આખરે વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક થવા અંગે મામલો સર્વોચ્ચ અદાલતે પહોંચ્યો

વડાપ્રધાનની સુરક્ષાનો મુદ્દો હજુ પણ રાષ્ટ્રીય ચર્ચામાં ગાજતો રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ અંગે જે કેટલીક મજાક થાય છે તે દુઃખદ છે. આવી મોટી અને ગંભીર ઘટનાની મજાક ઉડાવતા લોકોને કોણ સમજાવે કે મોદીની વ્યક્તિગત વિચારધારા અને વડાપ્રધાન પદ બન્ને અલગ બાબત છે. સમજ્યા વગર જેઓ પંજાબી મુખ્યમંત્રીની બેવકૂફીને બિરદાવે છે તેઓ જાણતા નથી કે સુરક્ષા એટલે શું? આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબના ફિરોઝપુરમાં યોજાનારી સભા સુરક્ષા વ્યવસ્થામાં ચૂકના કારણે રદ કરવી પડી એ મુદ્દે હવે સુપ્રીમ કોર્ટ મેદાનમાં આવી છે. આ મામલાની તપાસ કરવા માટે કેન્દ્ર સરકારે પોતાની તપાસ સમિચી બનાવી છે ને પંજાબ સરકારે પણ પોતાની તપાસ સમિતી બનાવી છે. બંને સમિતિએ પોતાનાં કામ પણ ચાલુ કરી દીધાં છે. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે અરજી થયેલી ને તેના જવાબમાં સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજના અધ્યક્ષસ્થાને તપાસ સમિતી રચવાનું એલાન કરી દીધું. સાથે સાથે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર ને પંજાબ સરકાર બંનેએ બનાવેલી તપાસ સમિતિઓને પોતપોતાની તપાસ રોકવા કહી દીધું છે.

સુપ્રીમ કોર્ટે વડાપ્રધાનની સુરક્ષામાં થયેલી ચૂકની તપાસ માટે સમિતિ રચી એ નિર્ણય યોગ્ય છે કેમ કે વડાપ્રધાન આ દેશની ચૂંટાયેલી પાંખમા સર્વોચ્ચ સ્થાને છે ને તેમની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ચલાવી જ ન લેવાય. સુપ્રીમે આ મુદ્દાને ગંભીરતાથી લીધો એ સારું જ થયું પણ મહત્વની વાત સુપ્રીમ કોર્ટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને કરેલા વેધક સવાલો છે. મોદી સરકારે આ મુદ્દાને રાજકીય રંગ આપી દીધો છે ને સુપ્રીમે તેની સામે જ સવાલો કર્યા છે. કેન્દ્ર સરકારે મોદીની સુરક્ષામાં થયેલી ચૂક માટે સત્યશોધક તપાસ સમિતી રચી છે. આ સમિતિએ પંજાબના ચીફ સેક્રેટરી, પોલીસ વડા અને સાત અધિકારીને શો કોઝ નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો છે કે, શો કોઝ નોટિસ મોકલીને તમે તપાસને કઈ દિશામાં આગળ વધારવી એ નક્કી કરી નાંખ્યું છે તો પછી સુપ્રીમ કોર્ટે શું કરવા વચ્ચે પડવું જોઈએ ?

સુપ્રીમ કોર્ટે તો એમ પણ કહ્યું છે કે, કેન્દ્ર સરકાર પોતે જ વિરોધાભાસી રીતે વર્તી રહી છે ને પોતાની વાતને ખોટી સાબિત કરી રહી છે. એક તરફ તમે સુપ્રીમ કોર્ટને વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક થયેલી કે નહીં ને એસપીજી એક્ટનો ભંગ થયો છે કે નહીં તે શોધવા સમિતિ રચવા કહો છો ને બીજી તરફ રાજ્યના ચીફ સેક્રેટરી અને પોલીસ વડાને સુરક્ષાના નિયમોના ભંગ માટે દોષિત ઠેરવીને જવાબ માંગો છો. સુપ્રીમે સવાલ કર્યો છે કે, એ બંનેને દોષિત ઠેરવ્યા કોણે ? પંજાબ સરકારે પણ મુદ્દો ઉપસ્થિત કરેલો કે, રાજ્યના ટોચના અધિકારીઓને સાંભળ્યા વિના જ નોટિસો ફટકારી દેવાઈ છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકાર જે તપાસ કરશે એ તટસ્થ ને ન્યાયી રહેવાની આશા નથી જ તેથી સુપ્રીમ કોર્ટે તટસ્થ તપાસ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે એ મુદ્દો માન્ય રાખીને રાજ્ય ને કેન્દ્ર સરકાર બંનેના તાબેદાર ન હોય એવા નિવૃત્ત જજ દ્વારા તપાસનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટની તપાસમાં શું બહાર આવે છે એ જોવાનું રહે છે પણ સુપ્રીમ કોર્ટે મોદી સરકાર સામે આવું આકરું વલણ કેમ લેવું પડ્યું એ  સમજવા જેવું છે. દેશના વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક થાય એ મુદ્દો અક્ષમ્ય છે તેમાં બેમત નથી. આ ચૂકની ગંભીરતાથી તપાસ થવી જ જોઈએ ને આ તપાસ તટસ્થ હોવી જોઈએ, નિષ્પક્ષ હોવી જોઈએ. કોઈ પણ પ્રકારનું રાજકારણ કે પક્ષપાત તેમાં ન થવો જોઈએ એ વાત પહેલાં પણ કરી છે તેથી દોહરાવતા નથી પણ કેન્દ્ર સરકાર પક્ષપાતપૂર્ણ રીતે વર્તી રહી છે ને આ મુદ્દાને કોંગ્રેસે રાજકીય રંગ પણ આપી દીધો છે. આ ચૂક માટે માત્ર પંજાબ સરકાર કે પંજાબ પોલિસ જ જવાબદાર નથી ને છતાં સરકાર પંજાબ સરકાર અને પંજાબ પોલીસ પર જ બધો દોષનો ટોપલો ઢોળી રહી છે. તેના કારણે સુપ્રીમ કોર્ટ બગડી છે ને સરકારને ઝાટકી નાંખી છે.

આ વાતને સમજવા માટે વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થામાં કોની શું ભૂમિકા હોય છે તે સમજવું જરૂરી છે. દેશના વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ પાસે હોય છે. એસપીજીના જવાનો વડાપ્રધાનની આજુબાજુ ગોઠવાયેલા હોય છે ને તેમને કશું થવા દેતા નથી પણ વડાપ્રધાનની સુરક્ષા માત્ર આસપાસ સુરક્ષા કવચ બનાવી દેવાથી થતી નથી. તેના માટે બહ મહેનત કરવી પડે છે, બહુ આયોજન કરવું પડે છે ને એક કરતાં વધારે એજન્સી તેમાં સામેલ થાય છે. વડાપ્રધાનની કોઈ પણ સ્થળની મુલાકાત દરમિયાન તેમની સુરક્ષાની જવાબદારી  કુલ  ચાર એજન્સી પાસે હોય છે ને આ ચાર એજન્સી વડાપ્રધાનની સુરક્ષા-વ્યવસ્થાઓનું ધ્યાન રાખે છે. એસપીજી તો તેમાં કેન્દ્રસ્થાને છે જ પણ એસપીજી ઉપરાંત  એડવાન્સ સિક્યોરિટી લાયઝન ટીમ, રાજ્ય પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર આ ચાર એજન્સી સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલી હોય છે. આ પૈકી મુખ્ય જવાબદારી કેન્દ્રીય એજન્સીઓની જ હોય છે અને સ્થાનિક પોલીસ તથા સ્થાનિક વહીવટી તંત્ર તો સહાયક ભૂમિકામાં જ હોય છે.

આ પૈકી સૌથી મહત્ત્વની ભૂમિકા એડવાન્સ સિક્યોરિટી લાયઝન ટીમની હોય છે. આ ટીમમાં એસપીજીના અધિકારી ઉપરાંત ઈન્ટેલિજન્સ બ્યુરો સહિતની એજન્સીના અધિકારી હોય છે પણ મુખ્ય વાત એ છે કે,  તમામ અધિકારી કેન્દ્રીય એજન્સીઓના હોય છે. આ  ટીમ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓના સંપર્કમાં હોય છે. એડવાન્સ સિક્યોરિટી લાયઝન ટીમને વડાપ્રધાનની મુલાકાત સંબંધિત દરેક માહિતી સાથે અપડેટ કરવામાં આવે છે. વડાપ્રધાનની મુલાકાત પહેલાં સ્થળની સુરક્ષાના રૂટથી લઈને સ્થળ પર પહોંચવા સુધીની બધી વિગતોની ચકાસણી આ ટીમ કરે છે ને તેને યોગ્ય લાગે તો જ આગળ વધવાની મંજૂરી મળે છે. સૌથી મહત્વની વાત એ છે કે, વડાપ્રધાનની સુરક્ષાનો રૂટ બહુ પહેલાં નક્કી થઈ જાય છે ને આ રૂટની માહિતી સુરક્ષા સાથે સંકળાયેલી એજન્સીઓ સિવાય કોઈને હોતી નથી.

મોદીની સુરક્ષામાં થયેલી ચૂકમાં સૌથી મોટો સવાલ એ જ છે કે, મોદીનો રૂટ છેલ્લી ઘડીએ કેમ બદલાયો ? આ રૂટ સલામત છે એ નક્કી કોણે કર્યું ને કોણે આ વાતને લીલી ઝંડી આપી ? કેન્દ્ર સરકારનો દાવો છે કે, પંજાબ પોલીસને રૂટ બદલાયાની જાણ કરાઈ હતી ને તેમણે લીલી ઝંડી આપી પછી જ મોદી એ રૂટ પર આગળ વધ્યા હતા. તેની સામે પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની એવી રેકર્ડ વગાડ્યા કરે છે કે,  વડાપ્રધાન મોદીની સુરક્ષામાં કોઈ ચૂક થઈ નથી ને જે કંઈ થયું તેના માટે મોદીના સુરક્ષા અધિકારી જ જવાબદાર છે. ચન્નીની આ વાત સાવ કાઢી નાંખ્યા જેવી નથી જ કેમ કે વડાપ્રધાનની સુરક્ષાની મુખ્ય જવાબદારી કેન્દ્રીય એજન્સીઓની જ છે.

વડાપ્રધાન મુલાકાત લેવાના હોય એ સ્થળની સુરક્ષાને લગતી જવાબદારી સ્થાનિક પોલીસની હોય છે પણ સ્થાનિક પોલીસ એએસએલની મદદથી બધું નક્કી કરે છે. પોલીસના નિર્ણય સાચા છે કે નહીં તેની દેખરેખ એસપીજી અધિકારીઓ રાખે છે.  કેન્દ્રીય એજન્સીએ એસએલ વડાપ્રધાનના સ્થળ અને રૂટ પર સુરક્ષાની તપાસ કરે છે. આ સંજોગોમાં મોદી સરકારે કેન્દ્રીય એજન્સીઓનો પણ જવાબ માંગવો જોઈએ પણ એ જવાબ પણ માંગવામાં નથી આવ્યો. મોદી સરકાર એ રીતે જ વર્તી રહી છે કે જાણે પંજાબ પોલીસનો જ બધો વાંક હોય. મોદી સરકારે પંજાબ પોલીસના સાત અધિકારીને સમન્સ આપીને બોલાવ્યા, ચીફ સેક્રેટરી અને પોલીસ વડાને પણ ખુલાસો કરવા ફરમાન કર્યું પણ મોદીની સુરક્ષા સાથે સંકળાયેલી કેન્દ્રીય એજન્સીઓને કશું કહ્યું નથી કે કંઈ કર્યું નથી. તેના કારણે પણ કેન્દ્રનું વલણ શંકાસ્પદ લાગે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો દાવો છે કે, વડાપ્રધાન મોદી રોડ માર્ગે જવાના છે તેની જાણકારી પણ પંજાબ પોલીસને અપાયેલી ને  પ્રવાસના રૂટની જાણકારી પંજાબ સરકાર અને પોલીસને આપવામાં આવી હતી.  છેલ્લી ઘડીએ રૂટ બદલી દેવાયો ને એ બધી વાતોમાં કોઈ માલ નથી.  મોદીનો કાફલો પસાર થવાનો હતો એ રૂટની પૂરેપૂરી માહિતી પોલીસ પાસે હતી જ. આમ છતાં પંજાબ પોલીસે લોકોનાં ટોળાંને રોકવા કશું ન કર્યું ને લોકોને મોદીના કાફલાની નજીક આવી જવા દીધા. કેન્દ્ર સરકાર વતી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ જ રેકર્ડ સુપ્રીમ કોર્ટમાં વગાડી.

પહેલાં કેન્દ્ર સરકારે દાવો કરેલો કે, ગૃહ મંત્રાલયે પંજાબ પોલીસ સાથે કરેલા કોમ્યુનિકેશનના પુરાવા અમારી પાસે છે ને પંજાબ સરકાર જૂઠું બોલે છે. અલબત્ત ગૃહ મંત્રાલયે એવા કોઈ પુરાવા બહાર પાડ્યા નથી કે કોર્ટમાં પણ મૂક્યા નથી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એવા પુરાવા મૂક્યા હોત તો પંજાબ પોલીસ દોષિત છે એ સ્પષ્ટ જ થઈ ગયું હોત પણ કેન્દ્ર સરકારે એવું કર્યું નથી. કેમ આ પુરાવા ના મૂકાયા એ રામ જાણે પણ તેના કારણે એવી શંકા ઉભી થઈ જ ગઈ છે કે, આવા કોઈ પુરાવા જ નથી. આશા રાખીએ કે સુપ્રીમ કોર્ટની તપાસમાં બધી શંકાઓનું નિવારણ થાય, સત્ય બહાર આવે.