આજે અમરેલી કલેકટરની વિ.સી.માં લોકડાઉનનો નિર્ણય

સરકાર દ્વારા જિલ્લામાં દોઢ લાખ માસ્કનું વિતરણ : આજથી પાલિકા, પોલીસ અને પંચાયતની ટીમને માસ્ક માટે કડક અમલવારીની તાકિદ કરતા કલેકટરશ્રી

એસપી સાથે બેઠક યોજતા કલેકટરશ્રી : પોલીસ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સીંગના કેસ શરૂ : શાંતાબા ગજેરા હોસ્પિટલમાં લેબ સ્ટાફ વધારાશે : રોજ 1800 આરટીપીસીઆર થશે

કલેકટરની સુચનાથી તંત્ર દ્વારા મંગળવારે 1361 આરટીપીસીઆર અને 564 રેપીડ ટેસ્ટ : આખો પરિવાર કોરોનાનો ભોગ બનતો હોય કલેકટરશ્રી દ્વારા પોઝિટિવ દર્દીના ઘેર પરિવારની ચકાસણી કરવા આદેશ : બગસરાના જુની હળીયાદ ગામના 45 વર્ષના કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીનું મૃત્યુ : જિલ્લામાં કોરોનાનાં 24 કેસ : 221 દર્દી સારવારમાં

અમરેલી,કોરોનાને અટકાવવા અને લોકોને બચાવવા માટે આજે રાજ્યના ચીફ સેક્રેટરી રાજ્યભરના જિલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સરકારના નિર્ણયની જાણ કરી રણનિતી ઘડશે તે અંતર્ગત આજે સવારે 10 વાગ્યે અમરેલી કલેકટરની વિ.સી.માં લોકડાઉનની નિતી અને નિર્ણયની જાણ કરાશે.
અમરેલી જિલ્લામાં સરકાર દ્વારા દોઢ લાખ માસ્કનું વિતરણ કરાયુ હોવાનું કલેકટરશ્રીએ જણાવ્યુ હતુ શ્રી આયુષ ઓકએ અવધ ટાઇમ્સને જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા લોકોને તેમના તરફથી (સરકાર) માસ્ક આપી તકેદારી માટે સલાહ અપાઇ હતી પરંતુ કમનસીબે તેને પુરી ગંભીરતાથી લોકોએ લીધી નથી જેથી ન છુટકે અને લોકોને બચાવવા માટે આજથી પાલિકા, પોલીસ અને પંચાયતની ટીમને માસ્ક માટે કડક અમલવારીની તાકિદ કરવામાં આવી છે દંડથી બચવા માટે લોકો માસ્ક પહેરે અને કોરોનાથી બચે તે જરૂરી છે.
દરમિયાન કોરોનાના કેસને પહોંચી વળવા માટે એસપીશ્રી નિર્લિપ્ત રાય સાથે બેઠક યોજતા કલેકટરશ્રીએ વિવિધ પગલાઓ માટે આદેશ કર્યા છે અને બીજી તરફ જિલ્લામાં પોલીસ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સીંગના કેસ શરૂ થઇ ગયા છે કલેકટરશ્રીએ જણાવ્યુ હતુ કે, અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં આરટીપીસીઆર સેમ્પલનો ઝડપથી પરિક્ષણ થાય તે માટે લેબ સ્ટાફ વધારાશે અને રોજ 1800 આરટીપીસીઆર થશે.
બીજી તરફ કલેકટરની સુચનાથી તંત્ર દ્વારા મંગળવારે 1361 આરટીપીસીઆર અને 564 રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા છે આ વખતે નવા સ્ટ્રેનમાં પોઝિટીવ દર્દીનો આખો પરિવાર કોરોનાનો ભોગ બનતો હોય જેથી કલેકટરશ્રી દ્વારા પોઝિટિવ દર્દીના ઘેર પરિવારની ચકાસણી કરવા માટે પણ ટીમ બનાવવા આદેશ અપાયો છે.
દરમિયાન આજે અમરેલીમાં સારવાર લઇ રહેલા કોરોનાનાં દર્દીઓમાં મૃત્યુનો એક બનાવ બનવા પામ્યો છે જેમાં બગસરાના જુની હળીયાદ ગામના 45 વર્ષના કોરોનાની સારવાર લઇ રહેલા પુરૂષ દર્દીનું મૃત્યુ થયુ હતુ અમરેલી જિલ્લામાં કોરોનાનાં 24 કેસ નોંધાયા છે અને 221 દર્દી સારવારમાં છે તથા 33 દર્દીઓ કોરોના મુક્ત થયા છે અને કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 4300 થઇ છે.