જાણીતા ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર ઉર્ફે પી.કે. કૉંગ્રેસમાં જોડાશે એવી વાતો લાંબા સમયથી ચાલે છે પણ કૉંગ્રેસ કે પી.કે. બંનેમાંથી કોઈ મગનું નામ મરી પાડતાં નહોતાં. કૉંગ્રેસ ખરેખર પી.કે. કૉંગ્રેસમાં જોડાવાના છે કે નહીં તેનો ફોડ પાડીને વાત નહોતી કરતી ને પી.કે. કોકડું કયાં ગૂંચવાયું છે તેનો ખુલાસો નહોતા કરતા તેમાં લશ્કર ક્યાં લડે છે તેની જ ખબર નહોતી પડતી.
આ કારણે પી.કે. ખરેખર કૉંગ્રેસમાં જોડાશે કે પછી પી.કે. કૉંગ્રેસમાં જોડાશે એવી વાતો મીડિયાએ રમતો કરેલો તુક્કો જ છે કે શું એવા સવાલ પણ સામાન્ય લોકોના મનમાં ઉઠતા હતા પણ પી.કે. ત્રણ દિવસમાં બે વાર સોનિયા ગાંધીને મળતાં કૉંગ્રેસમાં પી.કે.ના જોડાણની ગોઠવણ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. જો પી. કે. ખરેખર અને ખરા દિલથી કામ કરે તો દેશના રાજકારણનું આખું ગણિત પલટો મારી જાય એટલી તાકાત એના એકલામાં હજુ પણ છે.
પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલાં પણ પ્રશાંત કિશોરે કૉંગ્રેસના ટોચના નેતાઓ સાથે ઘણી બેઠકો કરી હતી. રાહુલ અને પ્રિયંકા ગાંધીને પણ મળ્યા હતા. તેના કારણે તેઓ કૉંગ્રેસમાં જોડાશે એવી અટકળો પણ ચાલી હતી પણ પ્રશાંત કિશોર અને કૉંગ્રેસ વચ્ચે મેળ જામ્યો નહીં તેમાં કશું નક્કર ના થયું તેથી પણ લોકોના મનમાં શંકાઓ હતી. લોકોને મીડિયા ટાઈમ પાસ કરવા સમયાંતરે આ તુક્કો રમતો કરી દે છે એવું લાગવા માંડેલું. છેક ગયા શનિવારે કૉંગ્રેસ અને પી.કે. બંનેએ ખુલાસાભેર વાત કરીને સ્પષ્ટ કર્યું કે, આ તુક્કો નથી ને પી.કે. ખરેખર કૉંગ્રેસમાં જોડાઈ શકે છે. કૉંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ શનિવારે પોતાના સત્તાવાર નિવાસ ૧૦ જનપથ ખાતે કૉંગ્રેસના ગણતરીના નેતાઓની એક ઈમર્જન્સી બેઠક બોલાવી ને આ બેઠકમાં પી.કે. પણ હાજર હતા.
સોનિયાના ઘરે મળેલી આ બેઠકમાં દસ જ નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. કૉંગ્રેસની વાત હોય એટલે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તો હાજર હોય જ પણ એ સિવાય મલ્લિકાર્જુન ખડગે, કે.સી. વેણુગોપાલ, જયરામ રમેશ, એ.કે. એન્ટની, દિગ્વિજય સિંહ, અજય માકન, અંબિકા સોની, મુકુલ વાસનિક, પી.ચિદમ્બરમ અને રણદીપ સુરજેવાલા હાજર હતાં. આ એક પણ નેતામાં દમ નથી પણ કૉંગ્રેસ પાસે અત્યારે જે ગણો એ આ જ નેતાગીરી છે. તેમના ભરોસે સોનિયા ચાલે છે ને સોનિયાના ભરોસે પક્ષ ચાલે છે તેથી આ બેઠકમાં કૉંગ્રેસના નિર્ણયો પર અસર કરનારા તમામ લોકો હાજર હતા એ સ્પષ્ટ છે ને આ બેઠકમાં પી.કે.ને પણ હાજર રખાયા તેનો મતલબ એ થયો કે, કૉંગ્રેસ પી.કે.ને ગંભીરતાથી લઈ રહી છે.
લગભગ ચાર કલાક લગી ચાલેલી આ બેઠકમાં પ્રશાંત કિશોરે કૉંગ્રેસને દેશભરમાં મજબૂત કરવા માટે વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું ને કૉંગ્રેસે શું શું કરવું જોઈએ તેની સમજ પણ આપી. આ વાત પણ સાવ સાચી છે ને સત્તાવાર રીતે કોંગ્રેસ સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલે કરી છે. વેણુગોપાલે આપેલી માહિતી પ્રમાણે બેઠકમાં પી.કે.એ લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી વિશે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પી.કે.એ સૂચવેલી વ્યૂહરચનાના અમલીકરણ માટે તાત્કાલિક એક સમિતિની રચના કરવાની જાહેરાત પણ કરી નાંખી તેના પરથી સ્પષ્ટ થઈ ગયું કે પી.કે. અને કૉંગ્રેસ વચ્ચે ઈલુ ઈલુ ચાલી રહ્યું હોવાની વાતો સાવ ગપગોળા નથી પણ વાતમાં દમ છે. વેણુગોપાલે એ પણ કહ્યું છે કે, સોનિયાએ જે કમિટી બનાવવાની જાહેરાત કરી છે એ સમિતી એક સપ્તાહમાં તેનો રિપોર્ટ આપશે.
તેના પરથી એવું અનુમાન લગાવી શકાય કે, આ બેઠક સાવ ટાઈમપાસ નહોતો ને આ વખતે કૉંગ્રેસ કશુંક નક્કર કરવા માગે છે. જો કે સૌથી મહત્ત્વની વાત હવે આવે છે. સોનિયા ગાંધીએ પી.કે.ને બહાર રહીને ક્ધસલ્ટન્ટ તરીકે કામ કરવાને બદલે કૉંગ્રેસમાં પાર્ટીમાં સામેલ થવાની ઓફર કરી છે. આ ઓફરની વાત પણ સાવ અધ્ધરતાલ નથી, કેમ કે પી.કે.એ પોતે ઓફરની વાત સ્વીકારી છે ને બીજી મે સુધીમાં આ અંગે પોતે નિર્ણય લઈ લેશે એવું એલાન કર્યું છે. ગયા વરસે પશ્ર્ચિમ બંગાળ વિધાન સભાની ચૂંટણીનાં પરિણામો પછી બીજી મેના દિવસે જ પી.કે.એ હવે પછી ચૂંટણી વ્યૂહરચનાનું કામ નહીં કરવાનો નિર્ણય કરેલો.
આ કારણે આ વખતે પણ પોતાનો નિર્ણય બીજી મેના દિવસે જ જાહેર કરશે. રસપ્રદ વાત એ છે કે, વાત વાતમાં પી.કે.એ પોતે કૉંગ્રેસમાં જોડાશે તેનો સંકેત આપી દીધો છે. પી.કે.એ પોતે ચૂંટણી વ્યૂહરચના ઘડવાનું કામ નહીં કરે એ વાત દોહરાવી છે તેના પરથી સ્પષ્ટ છે કે, કૉંગ્રેસમાં જોડાવાની તેમણે માનસિક તૈયારી કરી લીધી છે. સોનિયાએ કરેલી ઓફર પર વિચારવા માટે ભલે સમય માંગ્યો પણ પી.કે. કૉંગ્રેસમાં જોડાશે એ નક્કી લાગે છે. પી.કે.ને ભાજપને પછાડવા એક પ્લેટફોર્મ જોઈએ છે ને એ પ્લેટફોર્મ કૉંગ્રેસ જ બની શકે તેમ છે તેથી પી.કે. કૉંગ્રેસમાં જ જોડાશે એ સ્પષ્ટ છે.
કૉંગ્રેસમાં એક વર્ગ પ્રશાંત કિશોર કે કોઈ પણ બહારની વ્યક્તિને લાવવાનો વિરોધી હતો. બહારની વ્યક્તિ આવીને પોતાને હુકમો આપે એ કૉંગ્રેસના ઘણા ખાઈ બદેલા નેતાઓને પસંદ નહોતું તેથી એ લોકો રોડાં નાખ્યાં કરતાં હતાં. રાહુલ અને પ્રિયંકા પી.કે.ને લઈ આવવા ક્યારનાં થનગનતાં હતાં પણ આ જૂના ખાઈ બદેલા નેતાઓ સોનિયાના કાન ભંભેરતા હશે તેમાં વાત જામતી નહોતી. હવે સોનિયાએ પોતે જ ઓફર કરી છે તેથી કૉંગ્રેસ પણ માનસિક રીતે પી.કે.ને આવકારવા અને તેની શરતે કામ કરવા તૈયાર થઈ ગઈ છે એ સ્પષ્ટ છે.પી.કે.ની કૉંગ્રેસને જીતાડવાની ફોર્મ્યુલા શું છે તે આપણને ખબર નથી પણ એવું કહેવાય છે કે, પી.કે.એ તેના પ્રેઝન્ટેશનમાં લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપને હરાવવા બ્લુપ્રિન્ટ બનાવી છે. પી.કે.નું સૂચન છે કે, કૉંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં ફક્ત તમામ ૫૪૫ નહીં પણ ૩૭૦ બેઠક પર જ ધ્યાન આપે તો પણ સત્તામાં આવી શકે છે. પી.કે. કૉંગ્રેસ જ્યાં નબળી છે એ રાજ્યોમાં બીજા ભાજપ વિરોધી પક્ષ સાથે જોડાણ કરીને ચૂંટણી લડવાની તરફેણમાં પણ છે. પી.કે.એ ખરેખર આ સૂચન કર્યું છે કે નહીં તેની ખબર નથી પણ આ સૂચન રસપ્રદ છે. ખરેખર કૉંગ્રેસ માત્ર ૩૭૦ બેઠકો પર જ લડીને ભાજપને સત્તાથી દૂર કરી શકે?