આપણા ગૌરવંવતા સ્વાતંત્ર્ય સેનાનીઓ સમગ્ર દેશ માટે પ્રેરણાસ્ત્રોત છે : કલેક્ટર

અમરેલી,
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર રાજ્યમાં દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. માતૃભૂમિ કાજે અનેક વીર વીરાંગના, સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું સમગ્ર જીવનનું બલિદાન રાષ્ટ્રને આઝાદ કરવામાં આપ્યું છે. સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન એ ગૌરવની ક્ષણો છે. ભારત આજે આઝાદીના 75 વર્ષની ભવ્ય ઉજવણી કરી રહ્યું છે.રમત ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર અમરેલી દ્વારા જિલ્લા સેવા સદન, અમરેલી ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માનનો કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જિલ્લાના પાંચ સ્વાતંત્ર્ય સેનાની અને તેમના પરિવારજનોનું શાલ ઓઢાડી સ્મૃતિ ચિન્હ આપીને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.
જિલ્લાના સન્માનનીય સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઉમંગરાય છાટબારનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની અને મૃત્તક સર્વશ્રી દ્વારકાદાસ દેસાઈ, શ્રી વ્રજલાલ શાહ, શ્રી જશવંતરાય જાની, શ્રી ગુલામ રસુલભાઈ કાઝીના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યુ અને જિલ્લા વહીવટી તંત્રએ તેમનું સન્માન કરી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત રાષ્ટ્ર માટે સ્વાતંત્ર્ય સેનાનીઓના અમૂલ્ય બલિદાન બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.
વર્ષ 1947માં ભારત આઝાદ થયું. આઝાદી બાદ પણ કેટલાક વર્ષો સુધી દીવ-દમણમાં વિદેશી સત્તા શાસન કરતી હતી. સન્માનનીય સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઉમંગરાય છાટબારે દીવ સ્વાતંત્ર્ય લડતને યાદ કરીને સંસ્મરણો તાજા કર્યા હતા. તેમણે સંસ્મરણો વાગોળતા જણાવ્યુ હતુ કે, અમે 350 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ દીવને આઝાદ કરાવવા માટે દીવના કિલ્લા પર ચડીને ગાંધી ચિંધ્યા માર્ગે અહિંચક લડત ચલાવી હતી અને દીવને આઝાદ ભારત સાથે જોડ્યું હતુ.
જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, આપણા ગૌરવંવતા સ્વાતંત્ર્ય સેનાનીઓ સમગ્ર દેશ માટે પ્રેરણાસ્ત્રોત છે ઉપરાંત ઉમેર્યુ કે, દેશ આઝાદ થયો અને આપણે સતત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ગતિ કરી રહ્યા છીએ. આજે આપણા માટે આ ગૌરવની ક્ષણો છે કે, આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને સન્માનિત કરી રહ્યા છીએ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશ જોષીએ કર્યુ હતુ.સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માન કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, નાયબ જિલ્લા પોલીસ અધિકારીશ્રી શ્રી અશોકસિંહ ગોહિલ, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી કુરેશી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ સહિતના અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.