આખી સરકાર આઉટસોર્સીંગથી ચાલે છે : પરેશ ધાનાણી

અમરેલી,રાજ્યમાં એકબાજુ લાખો શિક્ષિત બેરોજગારો રોજગારી માટે દરદર ભટકી રહયા છે ત્યારે બીજી તરફ રાજ્ય સરકારમાં આરોગ્ય વિભાગ સહિતના અનેક વિભાગોમાં હજારો જગ્યાઓ ખાલી હોવા છતાં તેમાં કાયમી ભરતી કરવાના બદલે કોન્ટ્રાક્ટ, આઉટસોર્સીંગ અને ફીક્સ પગારથી નિમણુંકો કરવામાં આવે છે.
આ કર્મચારીઓને જે-તે એજન્સીઓ શોષણ કરીને પૂરો પગાર ચૂકવતી નથી ત્યારે વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ આ પ્રથા બંધ કરીને કાયમી ભરતી કરવાની માંગણી કરી હતી.
વિપક્ષ નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ’દરેક હાથને કામ મળે અને કામના પૂરેપૂરા દામ મળે’ એવી આખા ગુજરાતની લાગણી છે. વર્ષ 2006થી ફીક્સ પગાર, કરાર આધારિત નોકરી અને આઉટસોર્સીંગ પ્રથાને કારણે આજે 26 વિભાગ, 43 પ્રભાગ, 193 જેટલા બોર્ડ-નિગમો અને કંપનીઓ સહિત આખી સરકાર ફીક્સ પગાર, કરાર આધારિત કર્મચારીઓ અથવા આઉટસોર્સીંગથી ચાલે છે. ગત વિધાનસભામાં સરકારે જાહેરાત કરી હતી કે એસ્ક્રો એકાઉન્ટ ખોલીને તેના મારફત તમામ કર્મચારીઓને 100% પગાર સીધો જ ચૂકવવામાં આવે છે ત્યારે આજે સરકાર દ્વારા એમ. જે. સોલંકી એન્ડ એસોસીએટ્સ-ભાવનગર અને મેસર્સ
ડી. જી. નાકરાણી એન્ડ એસોસીએટ્સ-ભાવનગરના નામની મુખ્યત્વે બે એજન્સીઓ દ્વારા સરકારના તમામ વિભાગો, બોર્ડ-નિગમો સહિત આખા રાજ્યમાં આઉટસોર્સીંગની ભરતીઓ કરે છે. આ એજન્સીઓ કર્મચારીઓને 50-60% જ પગાર ચૂકવતી હોવાથી શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા તેને નોટીસ આપીને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત પણ કરેલ તેમ છતાં આ એજન્સીઓને સરકાર દ્વારા અન્ય વિભાગોમાં કામ આપવામાં આવે છે. ત્યારે વિપક્ષ નેતાશ્રીએ રાજ્યમાં કરાર આધારિત, ફીક્સ પગાર અને આઉટસોર્સીંગની પ્રથા બંધ કરવા અને સરકારની મંજૂર જગ્યાઓ ઉપર નિયત ધારાધોરણ મુજબ કાયમી ભરતી કરવા સરકાર સમક્ષ માંગ કરી હતી.