આપણે ત્યાં મોટા ભાગે તો કકળાટના સમાચાર વધારે હોય છે પણ ક્યારેક એવા સુખદ આંચકા પણ મળે કે જે સાંભળીને વિશ્ર્વાસ ના થાય. મંગળવારે મૂળ અમરેલીના પણ અમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાતી ફિલ્મ સર્જક પાન નલિનની ગુજરાતી ફિલ્મલાસ્ટ ફિલ્મ શો, છેલ્લો શો’ને ઓસ્કર એવોર્ડ્સ માટે ભારતની ઑફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ કરાઈ ત્યારે આવો જ સુખદ આંચકો લાગી ગયો. આ વર્ષે ઑસ્કર એવોર્ડ્સ માટેની ભારતની સત્તાવાર એન્ટ્રી બનવા જોરદાર સ્પર્ધા હતી. એસ. એસ. રાજામૌલિની ‘આરઆરઆર’ અને વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જેવી દમદાર ફિલ્મો ઓસ્કાર એવોર્ડ્સ માટે ભારતીય એન્ટ્રી બનવાની રેસમાં હતી. બોક્સ ઑફિસ પર નોટોનો વરસાદ કરનારી એસ. એસ. રાજામૌલિની ‘આરઆરઆર’ અને કાશ્મીરી પંડિતોની વેદનાને વાચા આપતી અને બોક્સ ઓફિસ પર કોઈએ ધાર્યું ના હોવા છતાં સુપરહિટ ગયેલી વિવેક અગ્નિહોત્રીની અનુપમખેર-પલ્લવી જોશી સ્ટારર ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બંનેની વાર્તામાં દમ છે. બંને ટેક્નિકલી જોરદાર ફિલ્મો હોવાથી તેમાંથી કોઈ એક ફિલ્મના સિલેક્ટ થવાની શક્યતા હતી.
આ ઉપરાંત તેલુગુ રોમેન્ટિક હિટ ફિલ્મ ‘શ્યામ સિંઘા રોય’ પણ રેસમાં હતી. કીર્તિ રેડ્ડી, સાઈ પલ્લવી, નાની સ્ટાર્સની આ ફિલ્મે પણ ધૂમ મચાવી છે. મલયાલમ સુપરસ્ટાર ફહાદ ફાસિલની ફિલ્મ ‘મલયાંકુંજુ’ પણ રેસમાં હતી પણ ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાની જ્યુરીએ ફાઇનલી એક ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ પર પસંદગીનો કળશ ઢોળ્યો ને ઈતિહાસ રચાઈ ગયો.આ પંસદગી ઈતિહાસસર્જક ઘટના છે કેમ કે કોઈ ગુજરાતી ફિલ્મ ઓસ્કારની રેસમાં સામેલ થાય એવું પહેલી વાર બનશે. ગુજરાતી ફિલ્મના ઈતિહાસમાં બહુ ઓછા પ્રસંગ એવા આવ્યા છે કે જ્યારે કોઈ ગુજરાતી ફિલ્મની રાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાઈ હોય. ૨૦૧૯માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળતાં ઈતિહાસ સર્જાયો હતો કેમ કે ‘હેલ્લારો’ શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો નેશનલ એવોર્ડ જીતનારી પહેલી ગુજરાતી ફિલ્મ બની હતી. અભિષેક શાહ નિર્દેશિત ‘હેલ્લારો’ ફિલ્મ કચ્છની મહિલાઓના જીવન પર આધારિત છે.
આ ફિલ્મમાં નીલમ પંચાલે મુખ્ય ભૂમિકા ભજવી છે. એ જ વર્ષે નર્મદા નદીના બેકગ્રાઉન્ડમાં બનેલી ફિલ્મ ‘રેવા’ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો.
જો કે ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય એવોર્ડ મળે તેના કરતાં પણ મોટી ઘટના આંતરરાષ્ટ્રીય ફલક પર કોઈ ગુજરાતી ફિલ્મ જાય એ છે. ‘લાસ્ટ ફિલ્મ શો’એ એ કામ કરી બતાવ્યું છે ને આ ગુજરાતી ફિલ્મ આવતા વર્ષે અમેરિકાના લોસ એન્જલસ ખાતે યોજાનારા ‘એકેડમી અવોર્ડ્સ’ યાને કે ‘ઑસ્કર એવોર્ડ્સ’માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે એ ઘટના ગુજરાતી ફિલ્મના ઈતિહાસમાં જ નહીં પણ ગુજરાતના ઈતિહાસમાં પણ સુવર્ણ અક્ષરે લખાય એવી છે.
ભારતમાં આ ફિલ્મ રિલીઝ થઈ નથી તેથી ફિલ્મ કેવી હશે એ વિશે કશું પણ કહેવાનો મતલબ નથી પણ આ ફિલ્મ બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ’ની કેટેગરીમાં વિશ્વભરની ફિલ્મો સાથે સ્પર્ધામાં ઊતરશે ત્યારે દરેક ગુજરાતીની છાતી ગજ ગજ ફૂલશે તેમાં શંકા નથી. ભારતમાં ૧૪ ઓક્ટોબરે આ ‘છેલ્લો શો’ ફિલ્મ રિલીઝ થવાની છે તેથી જેમને રસ હોય એ લોકો ફિલ્મની મજા માણી પણ શકશે. ગુજરાતમાં ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં ઘણા દેશોમાં આ ફિલ્મ રીલીઝ થઈ ચૂકી છે. છેલ્લો ફિલ્મ શો એવી પહેલી ભારતીય ફિલ્મ છે કે જેને કોઈ અમેરિકન કંપનીએ ખરીદી હોય. અમેરિકન ફિલ્મ કંપની સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સ આ ફિલ્મને ખરીદીને રિલીઝ કરી ચૂકી છે. જાપાનમાં શોચીકુ ફિલ્મ્સ અને ઇટાલીમાં મેડુસા ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મ ખરીદવામાં આવી છે. જાપાન અને ઈટાલીમાં પણ આ ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મ સ્પેનિશમાં ડબ થઈ છે એ જોતાં ફિલ્મ પહેલાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડી ચૂકી છે. હવે ભારતમાં આવી રહી છે.
આ ફિલ્મ રિલીઝ થશે ત્યારે એ કેવી છે તેની વાત કરીશું પણ અત્યારે વાત ફિલ્મના સર્જક એવા ગુજરાતી પાન નલિનની કરી લઈએ. પાન નલીનનું મૂળ નામ નલીન કુમાર પંડયા છે. નલિન પંડ્યાનો જન્મ અમરેલી પાસેના અડતાલા ગામમાં થયો હતો. અમરેલીના ખિજડિયા જંક્શન રેલવે સ્ટેશન પર તેમના પિતાની ચાની દુકાન હતી અને પાન નલીન પણ ત્યાં કામ કરતા. પાન નલીન ૧૨ વર્ષની વય સુધી પિતાને ચાની દૂકાનમાં મદદ કરતા હતા પણ મૂળ જીવ કલાનો હતો. નલીનને નાના હતા ત્યારે શાળાએ જવા કરતા પેઈન્ટિંગ્સ કરવાની વધારે મજા આવતી હતી. નલીનને ફિલ્મોમાં પણ રસ હતો તેથી વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાંથી ફાઈન આર્ટનો કોર્સ કર્યો. વડોદરામાં તેમની દુનિયા ખૂલી ગઈ અને વિશ્ર્વમાં કેવી ફિલ્મો બને છે તેનો અહેસાસ થતાં ફિલ્મ સર્જનમા રસ પડી ગયો.
આ વરસો પહેલાંની વાત છે. એ વખતે ફિલ્મ સર્જનને લગતાં ઈન્સ્ટિટ્યુટ્સ બહુ ઓછાં હતાં પણ નલીને તાલીમ લીધા વગર માત્ર પુસ્તકો વાંચીને ફિલ્મમેકિંગની ટેક્નિક શીખવા માંડ્યાં. આર્કિટેક્ચર અને ડિઝાઈનિંગના પુસ્તકોના પણ વાંચતા. વડોદરામાંથી ભણી રહ્યા પછી પાન નલીન અમદાવાદમાં એનઆઈડીમાં અભ્યાસ કરવા આવ્યા ત્યારે વિશ્ર્વવિખ્યાત ગુજરાતી આર્કિટેક બાલકૃષ્ણ દોશીને મળ્યા. દોશીને કારણે તેમનાં સપનાંને પાંખો મળી. નલીને ભણી રહ્યા પછી થોડો સમય લગ્નની વિડિયોગ્રાફી પણ કરી હતી. ધીમે ધીમે ફિલ્મમેકિંગ ટેક્નિકમાં કુશળતા મેળવી પછી જૂના કેમેરામાંથી કેટલીક ફિલ્મો બનાવી. એ પછી અમેરિકા ગયા ને બ્રિટન સહિત યુરોપમાં પણ રહ્યા. પછી ભારત આવીને ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. ડોક્યુમેન્ટરી ફિલ્મોની સફર ફીચર ફિલ્મો સુધી લઈ ગઈ.
નલીને બનાવેલી સમસારા, વેલી ઓફ ફ્લાવર્સ, ફેઈથ કનેક્શન જેવી ફિલ્મો દુનિયાભરમાં વખણાઈ છે ને હવે ૨૦૨૧માં બનાવેલી છેલ્લો શો ઓસ્કાર એવોર્ડ માટેની રેસમાં ઉતરશે. ગુજરાતીમાં કહેવત છે કે, મન હોય તો માળવે જવાય. નલીને આ કહેવતને સાચી ઠેરવી છે. ગુજરાતી ફિલ્મને આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકાવીને ગુજરાતને ગૌરવાન્વિત કર્યું છે. આશા રાખીએ કે, આ ફિલ્મ ઓસ્કાર એવોર્ડ પણ જીતે, ગુજરાતના નામે નવો ઈતિહાસ લખાય કેમ કે હજુ સુધી કોઈ ભારતીય ફિલ્મ ઓસ્કાર એવોર્ડ નથી જીતી.