આગામી વર્ષે રાજ્ય સરકારનું દેવું રૂ. 3.50 લાખ કરોડ કરતાં વધી જશે જે બજેટ કરતાં પણ રૂ. 1.34 લાખ કરોડ વધારે હશે

  • રજૂ થયેલ બજેટ આંકડાની માયાજાળવાળું, ચીલાચાલુ, દિશાવિહીન, નિરાશાજનક, સામાન્ય-મધ્યમ વર્ગ અને છેવાડાના લોકોને જીવન જીવવું વધુ મુશ્કેલ બનાવશે : વિપક્ષ નેતા શ્રી પરેશભાઇ ધાનાણી

અમરેલી,
વિધાનસભામાં ગૃહમાં રજૂ થયેલ વર્ષ 2021-22ના અંદાજપત્ર પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મંદી, મોંઘવારી, બેરોજગારી રાજ્યમાં અતિશય વધી ગઈ છે. પ્રજાની ખરીદશક્તિ ઘટી છે, રાજ્યમાં ઉત્પાદન ઘટયું હોવા છતાં પણ સરકારની ટેક્સની આવક વધી છે તેના કારણો શું છે ? પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસના ભાવમાં અસહ્ય વધારો, લોખંડ, સિમેન્ટ, પ્લાસ્ટીક, ફાઈબર વિગેરે જેવી ચીજ-વસ્તુઓ અને રો-મટીરીયલના આસમાને આંબતા ભાવોના કારણે પ્રજાના ખિસ્સા ખંખેરવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. કરચોરીના નામે નાના-મધ્યમ વેપારીઓને જીએસટી દંડની ગેરબંધારણીય રીતે ખોટી નોટીસો ફટકારવામાં આવે છે. આજે રજૂ થયેલ વર્ષ 2021-22ના અંદાજપત્રમાં પ્રજાને સરકાર પાસે ઘણી આશા હતી, પરંતુ આ વર્ષે પણ રજૂ થયેલ બજેટ માત્રને માત્ર આંકડાની માયાજાળવાળું, ચીલાચાલુ, દિશાવિહીન, નિરાશાજનક, સામાન્ય-મધ્યમ વર્ગ અને છેવાડાના લોકોને જીવન જીવવું વધુ મુશ્કેલ બનાવશે.
રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝમાં ઘટાડો કરી રાહત અપાશે તેવી પ્રજાને આશા-અપેક્ષા હતી, પરંતુ પ્રજાની તે આશા પણ ઠગારી નીવડી છે. આજે રજૂ થયેલ બજેટે ગુજરાત અને ગુજરાતીઓને નિરાશ કર્યા છે.