આખરે સર્વોચ્ચ અદાલતના હસ્તક્ષેપથી નવા કૃષિ કાયદાનો અમલ અભરાઈ પર

અંતે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બનાવેલા ત્રણેય કૃષિ કાયદાના અમલ પર સુપ્રીમ કોર્ટે મનાઈહુકમ ફરમાવી દીધો. સાથે સાથે સુપ્રીમ કોર્ટે કૃષિ નિષ્ણાતોની એક સમિતિ પણ બનાવી છે કે જે આ ડખાનો અંત લાવવા માટે ખેડૂત સંગઠનો સાથે મંત્રણા કરશે. આ સમિતિમાં ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ જિતેન્દરસિંહ માન, જાણીતા કૃષિ અને અર્થશાસ્ત્રી અશોક ગુલાટી, મહારાષ્ટ્રના શિવકેરી સંગઠનના અનિલ ધનવત અને ઈન્ટરનેશલ ફૂડ પોલિસી ઈન્સ્ટિટ્યૂટના ડો. પ્રમોદ કુમાર જોશી એ ચાર લોકોનો સમાવેશ કરાયો છે.

સુપ્રીમ કોર્ટને સંસદે બનાવેલા કાયદાના અમલ પર પ્રતિબંધનો કોઈ અધિકાર નથી એવી દલીલોનો પણ સુપ્રીમ કોર્ટે જવાબ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટને કોઈ પણ કાયદાનો અમલ રોકવાનો અધિકાર છે જ અને અમે આ અધિકારનો જ ઉપયોગ કરી રહ્યા છે. અમે આ કાયદાનો અમલ અનિશ્ર્ચિત મુદત માટે નથી રોકી રહ્યા પણ બંને પક્ષ કોઈ નિર્ણય લે એ માટે સમય મળી રહે એટલે હા પૂરતો કાયદાનો અમલ નહી કરવાનું ફરમાન કર્યું છે. સુપ્રીમે એમ ફણ કહ્યું છે કે, અમે લોકોનાં જીવન અને સંપત્તિને થઈ રહેલા નુકસાનથી ચિંતિત છીએ અને દુનિયાની કોઈ તાકાત અમને આ નવા કૃષિ કાયદાઓના અમલ મુદ્દે પેદા થયેલા અવરોધ દૂર કરવા માટે સમિતિ બનાવતાં પણ રોકી ના શકે.

સુપ્રીમ કોર્ટનો આ આદેશ બહુ મોટો છે તેમાં શંકા નથી કેમ કે સુપ્રીમ કોર્ટે મોદી સરકારે બનાવેલા ત્રણેય કૃષિ કાયદા રદ કર્યા નથી પણ તેના અમલ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મતલબ કે, આ કાયદા અસ્તિત્વમાં તો છે પણ તેનો અમલ નહી કરી શકાય. સુપ્રીમ કોર્ટ ના કહે ત્યાં લગી આ કાયદા શોભાના ગાંઠિયાની જેમ કાગળ પર જ રહેશે. આ સ્થિતિ અભૂતપૂર્વ કહેવાય કેમ કે સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાને વચમાં લટકાવી દીધા છે. આપણે ત્યાં સંસદ સર્વોપરિ છે અને સંસદે બનાવેલો કાયદો ગેરબંધારણીય હોય તો તેને રોકવાનો સુપ્રીમ કોર્ટને અધિકાર છે જ. આપણા બંધારણે નક્કી કરેલા પાયાના સિદ્ધાંતો, નાગરિકાનો મૂળભૂત અધિકારો, કેન્દ્ર-રાજ્યોના અધિકારો, બીજી બંધારણીય જોગવાઈઓ સહિતની બાબતોનો ભંગ કરતા કાયદાને ગેરબંધારણીય ઠેરવીને સુપ્રીમ કોર્ટ રદ ચોક્કસ કરી શકે એ સિવાય સુપ્રીમ કોર્ટ કોઈ કાયદાને ના રોકી શકે. કૃષિ કાયદાને સુપ્રીમ કોર્ટે રદ કર્યા નથી પણ મોકૂફ રાખ્યા છે એ સ્થિતિ પહેલાં કદી ઉદ્ભવી નથી.

સુપ્રીમ કોર્ટે કોઈ પણ કાયદાનો અમલ મોકૂફ રાખવાનો પોતાને અધિકાર હોવાનું કહ્યું એ બંધારણીય રીતે કેટલું સાચું છે એ આપણને ખબર નથી. મોદી સરકાર એવી દલીલ કર્યા કરતી હતી કે સુપ્રીમ કોર્ટને સંસદે બનાવેલા કાયદાને રોકવાનો અધિકાર નથી. એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે સોમવારે એવો વાંધો પણ લીધેલો કે, સુપ્રીમ કોર્ટ સંસદે બનાવેલા કાયદાને રદ ના કરી શકે. આ વાંધાનો સુપ્રીમ કોર્ટે એમ કહીને ડૂચો કરી નાંખ્યો હતો કે, અમે આ કાયદાને રદ નથી કરતા પણ તેનો અમલ મોકૂફ રાખવાનું કહી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટને સંસદે બનાવેલા કોઈ પણ કાયદાનો અમલ મોકૂફ રાખવાનો પણ અધિકાર છે કે નહીં એ પણ ચર્ચાનો મુદ્દો છે પણ એ ચર્ચાથી કોઈ અર્થ ના સરે કેમ કે બંધારણીય જોગવાઈઓનું અર્થઘટન કરવાનો અધિકાર પણ સુપ્રીમ કોર્ટને જ છે. આ સંજોગોમાં મોદી સરકાર સુપ્રીમના આદેશ સામે વાંધો ઉઠાવે તો પણ કશું વળવાનું નથી કેમ કે બંધારણીય અર્થઘટન માટે પણ મોદી સરકારે જવું તો સુપ્રીમ કોર્ટમાં જ પડે. આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટે જે કંઈ કહ્યું છે એ જ સાચું માનવું પડે. મોદી સરકારે જખ મારીને કૃષિ કાયદાનો અમલ મોકૂફ રાખવો જ પડે.

સુપ્રીમ કોર્ટના આદેશને ઘણાંએ મોદી સરકાર માટે લપડાક ગણાવી છે. સુપ્રીમ કોર્ટે મોદી સરકારને જોરદાર ફટકો મારી દીધો ને ધરતી પર લાવી દીધી એવી વાતો થાય છે પણ વાસ્તવમાં સુપ્રીમના આદેશે મોદી સરકારને મોટી રાહત આપી દીધી છે. કૃષિ કાયદાના મુદ્દે મોદી સરકારની હાલત ઈધર કૂઆં, ઉધર ખાઈ જેવી થઈ ગયેલી. ના આ તરફ જવાય, ના પેલી તરફ જવાય. મોદી સરકાર તેમને બળનો પ્રયોગ કરીને કાઢી શકે તેમ નથી ને તેમની વાત માનીને જાતે જ પોતાની ઈજ્જતનો કચરો પણ કરાવી શકે તેમ નથી તેથી કઈ તરફ જવું તેની મૂંઝવણમાં મોદી સરકાર હતી.

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો દિલ્હી સરહદે દોઢ મહિનાથી ધામા નાંખીને પડ્યા છે ને જવાનું નામ જ લેતા નથી. કૃષિ કાયદો નાબૂદ ના થાય ત્યાં લગી દિલ્હી સરહદેથી ચસકીશું નહીં એવું એલાન આ સંગઠનોએ કરી દીધેલું. મોદી સરકારે તેમને મનાવવા જાત જાતના સંનિષ્ઠ પ્રયાસ કરી જોયા. સાવ વાંકા વળીને કૃષિ કાયદામાં સુધારો કરવાની તૈયારી પણ બતાવી પણ ખેડૂત સંગઠનો મચક આપવા તૈયાર નહોતા. મોદી સરકારને પહેલાં એમ હશે કે ખેડૂતો બે-ચાર દાડા ને બહુ બહુ તો પંદર દિન ધામા નાંખીને પડ્યા રહેશે ને પછી હારીને જતા રહેશે. તેના કારણે શરૂઆતમાં મોદી સરકારે ભાવ ન આપ્યો પણ પછી ખેડૂતો જામી ગયા તેથી મોદી સરકારે મંત્રણા શરૂ કરવી પડી.

આ મંત્રણામાં પણ મોદી સરકારે ઓછા પ્રયાસ નથી કર્યા. ખેડૂતોને મનાવી લેવા તેમણે જાત જાતના પ્રયત્ન કરી જોયા પણ ખેડૂતો મક્કમ નિકળ્યા. વેરાઈ જવાની વાત તો છોડો પણ ઊલટાના વધારે ને વધારે ખેડૂતો ખડકાતા જતા હતા તેના કારણે મોદી સરકારનું બ્લડ પ્રેશર વધવા માંડેલું. બાકી હતું તે ખેડૂતોએ પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢીને પ્રજાસત્તાક દિનની પરેડમાં જોડાવાનું એલાન કરી દીધું તેમાં મોદી સરકારની ચિંતા વધી ગઈ હતી. પ્રજાસત્તાક દિને ખેડૂતો દિલ્હીમાં ઘૂસી જાય તો સરકારની આબરૂનો કચરો થઈ જાય. ખેડૂતોની સંખ્યા જોતાં પોલીસ તો છોડો પણ આર્મી ઉતારો તો પણ રોકી ન શકાય તેથી મોદી સરકાર બરાબર મુંઝવણમાં મુકાઈ ગઈ હતી.

સુપ્રીમના આદેશે મોદી સરકારને આ સલવામણમાંથી બહાર કાઢી દીધી છે. હવે ખેડૂતોને મનાવવા મોદી સરકારે કઈ ઉધામા પણ નહીં કરવા પડે કે કોઈ મંત્રણા પણ નહીં કરવી પડે. સુપ્રીમ કોર્ટે જે કમિટી બનાવી છે એ કમિટી જ કૃષિ કાયદાઓ મુદ્દે પડેલી મડાગાંઠ ઉકેલવા માટે શું કરવું એ નક્કી કરશે. ખેડૂત સંગઠનો અત્યારે કૃષિ કાયદા રદ કરવાની વાત પર અડી ગયા છે ને મોદી સરકારની કોઈ વાત સાંભળવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટ સામે એ વલણ ના ચાલે. સુપ્રીમ કોર્ટે બનાવેલી સમિતિ જ હવે ખેડૂત આગેવાનો સાથે માથાં ફોડશે ને તેની વાત ખેડૂતોએ સાંભળવી પડશે.

સુપ્રીમ કોર્ટે ખેડૂતો આડા ના ફાટે એટલે પહેલા જ કહી દીધું છે કે, રાજકારણ અને ન્યાયતંત્રમાં બહુ ફરક છે તેથી બંનેને સરખા સમજીને ના વર્તતા. અમે આ ડખાનો ઉકેલ લાવવા માટે કમિટી બનાવી છે તેથી સહકાર આપજો. સુપ્રીમ કોર્ટે ખેડૂત સંગઠનો સહકાર ન આપે તો શું થશે એ વાત ભલે અધ્યાહાર રાખી છે પણ એ સમજવી અઘરી નથી. સુપ્રીમ કોર્ટને અત્યારે ખેડૂતો તરફ સંપૂર્ણ સહાનુભૂતિ છે. ખેડૂતોનો પક્ષ લઈને સુપ્રીમ કોર્ટે સરકારની બરાબરની ધૂળ કાઢી નાંખી છે. સરકારે કશું વિચાર્યા વિના ને કોઈને પૂછ્યા વિના કૃષિ કાયદા બનાવી દીધા એવી ખરાબ ટીપ્પણી પણ સુપ્રીમ કોર્ટે કરી છે.

મોદી સરકારે દલીલ કરેલી કે બે દાયકાની વિચારણા પછી આ કાયદા બન્યા છે પણ સુપ્રીમ કોર્ટે તેની વાત સાંભળી જ નથી. ઊલટાનું સુપ્રીમે તો સામો ટોણો માર્યો કે, મોદી સરકાર કૃષિ કાયદા બહુ સારા છે ને ખેડૂતોના ફાયદામાં છે એવી વાતો કરે છે પણ અત્યાર લગી અમારી પાસે એવી એક પણ અરજી કેમ નથી આવી કે જેમાં કૃષિ કાયદાને સારા ગણાવાયા હોય ? ટૂંકમાં સુપ્રીમ કોર્ટનું વલણ ખેડૂતો તરફી છે ને તેનો લાભ લઈને ખેડૂતોએ પોતાનું ધાર્યું મહત્તમ કરાવી લેવાની જરૂર છે.સુપ્રીમ કોર્ટનો આદેશ દેશના હિતમાં પણ છે. ખેડૂત સંગઠનો કાયદા રદ કરાવવાનું પૂંછડું ઝાલીને બેસી ગયા ને મોદી સરકાર કાયદા રદ નહી કરવાની મમતે ચડી તેમાં કોઈનું ભલું નથી. વટનાં ગાજર ખાવામાં બંનેને આફરો ચડે ને છેવટે પસ્તાવાનો વારો આવે તેના કરતાં સુપ્રીમ કોર્ટની પહેલથી કોઈક તો ઉકેલ આવશે જ. અન્યાય સામે લડવામાં ખોટું નથી પણ કામધંધા મૂકીને લડ્યા કરો તેમાં નુકસાન તો જાય જ. આ નુકસાન સરકારને જાય કે ખેડૂતોને, અંતે નુકસાન તો દેશનું જ છે ને ? સુપ્રીમની પહેલથી આ કોકડું ઉકેલાશે તો દેશનું નુકસાન બચી જશે.