આખરે રાતના લોકડાઉન સાથે  નવેસરથી શિસ્તનો પ્રભાવ શરૂ

છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ને મહારાષ્ટ્રમાં સૌથી વધારે કકળાટ છે ત્યાં હવે ગુજરાતમાં પણ કોરોનાનો કકળાટ શરૂ થયો છે. ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે ને પખવાડિયા પહેલાં રોજના સો-દોઢ સો કેસ આવતા તેના બદલે હવે આંકડો હજારની આસપાસ પહોંચ્યો છે. આ કેસો વધતાં સફાળી જાગેલી વિજય રૂપાણી સરકારે રાજ્યનાં ચાર મોટાં શહેર અમદાવાદ, વડોદરા, સુરત ને રાજકોટમાં રાત્રે ૧૦ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લગાવી દીધો છે. આ ચારેય શહેરમાં નાઈટ કરફ્યૂ હતો જ પણ રાત્રે ૧૨ વાગ્યાથી લાગુ કરાતો હતો. હવે નાઈટ કરફ્યૂ બે કલાક માટે લંબાવી દેવાયો છે ને લટકામાં આ ચારેય શહેરોમાં રાત્રે બસોના આવવા પર પણ પ્રતિબંધ બેસાડાયો છે. આ સિવાય ચારેય શહેરોના કમિશનરોને કોરોનાને રોકવા માટે ઠીક લાગે એ પગલાં લેવાની પણ છૂટ આપી દેવાઈ છે.

ભારતના પ્રવાસે આવેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે હમણાં અમદાવાદમાં ધામા નાખ્યા છે. અમદાવાદના મોટેરામાં બનાવાયેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૫ મેચની ટી-૨૦ સીરિઝ ચાલી રહી છે. પહેલી બે મેચમાં આખું સ્ટેડિયમ ભરાઈ જાય એ રીતે પ્રેક્ષકોને અંદર આવવા દેવાયેલા પણ કોરોનાના કેસ વધતાં સોમવારે રાત્રે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ)એ બાકીની ત્રણેય મેચ દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં રમાડવાનું એલાન કરી દીધું. મંગળવારે રાત્રે ત્રીજી ટી-૨૦ મેચ ખાલીખમ સ્ટેડિમમાં જ રમાઈ ને બાકીની બે મેચ પણ ખાલી સ્ટેડિયમમાં જ રમાશે.

કોરોનાના કેસ વધવાની હજુ શરૂઆત છે તેથી રૂપાણી સરકાર લોકોને એકસામટો આકરાં પગલાંનો ડોઝ આપી દે તો લોકો હબકી જાય તેથી રૂપાણી સરકાર ધીરે ધીરે આગળ વધી રહી છે. ધીરે ધીરે આ ડોઝ આકરો થતો જશે ને મહારાષ્ટ્રમાં જે રીતે કેટલાંક શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લાદી દેવાયું કે સ્કૂલ-કોલેજો સાવ બંધ કરી દેવાઈ એવાં પગલાં ગુજરાતમાં આવશે જ. ગુજરાતમાં મોટા ભાગની સ્કૂલો પરીક્ષામાંથી પરવારી જવામાં છે ને બોર્ડની પરીક્ષા બાકી છે તેથી સ્કૂલોને બહુ ફરક નહીં પડે, પણ લગ્નો પર તો તવાઈ આવશે જ.

ગુજરાતમાં એપ્રિલ મહિનાથી લગનની સિઝન ખૂલવાની છે પણ કોરોનાના કેસો વધી રહ્યા છે એ જોતાં લગ્નની ઉજવણી પર પણ નિયંત્રણો આવી જશે. હિંદુ પંચાગ પ્રમાણે ૨૧ માર્ચથી હોળાષ્ટક બેસશે ને ૨૮ માર્ચ લગી ચાલશે. હોળાષ્ટકમાં કોઈ શુભ કામ થતાં નથી તેથી ૨૮ માર્ચ લગી કોઈ શુભ કામ નહીં થાય. ૨૮ માર્ચે હોળી છે ને ૨૯ માર્ચે ધૂળેટી છે. ધૂળેટી જશે કે તરત ગુજરાતમાં લગ્નોનાં થોકબંધ મુહૂર્ત છે. અત્યાર લગી કોઈ નિયંત્રણ નહોતાં તેથી લોકોએ લગ્નની જોરદાર તૈયારીઓ કરી નાંખેલી, પણ હવે બધું બાજુ પર રહી જાય એવી પૂરી શક્યતા છે. લગ્નો સહિતના સમારોહ પર તવાઈ આવવાની નક્કી જ છે તેથી લગન કરવા થનગનતા મૂરતિયા ને જાનૈયા બધાંની મનની મનમાં રહી જશે.

રૂપાણી સરકારે લેવા માંડેલાં પગલાંના કારણે ગુજરાતમાં પણ પાછું લોકડાઉન આવશે કે શું એવી ઘૂસપૂસ ચાલુ થઈ જ ગઈ છે. રૂપાણી સરકાર અત્યારે તો ના પાડી રહી છે પણ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાતો ચાલી જ રહી છે કે ફરી લોકડાઉન આવ્યું જ સમજો. આ વાતો પ્રમાણે તો રૂપાણી સરકાર ઈંગ્લેન્ડ સામેની ટી ૨૦ સીરિઝ પતે એની જ રાહ જોઈને બેઠી છે. રૂપાણી સરકાર અધવચ્ચેથી સીરિઝ બંધ કરાવી દે તો બીસીસીઆઈનું નાક વઢાય તેથી સીરિઝ પતે તેની રાહ જોવાઈ રહી છે એવી વાતો છે. આ વાતો કેટલી સાચી છે તેની ખબર રવિવાર વાગી પડી જશે કેમ કે સીરિઝની છેલ્લી મેચ શનિવારે રમાવાની છે તેથી શનિવાર લગી જ રાહ જોવાની છે. લોકડાઉન લાદવાનો કે બીજો કોઈ પણ નિર્ણય લેવાનો હશે તો રવિવારે તો રૂપાણી સાહેબ કોઈ ને કોઈ નિર્ણય લેશે જ.

સી.આર. પાટીલ ૨૦૦૯થી સાંસદ છે પણ તેમને કોઈ મોટો હોદ્દો નહોતો મળ્યો. પ્રદેશ પ્રમુખ તરીકે તેમને પહેલી વાર મોટો હોદ્દો મળ્યો તેથી તેથી પોતાનો વટ બતાવવા આખા ગુજરાતમાં નિકળી પડેલા. પાટીલને પોંખવા ને તેમની નજરમાં વસવા માટે ભાજપીયાઓમાં પણ હોડ જામેલી ને એ લોકો પણ બહાર નિકળી પડ્યાં. પાટીલ જ્યાં પણ ગયા ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં ને ઠેર ઠેર રેલીઓ થઈ. તાનમાં આવી ગયેલા લોકોએ રોડ શો પણ કર્યા ને બહેનો સાથે ગરબા પણ ગાયા. સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસી કી તૈસી કરી દેવાઈ ને સરકાર તમાશો જોઈ રહેવા સિવાય કશું કરતી નહોતી. પાટીલ સહિતના નેતાઓને કોરોના થઈ ગયો પછી પણ આ તમાશા ને શક્તિપ્રદર્શન ચાલુ જ રહ્યું.

ગુજરાતમાં એ પછી આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી આવી. પાટીલ માટે પહેલી ચૂંટણી હતી. ભાજપ પણ કૉંગ્રેસના ધારાસભ્યોને તોડીને લાવેલો તેથી તેમના માટે પણ વટનો સવાલ હતો. જે ધારાસભ્યો બેશરમીથી કૉંગ્રેસ છોડીને ભાજપની પંગતમાં બેસી ગયા તેમના માટે પણ ઈજ્જતનો સવાલ હતો. આ કારણે પેટાચૂંટણીમાં ભરપૂર પૈસો ખર્ચાયો ને લોકો ઉમટી પડ્યાં. એ વખતે પણ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવી દેવાયેલા. આ પેટાચૂંટણી થોડાક વિસ્તારોમાં હતી પણ તેની અસર તો વર્તાઈ જ હતી. આ ઓછું હોય તેમ પછી તરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ને રાજકારણીઓએ આખા ગુજરાતને ઘેલું કર્યું. દોઢ મહિના લગી ચૂંટણીની જે ધમાધમી ચાલી તેમાં ગુજરાતનો કોઈ વિસ્તાર બાકી ના રહ્યો ને અત્યારેજે કંઈ થઈ રહ્યું છે તેના મૂળમાં આ ચૂંટણી છે.

મોદીનો આઝાદી કા અમૃત મહોત્સવનો કાર્યક્રમ મર્યાદિત લોકો વચ્ચે થયો પણ લોકોના ધાડાં તો એ વખતે પણ ઉમટેલાં જ. રાજકારણીઓએ પોતાની વાહવાહી માટે કરેલા આ કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ક્યાંય રહી ગયું. સરકાર આ બધું રોકી ન શકી હોત પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તો કરાવી જ શકી હોત.