આખરે પ્રશાન્ત કિશોરે જાતે જ કોંગ્રેસનો ઉદ્ધાર કરવાનો ખ્યાલ પડતો મૂકવો પડ્યો

દેશમાં અત્યારે રાજકીય રીતે મહત્ત્વનો બીજો કોઈ મુદ્દો હાથવગો છે નહીં તેથી ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાનો ઈન્કાર કરી દીધો એ મુદ્દો જોરશોરથી ચાલી રહ્યો છે. પ્રશાંત કિશોર કે કોંગ્રેસે સત્તાવાર રીતે વાત કેમ જામી નહીં તેનો ખુલાસો કર્યો નથી પણ મીડિયામાં કહેવાતાં સૂત્રોના હવાલાથી જાતજાતની વાતો ચાલી રહી છે. પ્રશાંત કિશોર કોંગ્રેસમાં મહામંત્રીનો હોદ્દો અને અહમદ પટેલ જેવા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તરીકેનો મોભો માગી રહ્યા હતા ત્યાંથી માંડીને પ્રિયંકા ગાંધીને પ્રમુખપદે ઈચ્છતા હતા ત્યાં સુધીની વાતો ચાલી રહી છે. કોંગ્રેસે પી.કે.ને એમ્પાવર્ડ એક્સ ગ્રુપ 2024માં લેવાની તૈયારી બતાવી હતી પણ પ્રશાંત કિશોર આ ભૂમિકાના બદલે મોટો રોલ માંગી રહ્યા હતા એવી વાતો પણ ચાલી રહી છે.
પ્રશાંત કિશોરનો એક પ્રસ્તાવ એવો પણ હતો કે, નહેરૂ-ગાંધીની ખાનદાનના બદલે કોઈ અન્યને પ્રમુખ બનાવવામાં આવે પણ કોંગ્રેસ તેના માટે તૈયાર નહોતી એવું પણ કહેવાય છે. કોંગ્રેસના નેતા પી. ચિદંબરમે આ વાત નકારી છે ને કહ્યું છે કે, પ્રિયંકાને પ્રમુખ બનાવવાની કે નેતૃત્વને લગતી કોઈ જ વાત પી.કે.એ કરી જ નથી. પી.કે.એ એકદમ પ્રભાવશાળી ડેટા જ રજૂ કરેલો કે જે કોંગ્રેસ પાસે નથી. અલબત્ત ચિદંબરમ પણ સાચું બોલતા હોય એ જરૂરી નથી. બીજી પણ ઘણી વાતો ચાલી રહી છે ને આ વાતોમાં સત્ય કેટલું છે એ નક્કી કરવું મુશ્કેલ છે પણ અત્યારે બીજું કશું છે નહીં તેથી પી.કે.ના નામે આ બધી વાતો રોડવીને મીડિયા કામ ચલાવી રહ્યું છે. આપણે આ વાતોની સત્યતામાં પડતા નથી પણ પી.કે.ના કોંગ્રેસમાં જોડાવાના ઈન્કારથી કોંગ્રેસે ફરી બેઠા થવાની એક મોટી તક ગુમાવી છે તેનો ઇન્કાર થઈ શકે તેમ નથી.
પી.કે. પાસે જાદુઈ છડી નથી કે એ રાતોરાત સાવ પતી જવાના આરે આવીને ઊભી રહી ગયેલી કોંગ્રેસને ફરી બેઠી કરી નાંખે. સામે ભાજપ જેવો તાકાતવર પક્ષ છે એ જોતાં પી.કે. માટે કોંગ્રેસને ફરી તાકાતવર બનાવવાનું કામ બહુ કપરું હતું પણ પી.કે. કોંગ્રેસમાં એક સિસ્ટમ લાવી શક્યા હોત કે જેની અત્યારે કોંગ્રેસને સૌથી વધારે જરૂર છે. કોંગ્રેરસની સૌથી મોટી તકલીફ એ છે કે, તેણે આત્મનિરીક્ષણ કરવાની તાકાત જ ગુમાવી દીધી છે. પોતે કેમ નબળી પડી ગઈ તે સમજવાની કે તેના પર વિચાર કરવાની ક્ષમતા કોંગ્રેસ પાસે રહી નથી. પ્રશાંત કિશોરના આગમનથી એ વ્યવસ્થા પણ ગોઠવાઈ હોત ને તેનો બહુ મોટો ફાયદો કોંગ્રેસને થાત.
કોંગ્રેસ અત્યારે સાવ રામભરોસે ને વધારે સ્પષ્ટરીતે કહીએ તો રાહુલભરોસે ચાલતી પાર્ટી છે ને રાહુલને રાજકારણ કરતાં વધારે રસ બહાર ફરવામાં છે. આ કારણે કોંગ્રેસ સાવ વેરવિખેર છે. કોંગ્રેસ પાસે સંગઠન રહ્યું નથી, કોઈ નક્કર આયોજન થતું નથી ને ધકેલ પંચા દોઢસો કરીને ચલાવાય છે. સોનિયા કે રાહુલને સૂઝે એ તુક્કાઓના આધારે કોંગ્રેસ ચાલે છે. પ્રશાંત કિશોર કોંગ્રેસને આ સ્થિતીમાંથી બહાર લાવીને એક વ્યવસ્થા ચોક્કસ ઉભી કરી શક્યા હોત. પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાયા નથી પણ તેમણે પોતાના પ્રેઝન્ટેશનમાં કોંગ્રેસની નબળાઈઓ તો સામે મૂકી જ દીધી છે. કોંગ્રેસની મુખ્ય સમસ્યા શું છે એ પણ સ્ષ્ટ કરી દીધું છે. પી.કે.એ કોંગ્રેસમાં નહીં જોડાવાની જાહેરાત કરતી વખતે જે ટ્વિટ કર્યુ તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, કોંગ્રેસને મારાથી વધુ સામૂહિક નેતૃત્વ અને રાજકીય ઈચ્છાશક્તિની જરૂર છે. આ વાત સો ટકા સાચી છે.
કોંગ્રેસ અત્યારે રાષ્ટ્રીયસ્તરથી લઈને રાજ્યોમાં પણ નેતૃત્વના પડકારનો સામનો કરી રહી છે. કોંગ્રેસ પાસે અત્યારે એવો કોઈ મોટો નેતા નથી, જે પોતાના દમ પર મત મેળવી શકે, પોતાના કરિશ્મા પર મતદારોને કોંગ્રેસ તરફ વાળી શકે. આ સમસ્યાનો ઉકેલ સામૂહિક નેતાગીરી છે અને તેની તાકાત પર કોંગ્રેસ ફરી બેઠી થઈ શકે તેમ છે. કોઈપણ રાજ્યમાં ચોક્કસ વિસ્તાર પર પ્રભાવ ધરાવતા નેતા એક થઈને લડે તો કોંગ્રેસની તાકાત ઊભી થાય જ ને આ તાકાતના જોરે ભાજપને પણ હરાવી શકાય. લોકસભાની 2019ની ચૂંટણી પહેલાં 2018ના ડિસેમ્બરમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસના કિસ્સામાં જ આ વાત સાબિત થઈ હતી.
મધ્ય પ્રદેશ, રાજસ્થાન ને છત્તીસગઢ એ ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર હતી. કોંગ્રેરસના નેતા એક થઈને લડતાં ભાજપે ત્રણેય રાજ્યોમાં સત્તાથી હાથ ધોવા પડ્યા હતા.
છત્તીસગઢ ને મધ્ય પ્રદેશમાં તો ભાજપ પંદર વર્ષથી સત્તામાં હતો ને આપણું નામુ નંખાઈ જશે એવી ભાજપને કલ્પના પણ નહોતી. કોંગ્રેસને પણ જીતની આશા નહોતી પણ નેતા એક થઈને લડ્યા તેમાં આ બંને રાજ્યોમાં ભાજપ હારી ગયેલો. મધ્ય પ્રદેશમાં કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના સામૂહિક નેતૃત્વમાં બધા એક થઈ ગયા તો ભાજપ પંદર વર્ષથી સત્તા પર હતો છતાં ફેંકાઈ ગયો હતો. છત્તીસગઢમાં તો ભાજપનું સાવ ધોવાણ થઈ ગયું હતું. છત્તીસગઢમાં 90 બેઠકો હતી ને તેમાંથી ભાજપ 20 બેઠકો પર પણ નહોતો પહોંચી શક્યો. રમણસિંહ છેક 2003થી જીતતા હતા પણ ભૂપેશ બધેલ અને કે.ટી. સિંહદેવની એકતાના કારણે એ પણ હારી ગયેલા.
કોંગ્રેસે રાજસ્થાનમાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી અને આ જીત કોઈ એક નેતાની નહોતી પણ સચિન પાયલટ અને અશોક ગેહલોતની સામૂહિક નેતાગીરીની જીત હતી. સચિન પાયલટ રાજસ્થાનમાં કોંગ્રેસ પ્રમુખ હતા જ્યારે અશોક ગેહલોત બે વખત રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. બંનેએ એક થઈને ભાજપને કારમી હાર આપી હતી. કમનસીબે આ જીત પછી કોંગ્રેસમાં ડખા શરૂ થઈ ગયા તેમાં લોકસભાની 2019ની ચૂંટણીમાં જ ત્રણેય રાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય થયો. મધ્ય પ્રદેશમાં તો ભાજપે જૂથવાદનો લાભ લઈને કોંગ્રેસની સરકારને પણ ગબડાવી દીધી. કોંગ્રેસ માટે બધાં રાજ્યોમાં આ સ્થિતી છે ને પ્રશાંત કિશોરે કોંગ્રેસની આ નબળાઈ તરફ જ ધ્યાન દોર્યું છે. કોંગ્રેસ ભૂતકાળમાંથી કશું શીખતી નથી પણ હવે પી.કે. એ ધ્યાન દોર્યું છે ત્યારે કંઈક શીખે તો સારું.