આજથી પવિત્ર શ્રાવણ માસનો ભક્તિમય પ્રારંભ

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં શ્રાવણ માસનો પ્રારંભ થતા ઘેલા સોમનાથ, જડેશ્ર્વર, વેરાવળ સોમનાથ, ધારી પાસે શેત્રુજી નદી કાંઠે 500 વર્ષ પુરાણા જીવન મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર શેત્રુજી નદીના કાંઠે દર્શનીય કુદરતી સ્થળ છે આશ્રમમાં ભાવસભર વાતાવરણમાં શ્રધ્ધા ભક્તિભાવ પુર્વક ભારતીય સંસ્કૃતિનું મહત્વનું પર્વ શ્રાવણ માસની ઉજવણી થશે. જેમાં મંદિરમાં કૈલાશ દર્શન, પુષ્પશ્રુંગાર, કલાત્મક રંગોળી અને વસ્ત્રાલંકારોની દર્શનીય શોભા થશે. સવારે 6 થી 12:00 સુધી અને બપોરના 3:00 થી સાંજે 8:00 સુધી શિવ પુજન અર્ચન અને રૂદ્રાભીષેકનો ભાવિકો ધર્મ લાભ લેશે. શિવજીને બિલીપત્ર, ગંગા જળ, પુષ્પો તથા વિવિધ ધાન્યોનો અભિષેક થશે. ભાવિકો દ્વારા મહાદેવજીની વિશેષ પુજા અર્ચના સામુહીક ભાવ વંદના થશે. અમરેલી શહેરમાં બિરાજતા સ્વયંભુ નાગનાથ મહાદેવ, કામનાથ મહાદેવ, કાશીવિશ્ર્વનાથ મહાદેવ, અમરેલી નજીક નાના માચીયાળા ભીમનાથ મહાદેવ સહિત જિલ્લાભરમાં શિવ મંદિરોમાં ભાવિકો પુજા આરતી દર્શનનો લાભ લેશે. લાઠી અને લીલીયા વચ્ચે બિરાજતા સ્વયંભુ અંટાળેશ્ર્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો પુજન આરતી તેમજ શ્રાવણ માસ દરમિયાન ચોર્યાસીનું આયોજન કરવામાં આવે છે તે મુજબ નિયત કાર્યક્રમો યોજાશે.અમરેલી રાજમહેલ કંપાઉન્ડ પાછળ નાગદેવતા મંદિર પુજારી હાર્દિકગીરીબાપુ અને નાગદેવતા ભકતમંડળના સહયોગથી શ્રાવણમાસ દરમિયાન રૂદ્રયાગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સોૈરાષ્ટ્રમાંથી સંતો મહંતો અને મહામંડલેશ્ર્વરો ઉપસ્થિત રહેશે.શ્રાવણ માસમાં શિવશકિતની આરાધના અનેરૂ મહત્વ આપણા ધર્મમાં બતાવવામાં આવ્યું છે.