આગામી બે દિવસ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની કરાઈ આગાહી

અમદાવાદ સહિત રાજ્યભરમાં શિયાળાની ઠંડીનું જોર ઘટી ગયુ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ઉનાળાની શરૂઆત થઈ રહી હોય તેમ ગરમી અનુભવાઈ રહી છે. બીજી તરફ હવામાનમા પલટો આવવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં શુક્રવારે અને શનિવારે કમોસમી માવઠું થશે. ગુરૂવારથી આ વિસ્તારના વાતાવરણમાં પલટો આવવા લાગશે. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં વાદળ છાયુ વાતાવરણ રહેવાની પણ હવામાન નિષ્ણાંતો દ્વારા શક્યતાઓ સેવાઈ રહી છે. આજે બુધવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રીથી વધુ નોધાયુ હતુ અને મહત્તમ તાપમાનનો પારો પણ ૩૦ ડિગ્રીને પાર રહૃાો હતો.

શહેરમાં બુધવારે લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન ૩૧.૭ ડિગ્રી નોધાયુ હતુ. રાજ્યનું સૌથી ઠંડા શહેર નલિયામાં પણ લઘુત્તમ તાપમા ઉચકાઈને ૧૩.૪ ડિગ્રીએ પહોચી ગયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ૧૮ અને ૧૯ ફેબ્રુઆરીના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પલટો આવશે અને વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે. ઉત્તર કોંકણ અને વિદર્ભમાં એક સાક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે.

જેને કારણે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ૧૮ અને ૧૯ ફેબ્રુઆરીના તાપી અને ડાંગના વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. ૧૮થી ૨૧માં અરબી સમુદ્ર તરફથી ભેજ વાળા વાદળો ગુજરાત ના કેટલાક ભાગોમાં આવવાથી માવઠું થવાની શકયતા છે. વધુ ભેજ વાળા વાદળો હશે તો ડાંગ, વલસાડ, તાપી, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે. તેમજ અરવલ્લી, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ૨૧થી ૨૩ ફેબ્રુઆરીમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમ વર્ષા અને કમોસમી વરસાદ થવાની શકયતા રહેતા સવારમાં ઠંડા પવન ફૂંકાશે.