આજથી લગ્નોનાં ઢોલ ઢબુકશે : કઠણ કોરોના પણ કાઠીયાવાડની સામાજીક પરંપરાને રોકી શકયો નહી

  • ગમે તેવો ઘટીત કે અધટીત બનાવ બને તો પણ એક વખત લેવાયેલા લગ્ન પુરા થાય તેવા કાઠીયાવાડના અતુટ નિયમ સામે કોરોનાનો ભય ગૌણ બન્યો
  • કાઠીયાવાડની અતુટ પરંપરા : એક વખત લગ્ન લખાય એટલે અટકે નહી

અમરેલી,
કાઠીયાવાડની અતુટ પરંપરા રહી છે કે, એક વખત લગ્ન લખાય એટલે અટકે નહી ચાહે ગમે તેવા વિઘ્નો આવે, ગમે તે થઇ જાય. અને તેના માટે જ આપણી સોળ સંસ્કાર પૈકીની એક વિવાહ સંસ્કારની પરંપરામાં ઝેરના મારણ તરીકે મીંઢોળ, શત્રુના સામના માટે તલવાર કે જમૈયો અને વરરાજાની ઢાલ તરીકે અણવરનો નિયમ બનાવાયો હશે વર્તમાન સમયમાં કોરોનાને કારણે આખુ વિશ્ર્વ હચમચી ગયું છે પણ આ કઠણ અને ઘાતક ગણાતો કોરોના પણ કાઠીયાવાડની સામાજીક પરંપરાને રોકી શકયો નથી.
ગમે તેવો ઘટીત કે અધટીત બનાવ બને તો પણ એક વખત લેવાયેલા લગ્ન પુરા થાય તેવા કાઠીયાવાડના અતુટ નિયમ સામે કોરોનાનો ભય ગૌણ બન્યો હોય તેમ લગ્નો માટે નિયમો સાથે સરકાર દ્વારા છુટ અપાતા છેલ્લા નવ નવ મહીનાથી અટકેલા લગ્નો લેવાનું શરૂ થઇ ગયું છે અમરેલી જિલ્લામાં ભુતકાળના એવા દાખલાઓ પણ બનેલા છે કે ઘરમાં શબ પડયું હોય તેને છાનુ રાખી કઠણ કાળજે ઘરના આંગણામાં આવેલી જાનના મહેમાનોને તાણ થતી હોય અને ફેરા ફરાતા હોય.આજે પણ 60થી 90 વર્ષ ની આખી પેઢીને પીપીઇ કીટમાં સ્મશાને પહોંચાડી રહેલો કોરોના આપણી આ વિવાહની પરંપરાને કોઇ અસર કરી શકયો નથી પણ અમુક લોકો સાવચેતી માટે લગ્નને પાછા ઠેલી રહયા છે.