આખરે બે વરસ પછી બોલીવૂડ સુંદરી  રિયા ચક્રવર્તી પર ડ્રગ્સ કેસની શરૂઆત

 એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનાં બે વર્ષ પછી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ સુશાંતને લગતા ડ્રગ્સ કેસમાં આરોપનામું દાખલ કર્યું છે. આ આરોપનામામાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે એનસીબીએ સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ ખરીદવાનો અને ડ્રગ્સ માટે પૈસા આપવાનો પણ આરોપ મૂક્યો છે. એનસીબીએ રીયા સહિતના આરોપીઓ સામે હાઈ સોસાયટીના નબીરા અને બોલીવૂડ સાથે સંકળાયેલાં લોકોને ડ્રગ્સ સપ્લાય કરવા સહિત ૩૮ આરોપ મૂક્યા છે.
આ કેસમાં રીયા સહિત ૩૫ આરોપી છે પણ બીજા બધા બહુ જાણીતા નથી તેથી ફોકસ રીયા પર જ છે. રીયા સામે તો સુશાંતને ડ્રગ્સની લતે ચડાવવાનો આરોપ મુકાયો છે. એનસીબીના આરોપ પ્રમાણે રિયાએ સેમ્યુઅલ મીરાંડા, શોવિક ચક્રવર્તી, દીપેશ સાવંત અને બીજાં લોકો પાસેથી વારંવાર ડ્રગ્સની ખરીદી કરીને સુશાંતને આપ્યું હતું.
રિયાએ માર્ચ ૨૦૨૦થી સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન ડ્રગ્સની ખરીદીનાં નાણાં પણ ચૂકવેલાં. તમામ ૩૫ આરોપી માર્ચ ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૦ વચ્ચે પરસ્પર કે ગ્રૂપમાં ડ્રગ્સની ખરીદી કરીને વેચતા હતા, બોલીવૂડના લોકોને પણ ડ્રગ્સ આપતા હતા. રીયા સહિતના આરોપીઓએ ગાંજો, ચરસ, એલએસડી, કોકેઇન વગેરે પ્રતિબંધિત નશીલી ચીજો ખરીદી હોવાનો પણ એનસીબીનો આરોપ છે. રિયાના ભાઈ શોવિક સામે તો ડ્રગ પેડલર્સ સાથે સતત સંપર્કમાં હોવાનો આરોપ છે. શોવિકે કૈઝાન ઇબ્રાહિમ, કરમજિત સિંહ આનંદ, અબ્દુલ બાસિત, સૂર્યદીપ મલ્હોત્રા વગેરે પાસેથી ગાંજો ખરીદીને સુશાંતને આપેલો એવો આરોપ છે. સુશાંતનો ખાસ મિત્ર સિદ્ધાર્થ પીઠાનીએ પણ ડ્રગ્સ ખરીદેલું ને એ પણ સેમ્યુઅલ મીરાંડા, શોવિક, દીપેશ સાવંત, રિયા અને સુશાંત સાથે સીધા સંપર્કમાં હતો. પીઠાની સુશાંતના બેન્ક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડીને ડ્રગ્સ ખરીદતો હતો.
એનસીબીએ તો બહુ લાંબીલચક ચાર્જશીટ મુકી છે પણ આ ચાર્જશીટની હાઈલાઈટ છે. તેનો સાર એ છે કે, સુશાંત રીયાના કારણે ડ્રગ્સની લતે ચડ્યો ને રીયા ડ્રગ્સના કારોબારમાં ગળા લગી ખૂંપેલી હતી. આ કેસની ૨૭ જુલાઈએ સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી થવાની છે પણ એ પહેલાં રિયા સામે મુકાયેલા આરોપોના કારણે બોલીવૂડમાં ડ્રગ્સનું ભૂત પાછું ધૂણ્યું છે, રીયાએ સુશાંતને ડ્રગ્સના રવાડે ચડાવીને બરબાદ કરી નાંખ્યો એવી વાતો પાછી શરૂ થઈ ગઈ છે. રિયા દોષી સાબિત થશે તો તેને ૧૦ વર્ષની જેલની સજા થઈ શકે છે એવી વાતો પણ ચાલવા માંડી છે.

રીયા સામેના આક્ષેપો અંગે સ્પેશિયલ કોર્ટ શું ચુકાદો આપશે એ જોવાનું રહે છે પણ આ ચાર્જશીટ એ વાતનો પુરાવો છે કે, એનસીબીના અધિકારીઓમાં કોઈ શરમ નથી અને એ લોકોએ આ કેસમાં સાચી તપાસ કરવાના બદલે રીયાને ફિટ કરી દેવાના એજન્ડા પર જ કામ કર્યું છે. એનસીબીએ આ બધા આરોપો રીયા સામે પહેલાં પણ મૂકેલા, તેના સમર્થનમાં કહેવાતા પુરાવા પણ રજૂ કરેલા. આ કહેવાતા આક્ષેપોના બહાને રીયાને બે મહિના જેલમાં ગોંધી પણ રાખેલી પણ બોમ્બે હાઈ કોર્ટે રીયા સામેના આરોપોનાં છોતરાં કાઢી નાંખીને રીયા ચક્રવર્તીને જામીન આપી દીધા હતા.

રીયા ચક્રવર્તીની ધરપકડ ડ્રગ્સ લેવાનો તથા સુશાંત માટે ડ્રગ્સની વ્યવસ્થા કરવાના આરોપ હેઠળ જ થઈ હતી. સુશાંતના કેસની તપાસમાં ડ્રગ્સનો એંગલ નિકળ્યો પછી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) તપાસમાં જોડાઈ ને તેની તપાસમાં સૌથી પહેલાં રીયાના ડ્રગ્સ પેડલર્સ સાથેના કહેવાતા સંબંધોનો ભાંડો ફોડેલો. એનસીબીનો દાવો હતો કે, રીયાના ભાઈ શોવિકને ઉઠાવીને અંદર નાંખ્યો પછી તે પઢાવેલા પોપટની જેમ બધું બોલી ગયો તેમાં રીયાના ધંધાની ખબર પડી. એનસીબના દાવા પ્રમાણે રીયાએ પહેલાં પોતે કદી ડ્રગ્સ લીધું નથી એવો દાવો કરેલો પણ પછી કબૂલી લીધું હતું કે પોતે ક્યારેક ક્યારેક ડ્રગ્સ લેતી હતી ને સુશાંત માટે ડ્રગ્સની વ્યવસ્થા પણ કરતી હતી.
એનસીબીએ રીયાના ફોનની વોટ્સએપ ચેટનો પુરાવો મૂકીને દાવો કરેલો કે તેમાં ડ્રગ્સની લેવડદેવડનો હિસાબ છે.
રીયાનો ભાઈ શોવિક અને સુશાંતનો હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડા મારીજુઆના ખરીદતા હતા, તેનાં નાણાં રીયા આપતી હતી એવા પુરાવા મળ્યા હોવાન દાવો પણ એનસીબીએ કરેલો. લૉકડાઉન દરમિયાન સુશાંતના નોકર દીપેશ સાવંતે રીયા-શોવિકના કહેવાથી ૧૬૫ ગ્રામ મારીજુઆના સુશાંતને પહોંચાડેલું. સુશાંત સાથે સંકળાયેલા બે ડ્રગ્સ સપ્લાયર પાસેથી એનસીબીએ ૫૯ ગ્રામ મારીજુઆના ઝડપ્યું હતું એવો દાવો પણ એનસીબીએ કરેલો. એનસીબીના દાવા પ્રમાણે, રીયાનું કહેવું હતું કે, તેણે સુશાંતને ડ્રગ્સ લેતાં રોકવા પ્રયત્ન કરેલો પણ સુશાંતને ડ્રગ્સની લત લાગી ગયેલી તેથી બહાર નિકળી જ નહોતો શકતો તેથી પોતે તેને ડ્રગ્સ ખરીદીને આપતી હતી. એનસીબીએ રીયા ડ્રગ્સ સીન્ડિકેટની સક્રિય સભ્ય હોવાનો આરોપ પણ મૂકેલો. ચાર્જશીટમાં પણ આ જ બધા આરોપો છે તેથી ટેક્નિકલી કશું નવું નથી.

હાઈ કોર્ટે એનસીબીને તતડાવી નાખતાં કહેલું કે, રીયાએ ડ્રગ્સ રૂપિયા કમાવવા કે બીજા ફાયદા માટે કોઈને વેચ્યું હોવાના પુરાવા નથી તેથી રિયા ડ્રગ્સ સીન્ડિકેટની સક્રિય સભ્ય હતી એ વાત મોં-માથા વિનાની ગણાય. હાઈ કોર્ટે સવાલ કર્યો હતો કે, રીયા કે સુશાંતને ત્યાંથી ડ્રગ્સ મળ્યું જ નથી ત્યારે રીયાને કઈ રીતે ડ્રગ્સની સીન્ડિકેટ સાથે જોડી શકાય? સુશાંતને રિયાએ ડ્રગ્સના રવાડે ચડાવ્યો હોવાના આરોપ અંગે પણ હાઈ કોર્ટે પુરાવા માગ્યા ત્યારે એનસીબી ગલ્લાંતલ્લાં કરવા લાગેલી.

હાઈ કોર્ટના કોઈ સવાલનો જવાબ એનસીબી પાસે નહોતો તેથી એનસીબીએ વાહિયાત દલીલ કરેલી કે, સેલિબ્રિટીઝ કે રોલ મોડલ્સ અપરાધમાં પકડાય ત્યારે તેમના તરફ આકરા થવું જોઈએ કે જેથી યુવા પેઢી માટે દાખલો બેસે અને આવા ગોરખધંધા કરવાથી દૂર રહે. હાઈ કોર્ટે આ દલીલને હાસ્યાસ્પદ ગણાવીને કહેલું કે, કાયદા માટે બધા સરખા છે તેથી મહેરબાની કરીને કોઈ ભેદભાવ ઊભા ના કરશો.

હાઈ કોર્ટે એનસીબીના બધા આરોપો સામે સવાલ ઊભા કરીને રીયાને જામીન આપેલા. હવે એનસીબી એ જ આરોપોનો ચોપડો લઈને પાછી હાજર થઈ ગઈ છે, એ જ કહેવાતા પુરાવા લઈને આવી ગઈ છે. આ પરિસ્થિતિમાં
રિયાના છૂટી જવાના ચાન્સ ઉજળા છે. રિયા દોષિત છે કે નહીં એ નક્કી કરવાનું કામ કોર્ટનું છે પણ હાઈ કોર્ટે પહેલાં લીધેલા વલણને જોતાં એ હવે દોષિત ઠરશે તો એ પણ આશ્ર્ચર્ય ગણાશે.