આજે અમરેલીમાં સ્વ. જીતુભાઇ તળાવિયાની શોકસભા

  • પર્યાવરણ, સામાજિક, શૈક્ષણિક, રાજકીય, સાહિત્ય અને આરોગ્ય ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનારને આજે શ્રધ્ધાંજલી
  • શ્રી દિલીપભાઇ સંઘાણીની ઉપસ્થિતિમાં અમરેલી પરિવાર અને પટેલ વિદ્યાર્થી આશ્રમનું આયોજન : ગામે ગામથી સ્વ. જીતુભાઇ તળાવિયાના મિત્રો આવશે
  • પ્રકૃતિને પી જનારા સ્વ. જીતુભાઇની આંચકાજનક વિદાય ટોક ઓફ ટાઉન દેશ વિદેશથી જીતુભાઇના મિત્રો દ્વારા શોકભરી પુછપરછનો દોર સતત શરૂ

અમરેલી,
પર્યાવરણ, સામાજિક, શૈક્ષણિક, રાજકીય, સાહિત્ય અને આરોગ્ય ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર અમરેલીનાં પર્યાવરણવીદ અને ધનવંતરીનાં ઉપાસક સ્વ. જીતુભાઇ તળાવીયાનું ગઇ તા.5નાં રોજ નિધન થતા અમરેલી શહેર અને જિલ્લાને તો ભારે ખોટ પડી છે સાથે ગુજરાતભરમાં શ્રી જીતુભાઇ તળાવિયાએ પર્યાવરણ માટે કરેલી કામગીરી અને તેમના દેશ વિદેશના મિત્ર વર્તુળને પણ જબરદસ્ત ખોટ પડી છે ત્યારે દેશના દિગ્ગજ સહકારી આગેવાન અને સ્વ. જીતુભાઇ તળાવિયાના મિત્ર એવા પુર્વ કૃષી મંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણીની ઉપસ્થિતિમાં આજે તા.9 શુક્રવારે સવારે 10 કલાકે પટેલ કન્યા છાત્રાલય કેરીયારોડ અમરેલી ખાતે શોકસભા પણ અમરેલી પરિવાર તેમજ પટેલ વિદ્યાર્થી આશ્રમ દ્વારા યોજાનાર છે જેમાં ગામે ગામથી સ્વ. જીતુભાઇના મિત્રો, ચાહકો આવશે અને સ્વ. જીતુભાઇને શ્રધ્ધાંજલી પાઠવશે.
પ્રકૃતિને પી જનારા સ્વ. જીતુભાઇની આંચકાજનક વિદાય ટોક ઓફ ધ ટાઉન બની છે અને દેશ વિદેશથી પણ જીતુભાઇના મિત્રો દ્વારા શોકભરી પુછપરછનો દોર સતત શરૂ છે સૃષ્ટિના અટલ નિયમના જાણકાર અવકાશ વિજ્ઞાનના જ્ઞાતા તથા જેની પાસે દરેક સવાલનો જવાબ હોય છે તેવા સ્વ. જીતુભાઇની વિદાયનું કારણ સૌને ગળે નથી ઉતરતું.