આજે પણ અમરેલી જિલ્લાના વડીયા શહેરમાં ઇંડા-માંસની દુકાન નથી

આજે માંસાહારને કારણે આવેલો કોરોના વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી માનવજાતનું નિકંદન કાઢી રહયો છે અને માંસાહારી લોકો પણ ફરજીયાત માંસાહાર છોડવા મજબુર થઇ રહયા છે પણ તમે એ જાણીને ચોંકી ઉઠશો કે આજની તારીખે કોઇ પ્રતિબંધ ન હોવા છતા આજે પણ અમરેલી જિલ્લામાં આવેલા વડીયા શહેરમાં ઇંડા-માંસની એક પણ દુકાન નથી !
વડીયા સ્ટેટમાં રાજાશાહી વખતથી વડીયા શહેરમાં દારૂ અને માંસના સેવન અને વેંચાણ ઉપર પ્રતિબંધ હતો. તા. 1-7-1930ના વડીયા સ્ટેટના દરબાર શ્રી સુરગવાળા બાપુએ દારૂબંધીનું જાહેરનામુ જારી કરેલ અને વડીયા શહેરમાં આજની તારીખે દોઢસો જેટલા મુસ્લીમોના ઘર હોવા છતા પણ ગામમાં માંસ નથી વેંચાતું.
જૈનોના વિખ્યાત યાત્રાધામ એવા પાલીતાણામાં પણ એક સમયે માંસ વેચાતું હતું પણ આઝાદી પહેલાથી આજ સુધી વડીયામાં કયારેય ગામમાં માંસ તો ઠીક પણ ઇંડાનું પણ વેંચાણ થતું નથી.
વડીયાના સરપંચ કહે છે કે, અમારા ગામમાં આજે પણ રાજાશાહી વખતની આ પરંપરા જળવાઇ છે જો કે ગામની બહાર એટલે કે, નગર પાલિકાની હદ બહાર બારોબાર અમરનગર રોડ અને ચારણીયા રોડ ઉપર ઇંડાની લારી રહે છે પણ ગામમાં છે મનાઇ.
નમુનેદાર એવા વડીયા ગામમાં 1938ની સાલમાં સ્થપાયેલી નગરપાલિકામાં આજે પણ નમુનેદાર લોકકાર્યો થાય છે અને એક જ દાખલો જોઇએ તો ગામમાં જો સફાઇના વાહનનો ડ્રાયવર ન આવ્યો હોય તો વડીયાના સરપંચ શ્રી છગનલાલ ઢોલરીયા ગામધણી હોવા છતા કોઇ આડંબર રાખ્યા વગર જાતે જ કચરાના કલેકશનનું ટ્રેકટર લઇ અને ગામમાંથી ડોર ટુ ડોર કચરો કલેકટ કરાવીને જાતે સફાઇ જાળવે છે જે કદાચ અમરેલી જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ છે.