આજથી અમરેલી જિલ્લાનાં 3 કેન્દ્રોમાં વેક્સિનેશનનો શુભારંભ

  • કલેકટર શ્રી આયુષ ઓક,જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કોવીડ રસીકરણના પ્રારંભની તમામ તૈયારીઓ 
  • અમરેલીમાં સિવિલ હોસ્પીટલ તથા રાજુલા અને બગસરા આરોગ્ય કેન્દ્રો ઉપર સેવાઓ આપનારા 100-100 ફ્રન્ટ લાઈન વોરિયર્સને રસી અપાશે

અમરેલી,
આજે તા. 16 જાન્યુઆરી ના રોજ કોરોના મહામારીમાં રાત દિવસ અવિરતપણે પોતાની સેવાઓ આપનાર પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓને કોવીડ રસી મૂકવાનો પ્રારંભ થશે. અમરેલી મેડીકલ કોલેજના ઓડીટોરિયમ ખાતે સવારે 9:30 કલાકે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લામાં વેક્સિનના શુુભારંભ કાર્યક્રમ માટે અમરેલીમાં અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલીયા,રાજુલામાં સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, બગસરામાં ધારાસભ્ય શ્રી જેવી કાકડિયાની સરકાર દ્વારા નિયુકતી કરવામાં આવી છે. આ મહાનુભાવો સરકારના જનપ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેનાર છે.
જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં કોવીડ રસીકરણના પ્રારંભની તમામ તૈયારીઓ નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે પૂર્ણ કરવામાં આવી છે. ભારત સરકારના નિયત પ્રોટોકોલ અને એસ.ઓ.પી.ને ચુસ્ત રીતે અનુસરીને રસીકરણની તૈયારીઓ કરવામાં આવી છે.
આવતીકાલે રસી આપવાની કામગીરી શરૂ કરવા અમરેલી જિલ્લામાં અમરેલી સિવિલ હોસ્પીટલ, રાજુલા અને બગસરા આરોગ્ય કેન્દ્ર એમ કુલ મળી 3 સ્થળોએ રસીકરણ બુથ ઊભા કરવામાં આવ્યા છે. પ્રત્યેક સેન્ટર ખાતે અંદાજે 100 લાભાર્થીઓને જરૂરી તકેદારી સાથે રસી આપવામાં આવશે. આ કેન્દ્રો ખાતે ડીપ ફ્રીઝ અને આઇ.એલ.આર. જેવી રસીને સલામત સાચવવાની સુવિધા રાખવામાં આવી છે તેમજ રસીનો જરૂરી જથ્થો પણ પહોંચાડવામાં આવ્યો છે.
અમરેલી ખાતે સરકારી તેમજ ખાનગી દરેક ડોક્ટર, નર્સ, આશા વર્કર વગેરે મેડિકલ- પેરામેડીકલ વગેરે આરોગ્યકર્મીઓની યાદી ઉપલબ્ધ છે જેમને પ્રથમ તબક્કે વેક્સિન આપવામાં આવશે અને આ માટે વેક્સિનનો પૂરતો જથ્થો આજે અમરેલી જિલ્લાને પ્રાપ્ય થયો છે.