અંતે બ્રિટનની ગાદી પર કોણ બેસશે તેનો ફેંસલો થઈ ગયો અને ૪૭ વર્ષનાં એલિઝાબેથ ટ્રસ ઉર્ફે લિઝ ટ્રસ બ્રિટનના નવા વડાં પ્રધાન બનશે એવી સત્તાવાર જાહેરાત થઈ ગઈ. લિઝ ટ્રસ સામે ભારતની જાયન્ટ અને વિખ્યાત આઈટી કંપની ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ અને ભારતીય મૂળના બ્રિટિશ રાજકારણી ઋષિ સુનક મેદાનમાં હતા પણ લિઝ ટ્રસ ઋષિ સુનકને હાર આપી છે. બ્રિટનના વડા પ્રધાનપદેથી ૭ જુલાઈએ બોરિસ જોનસને રાજીનામુ આપ્યુ પછી કંઝર્વેટીવ પાર્ટીમાં વડાપ્રધાનપદ માટે જોરદાર મુકાબલો થયો હતો. એક પછી એક હરીફો હટતા ગયા પછી છેલ્લે લિઝનો સામનો ભારતીય મૂળના ઋષિ સુનક સામે થયો હતો.
કંઝર્વેટિવ પાર્ટીના સાંસદોના વોટિંગમાં પાંચ રાઉન્ડમાં સુનકે લિઝ ટ્રસને હાર આપી હતી તેથી સુનકના જીતવાની સૌને આશા હતી પણ અંતિમ નિર્ણય પાર્ટીના અંદાજે ૧.૬૦ લાખ રજિસ્ટર્ડ મેમ્બર્સ કરવાના હતા. પાર્ટીના અંદાજે ૧.૬૦ લાખ સક્રિય સભ્યોએ બંનેમાંથી એકને ચૂંટવા વોટીંગ કયુર્ં હતું ને તેમાં લિઝ બાજી મારી ગયાં. લિઝ ટ્રસને ૮૧,૩૨૬ મત મળ્યા જ્યારે ઋષિ સુનકને ૬૦,૩૯૯ મત મળતાં છેવટે લિઝ બોરિસ જોનસનની જગ્યા લેશે એ નક્કી થઈ ગયું. લિઝ ટ્રસની બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર તરીકે વરણી એક મહત્વની ઘટના છે કેમ કે બ્રિટનને લાંબા સમય પછી ફાયરબ્રાન્ડ નેતા વડાપ્રધાન તરીકે મળ્યાં છે. લિઝ અત્યંત આક્રમક નેતા છે તેથી જ સામાન્ય પરિવારમાંથી આવતાં હોવા છતાં સંઘર્ષ કરીને પોતાની જગા બનાવી છે.
૪૬ વર્ષનાં લિઝ ટ્રસનું પૂરું નામ એલિઝાબેથ મેરી ટ્રસ છે. લિઝનો જન્મ ૧૯૭૫માં ઓક્સફર્ડમાં થયો હતો. પિતા ગણિતના પ્રોફેસર હતા અને માતા નર્સ હતાં. શિક્ષક પિતા અને નર્સ માતાની પુત્રી લિઝ રાજકારણમાં આવતાં પહેલાં એકાઉન્ટન્ટ હતાં. જો કે લિઝ પહેલેથી બળવાખોર વિચારો ધરાવતાં હતાં. ૧૯૯૪માં તેમણે બ્રિટિશ રાજાશાહીનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. આ કારણે પોતાની પાર્ટીમાં વિરોધનો સામનો કરવો પડેલો ને ટિકિટ ના મળી પણ તેનાથી ડર્યા વિના તેમણે સંઘર્ષ ચાલુ રાખ્યો. છેવટે તેમને પક્ષે ટિકિટ આપવી પડી ને ટ્રસ ૨૦૧૦માં પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયાં હતાં. ટ્રસ લેબર પાર્ટીના ગઢ મનાતા સાઉથ વેસ્ટ નોર્થફોકનાં સાંસદ છે તેના પરથી પણ તેમની લડાયકતાનો ખ્યાલ આવે. લિઝે પોતાની કામગીરીના કારણે ઝડપથી પ્રગતિ કરી અને વિદેશ મંત્રી સહિતના મહત્વના હોદ્દા પર પહોંચ્યાં છે.
ટ્રસ બે વર્ષ માટે આંતરરાષ્ટ્રીય વ્યાપાર મંત્રી પણ હતાં. ગયા વર્ષે તેમને યુરોપિયન યુનિયન સાથે વાટાઘાટો કરવાનું મુખ્ય કાર્ય સોંપવામાં આવ્યું હતું. બ્રિટનમાં બહુ ઓછી મહિલાઓ રાજકારણમાં ઊંચા હોદ્દા પર પહોંચી છે પણ ટ્રસ પોતાની તાકાત પર જગા કરતાં ગયાં. બ્રિટન આપણને મુક્ત દેશ લાગે પણ એ અત્યંત રૂઢિચુસ્ત છે. ટ્રસ બ્રિટનનાં માત્ર ત્રીજાં મહિલા વડાપ્રધાન હશે તેના પરથી જ તેની રૂઢિચુસ્તતાનો ખ્યાલ આવે. આ પહેલા માર્ગરેટ થેચર અને થેરેસા મે પ્રાઈમ મિનિસ્ટર પદ ઉપર રહી ચૂક્યાં છે. હવે લિઝ ત્રીજા મહિલા પ્રાઈમ મિનિસ્ટર બનશે.
લિઝ માર્ગારેટ થેચરને પોતાના આદર્શ માને છે. થેચરના રસ્તે ચાલીને તેમણે પોતાનું કેમ્પેઈન ચલાવેલું. સુનક સામે જીતવા તેમણે પોતાનો ફોટો વાયરલ કરાવેલો કે જેમાં તેઓ ટેન્ક પર બેઠાં હતાં. ૧૯૮૬માં બ્રિટનનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન માર્ગારેટ થેચરનો પણ આવો જ ફોટો સામે આવ્યો હતો. બ્રિટનની ક્ધઝર્વેટિવ પાર્ટીના સભ્યો લિઝની આ અદા પર જ વારી ગયા છે. સુનકને બદલે લિઝ બ્રિટનનાં વડાં પ્રધાન બન્યાં એ ભારત માટે પણ સારા સંકેત મનાય છે. સુનક તેમની ભારત વિરોધી નીતિઓ માટે જાણીતા છે. સુનક ભારતીયો સહિતના વિદેશીઓને બ્રિટનમાં પ્રવેશ આપવાની તરફેણમાં નથી જ્યારે ટ્રુસ હળવી વિઝા નિતિમાં માને થછે. ટ્રસ બ્રિટનમાં વિદેશમંત્રી રહી ચૂક્યાં છે અને બંને દેશના સંબંધને નવી ઊંચાઈએ પહોંચાડવામાં તેઓ મદદરૂપ સાબિત થયાં છે, એટલે ભારત-બ્રિટનના સંબંધ વધુ સારા થવાની આશા છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં કોઈપણ બ્રિટિશ વડા પ્રધાને ભારત તરફ ધ્યાન નથી આપ્યું પણ ટ્રસ ભારતને નહીં અવગણે એવી આશા છે. અલબત્ત ભારત જે રીતે આર્થિક મહાસત્તા બની રહ્યું છે એ જોતાં ભારતને કોઈ ધ્યાના ના આપે તો પણ બહુ ફરક પડવાનો નથી. અલબત્ત ભારત પહેલાં પણ લિઝ સાથે કામ કરી ચૂક્યું છે તેથી કામકાજમાં સરળતા રહેશે. બાકી હવે ભારતે બ્રિટન પાસેથી કોઈ મોટો લાભ લેવાનો નથી કેમ કે બ્રિટન હવે પહેલાં જેવી જોરદાર આર્થિક મહાસત્તા જ નથી.
લિઝ ટ્રસના આગમનથી બ્રિટનમાં નવી આશાનો સંચાર થશે કેમ કે બ્રિટન અત્યારે આર્થિક રીતે તકલીફોના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. બોરિસ જનસનની નીતિઓના કારણે બ્રિટનને બહુ ફટકો પડેલો. લિઝે પોતાનાં આદર્શ માર્ગારેટ થેચરની જેમ બ્રિટનને આ મુશ્કેલ ઘડીમાંથી બહાર કાઢવાનું છે. ટ્રસે વચન આપ્યું છે કે તેઓ આવકવેરામાં ૧.૨૫% સુધી કાપ મૂકશે. આ બધાં વચનોનું પાલન કરશે તો તેમને વાંધો નહીં આવે.
લિઝ ટ્રસના આગમનથી બ્રિટનમાં નવી આશાનો સંચાર થશે કેમ કે બ્રિટન અત્યારે આર્થિક રીતે તકલીફોના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. બોરિસ જનસનની નીતિઓના કારણે બ્રિટનને બહુ ફટકો પડેલો. લિઝે પોતાનાં આદર્શ માર્ગારેટ થેચરની જેમ બ્રિટનને આ મુશ્કેલ ઘડીમાંથી બહાર કાઢવાનું છે. ટ્રસે વચન આપ્યું છે કે તેઓ આવકવેરામાં ૧.૨૫% સુધી કાપ મૂકશે. આ બધાં વચનોનું પાલન કરશે તો તેમને વાંધો નહીં આવે.
બાકી બોરિસ જોનસનની જેમ લોકોને લૂંટવાનું કામ કરશે તો નહી ટકે. બ્રિટનમાં બોરિસ જોનસને પણ શરૂઆતમાં જોરદાર આશા ઉભી કરેલી પણ અંતે એ નબળા સાબિત થયા. બ્રિટનમાં નેતૃત્વ માટે આવી ચૂંટણી ૨૦૧૯માં યોજાઈ ત્યારે ૧૦ ઉમેદવાર મેદાનમાં હતા. પ્રથમ તબક્કાના મતદાન બાદ બોરિસ જોનસન અને ભૂતપૂર્વ આરોગ્ય સચિવ જેરેમી હંટે બે ઉમેદવાર બચ્યા હતા. બીજા તબક્કામાં જ્યારે પક્ષના સભ્યોએ તેમના મત આપ્યા, ત્યારે જોનસનને બે તૃતીયાંશ મત મળ્યા હતા. એ વખતે પાર્ટીના લોકોને લાગેલું કે બોરિસ દેશ માટે સારા સાબિત થશે પણ ત્રણ વર્ષમાં આ આશા ઠગારી સાબિત થઈ ગઈ. બોરિસે લોકોને તો લૂંટ્યા જ પણ સેક્સ સ્કેન્ડલ સહિતનાં એટલાં લફરામાં પડ્યા કે છેવટે બેઆબરૂ થઈ ગાદી છોડવી પડી. આ વખતનાા કિસ્સામાં એવું ન થાય એવી આશા રાખીએ. ટ્રસનો ઈતિહાસ જોતાં એવું થવાની શક્યતા ઓછી છે પણ પછી તો રામ જાણે.