચી પડ્યા હોત પણ કોરોનાના કારણે વડાપ્રધાન કાર્યાલયની કડક સૂચના હતી કે બહુ દેકારો કરવાનો નથી. મોદી પોતે હાજર રહેવાના હોય એ કાર્યક્રમોને ભવ્ય બનાવવા માટે ને તેની જોરદાર પબ્લિસિટી કરવા માટે જાણીતા છે પણ ગમે તે કારણોસર તેમના તરફથી પણ આ કાર્યક્રમની જમાવટ થાય એવું કંઈ પણ કરવા પર પ્રતિબંધ રહ્યો. કોરોનાને કારણે વડાપ્રધાને દાખવેલો સંયમ નોંધપાત્ર છે.
કોરોનાના કારણે લોકો ટપોટપ મરી રહ્યાં છે ત્યારે આવા કપરા સમયમાં આ કાર્યક્રમ કરવો જોઈએ કે નહીં એ અંગે પણ સવાલો થઈ રહ્યા હતા પરંતુ વડાપ્રધાને શક્ય એટલી સાદગી અને સાવ ઓછા નિમંત્રિતોથી વિધિવિધાન પાર પાડ્યા છે. કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની સલાહોનો મારો ચાલી રહ્યો છે ને મોદી પોતે લોકોને એકબીજાથી દો ગજ કી દૂરી એટલે કે છ ફૂટનું અંતર રાખવાની સલાહ આપી રહ્યા છે ત્યારે મોદી પોતે મહેમાનો ને તેમની સાથે આવનારા બીજા બે હજાર લોકોને અયોધ્યામાં ખડકાય એવા કાર્યક્રમમાં શું કરવા જઈ રહ્યા છે એવું પણ લોકો પૂછી રહ્યા હતા પરંતુ મોદીની આગવી દૃષ્ટિ અને કુનેહથી બધું કામ નિર્વિઘ્ને પાર પડ્યું છે. પાંચસો વરસની લાંબી પ્રતિક્ષા બાદ રામ મંદિરની શરૂઆત થઈ રહી છે. જો કે આ બધાં કારણો છતાં આ અવસર મોટો છે તેનો ઈનકાર ન થઈ શકે. અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો મુદ્દો ભારતીય રાજકારણમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ છે. ઈન્દિરા ગાંધીની હત્યાની સહાનુભૂતિના મોજા પર લડાયેલી 1984ની લોકસભા ચૂંટણીમાં રાજીવ ગાંધીએ કોંગ્રેસને 545 માંથી 414 બેઠકો જીતાડીને બીજા બધા પક્ષોને સાફ કરી દીધા હતા. ભાજપને માત્ર બે બેઠકો મળી હતી ને ભાજપ પોતાનું અસ્તિત્વ ટકાવવા ફાંફાં મારતો હતો પણ તેની પાસે કોઈ મુદ્દો નહોતો. ભાજપનું અસ્તિત્વ જ સાફ થઈ જાય એવો ખતરો એ વખતે હતો કેમ કે ભાજપનું કોઈ રાજ્યમાં વર્ચસ્વ નહોતું. ભાજપ ફરી પગ જમાવવા માટે મુદ્દો શોધતો હતો ત્યાં સુપ્રીમ કોર્ટે 1986 માં શાહબાનો કેસમાં ચુકાદો આપ્યો કે મુસ્લિમ મહિલાને તલાક આપ્યા પછી પણ તેના પતિએ ભરણપોષણ આપવું જ પડે. મુસ્લિમ કટ્ટરવાદીઓએ હોબાળો મચાવ્યો એટલે તેમને રાજી રાખવા રાજીવ ગાંધીએ આ ચુકાદાને બદલી નાંખતો કાયદો બનાવી દીધો. રાજીવના આ નિર્ણયે ભાજપને મોકો આપી દીધો. ભાજપે કોંગ્રેસ પર મુસ્લિમોના તુષ્ટિકરણનો આક્ષેપ મૂકીને હિંદુવાદનું કાર્ડ ખેલી નાંખ્યું. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જેવાં સંગઠનોની મદદથી ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણના બહાને હિન્દુવાદની લહેર પશ્ચિમ અને ઉત્તર ભારતમાં ઊભી કરી દીધી. આ લહેરના કારણે ભાજપ ફરી બેઠો થઈ ગયો. રાજીવે હિંદુઓને ખુશ કરવા રામ જન્મભૂમિ મંદિરનાં તાળાં ખોલાવવા સુધીનાં પગલાં લીધાં પણ ત્યાં સુધીમાં ભાજપે આ મુદ્દા પર કબજો કરી લીધો હતો. આ મુદ્દો ભાજપને જોરદાર ફળ્યો ને ભાજપ પાંચ વર્ષ પછીની ચૂંટણીમાં તો 85 બેઠકો જીતીને દેશના રાજકારણમાં એક નિર્ણાયક પરિબળ તરીકે ઊભરી આવ્યો. આજે ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં સત્તા પર છે ને દેશનાં મોટાં મોટાં રાજ્યોમાં તેની સરકાર છે તેનાં મૂળ રામમંદિર ચળવળમાં છે. આ ચળવળે ભાજપની હિંદુવાદી પક્ષ તરીકેની છાપ બનાવી ને પછી મોદીની 2002નાં ગુજરાતનાં રમખાણો વખતે હિંદુવાદી નેતાની ઈમેજ બની તેના કારણે ભાજપ આજે દેશનો સૌથી મોટો પક્ષ છે. રામમંદિરનું એ રીતે ભારતના ઈતિહાસમાં મહત્ત્વનું સ્થાન છે જ એ નકારી ન શકાય. આ દેશમાં બહુમતી હિંદુઓની છે ને ભગવાન રામ હિંદુઓ માટે પણ આસ્થાનું પ્રતીક છે. ભગવાન રામની જન્મભૂમિમાં તેમનું ભવ્ય મંદિર બને એવી કરોડો હિંદુઓની લાગણી છે એવું સતત કહેવાય છે તેના કારણે પણ આ મુદ્દો મહત્ત્વનો છે. કરોડો હિંદુઓ રામમંદિર બને એવું ઈચ્છતા હતા પણ આવી વાતોના પુરાવા ન હોય. સામે આ વાત માનવામાં આપણને વાંધો પણ નથી કેમ કે તેમાં કોઈનું કશું નુકસાન નથી. આ વાત સાચી માની લઈએ તો રામમંદિરનું નિર્માણ આ કરોડો હિંદુઓને માનસિક શાંતિ અને એક આત્મસંતોષ આપશે. હિંદુઓની બહુમતી ધરાવતા દેશમાં હિંદુઓના આરાધ્ય ને આદર્શ મનાતા ભગવાનના જન્મસ્થાનમાં ભવ્ય મંદિર પણ નથી બની શકતું એવો જે કચવાટ હતો એ કચવાટ રામમંદિરના નિર્માણ સાથે હવે દૂર થશે. ભૂમિપૂજન એ રીતે પણ મહત્ત્વનું છે જ. રામમંદિરના નિર્માણના પ્રારંભ સાથે ઈતિહાસનું એક પ્રકરણ સમાપ્ત થયું છે ને એક નવું પ્રકરણ શરૂ થશે. હિંદુઓએ હવે રામમંદિરમાંથી બહાર આવીને આ દેશનું હવે પછીનું આ પ્રકરણ કેવું હશે એ વિશે વિચારવાની જરૂર છે. ભગવાન રામની સાથે રામરાજ્ય શબ્દ પણ જોડાયેલો છે ને આ દેશને ખરી જરૂર રામરાજ્યની છે. રામમંદિરની વાતો બહુ થઈ, આ દેશનાં લોકોએ આ દેશમાં રામરાજ્ય કઈ રીતે આવે એ વિશે વિચારવાની જરૂર છે. અત્યાર સુધી અયોધ્યામાં રામમંદિર નહોતું તેના કારણે લોકો કંઈ કાચું ખાતા નહોતા ને રાત્રે ઊંઘ નહોતી આવતી એવું નહોતું. સામે રામમંદિર બની જશે તો તેના કારણે લોકોનાં ઘરોમાં રોજ સાંજે ઘીના દીવા સળગતા થઈ જશે કે પછી દેશના દરેક હિન્દુને કમ સે કમ બે ટંક ખાવાનું મળી જશે કે એ નિરાંતે જીવી શકશે એવું પણ થવાનું નથી. આ સંજોગોમાં રામમંદિરના નિર્માણનો પ્રારંભ એક ઐતિહાસિક ઘટના તરીકે નોંધાય એ બરાબર છે પણ તેના કારણે લોકોનાં જીવન બદલાવાનાં નથી. ટૂંકમાં રામમંદિરથી લોકોના જીવનમાં કંઈ ફરક પડવાનો નથી પણ રામરાજ્ય આવશે તો ચોક્કસ લોકોના જીવનમાં ફરક પડી જશે આ દેશને ખરી જરૂર રામમંદિરની છે એમ પણ રામરાજ્યની પણ છે. રામરાજ્ય એટલે શું એ કોઈને સમજાવવાની જરૂર નથી. અયોધ્યામાં ભગવાન રામ રાજા બન્યા પછી લોકો સુખ અને સંતોષથી જીવતા થઈ ગયા હતા. લોકોને કોઈ ફરિયાદ નહોતી ને કોઈ ભાર વિના નચિંત બનીને લોકો જીવતા હતા. ભગવાન રામ એવા રાજા હતા કે, જે સામાન્ય માણસની વાત પણ સાંભળતા હતા ને તેને ગંભીરતાથી લઈને શાસન કરતા હતા. આ બધી વાતો આપણે વરસોથી સાંભળી છે ને તેના આધારે રામરાજ્યની કલ્પના સાકાર થઈ છે. આ જમાનામાં આ બધું તો શક્ય નથી જ પણ કમ સે કમ લોકોના જીવનધોરણમાં સુધારો થઈ શકે તો એ પણ રામરાજ્ય જ કહેવાય. આ દેશના શાસક પક્ષ તરીકે ભાજપ ચોક્કસ રામરાજ્ય માટે પ્રયત્ન કરી શકે. રામમંદિરના ભૂમિપૂજનનો અવસર ગઈકાલે હતો ત્યારે ભાજપે સંકલ્પ કર્યો જ છે કે, આ દેશમાં રામરાજ્ય લાવીશું. આપણને શાસનની તક મળી તેનો ઉપયોગ દેશના લોકોનાં જીવન સુધારવા અને જીવનધોરણ ઊંચા લાવવા કરીશું એવી પ્રતિજ્ઞા ભાજપે લીધી છે. ભાજપ છ વર્ષથી કેન્દ્રમાં સત્તામાં છે. આ છ વર્ષમાં રામરાજ્યની ઝલક માટે કેન્દ્ર સરકારે વારંવાર પ્રયત્ન કર્યો છે. ખેર, જે ગયું એ ગયું પણ હવે પછી એવું કરતા રહેવાના ભાજપે શપથ લેવા જોઈએ. કોરોનાના કારણે કપરો કાળ ચાલી રહ્યો છે ને લોકોને બે છેડા ભેગા કરવાનાં પણ ફાંફાં પડી રહ્યાં છે ત્યારે તેમની તકલીફો કઈ રીતે દૂર કરવી એ વિશે વિચારવું જોઈએ, કશુંક નક્કર કરવું જોઈએ. પ્રજાએ પણ બધો જ આધાર સરકાર પર રાખવાને બદલે પુરુષાર્થ કરવો જોઈએ. હવે લોકોની જિંદગી કઈ રીતે બદલી શકાય છે એ વિચારવાનો સમય છે, જૂનું પાછળ છોડીને આગળ નિકળવાનો સમય છે. મોદી આપણા જમાનાના મહાન સંકલ્પ પુરુષ છે. એમણે આપેલા મોટાભાગના વચનો પૂરા કરવા તરફ તેમનું ધ્યાન છે.
|
|
|
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]