આજે અમરેલીમાં પાંચ સ્થળે વેકિસનની પધ્ધતિની ટ્રાયલ

  • અમરેલીમાં પંદરેક દિવસમાં કોરોનાની રસી આવી જવાની શકયતા વચ્ચે તંત્ર દ્વારા 25 લોકો માટે સવારે 10થી12 વેકિસનના ડ્રાય રનનું આયોજન 
  • અમરેલી સિવિલ,રાધિકા હોસ્પિટલ,તાલુકા શાળા,દહીડા અને જાળીયામાં તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી : કલેકટરશ્રી અમરેલી તાલુકા શાળાએ ઉપસ્થિત રહેશે
  • જયારે કોરોનાની રસી આવે ત્યારે કેવી રીતે રસીકરણ કરવું તેના માટેની તૈયારીઓનું પરિક્ષણ થશે : પોલીસ, આરોગ્ય,શિક્ષણ વિભાગ હાજર રહેશે

અમરેલી,
અમરેલીમાં આગામી પંદરેક દિવસમાં કોરોનાની રસી આવી પહોંચવાની શક્યતા હોવાનું આરોગ્ય સુત્રોએ જણાવ્યુ છે ત્યારે વેકસીનની કામગીરી કેવી રીતે થશે તે જાણવા માટે આજે અમરેલી જિલ્લા તંત્ર દ્વારા 25 લોકોને પ્રતિકાત્મક વેકસીન આપવાની કાર્યવાહી થશે.
અમરેલી જિલ્લા વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગ દ્વારા આગામી કોરોના વેકસીનની તમામ તૈયારીઓ પુર્ણ કરી દીધેલ છે તથા તા.5-1-2021 નાં રોજ જિલ્લાનાં કુલ 5 સ્થળો અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલ, રાધીકા હોસ્પિટલ, રામજી મંદિર પાસે આવેલ તાલુકા શાળા, જાળીયા અને દહીંડા પ્રાથમિક શાળામાં ડ્રાય રનનું આયોજન કરવામાં આવેલ છે.
આ ડ્રાય રન સમયે મેડીકલ ઓફીસરશ્રી, ફાર્માસીસ્ટ, સ્ટાફનર્સ, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ વિગેરે વિભાગો તમામ સાધન સામગ્રી સાથે હાજર રહેશે. કોરોના વેકસીન લેનાર દરેક લાભાર્થીઓની કોવિડ સોફટવેરમાં એન્ટ્રી કરવામાં આવશે આ સમગ્ર કામગીરી ઉપર વરિષ્ઠ અધિકારીઓ સિધ્ધી દેખરેખ રાખશે અને સવારે 10 વાગ્યે કલેકટરશ્રી આયુષ ઓક રામજી મંદિર પાસેના તાલુકા શાળાના વેકસીન સેન્ટરની મુલાકાત પણ લેનાર છે.