આપણા રસ્તાઓ એટલે ભ્રષ્ટાચારનો એક્સપ્રેસ હાઇવે

  • વિદેશોમાં રસ્તાઓ કેમ નથી તુટતા ? : આપણે ત્યાં જ કેમ તુટે છે ? 
  • ભારે વરસાદ પડે કે અતિવૃષ્ટિ થાય એટલે તરત ગુજરાતના રસ્તાઓ અને દેશના રસ્તાઓ પણ ધોવાય જાય છે પણ વિદેશમાં સતત વરસાદથી રસ્તા કેમ ધોવાતા નથી ?
  • રસ્તાઓ અને બાંધકામમાં ભ્રષ્ટાચાર બંધ થાય તો એટલી બચત થાય કે આવક વેરો ન ઉઘરાવવો પડે : ડાઉન ટેન્ડર અને ટકાવારીએ દાટ વાળ્યો છે : નવી પોલીસીની જરૂર છે

અમરેલી,
દર ચોમાસે અખબારો અને ટીવીમાં સૌથી વધારે સમાચાર અને લોકોની ફરિયાદ એ હોય છે કે રસ્તાઓ તુટી ગયા, ખાડાઓ પડી ગયા પણ આપણે ત્યાં તો ચાર મહિના ચોમાસુ હોય છે પણ ઠંડા પ્રદેશોમાં બારેય મહિના વરસાદ પડતો હોય છે આવા દેશોમાં રસ્તાઓ કેમ નથી તુટતા ? અને આપણે ત્યાં જ કેમ તુટે છે ? તેનો ઉકેલ લાવવા માટે સરકાર દ્વારા જેમ નવી શિક્ષણ નિતી આવી તેવી જ રીતે બાંધકામ અને સડકના નવા માપદંડો અને પોલીસી હોવી જોઇએ અને તેના અભાવે અત્યારે આપણા રસ્તાઓ એટલે ભ્રષ્ટાચારનો એક્સપ્રેસ હાઇવે સાબિત થયા છે માત્ર રસ્તા નહી પણ તમામ સરકારી બાંધકામમાં પણ આજ સ્થિતી છે.
જ્યારે જ્યારે ભારે વરસાદ પડે કે અતિવૃષ્ટિ થાય એટલે તરત ગુજરાતના રસ્તાઓ અને દેશના રસ્તાઓ પણ ધોવાય જાય છે અને એકાદ વર્ષ સુધી સતત રજુઆત કરવા પછી માંડ ખાડાઓ બુરાય છે ત્યારે વિદેશમાં સતત વરસાદથી રસ્તા કેમ ધોવાતા નથી ? તેનું કારણ એ છે કે રસ્તાઓ અને બાંધકામમાં ભ્રષ્ટાચાર બંધ થાય તો આ પ્રશ્ર્ન હલ થાય તેમ છે અને તેનાથી એટલી બચત થાય એમ છે કે આવક વેરો પણ ન ઉઘરાવવો પડે.
બાંધકામો અને રસ્તાઓના કામોમાં ડાઉન ટેન્ડર અને ટકાવારીએ દાટ વાળ્યો છે આના માટે નરેન્દ્રભાઇ મોદી દ્વારા નવી પોલીસીની જરૂર છે જેનાથી આઝાદીના 70 વર્ષે પણ આપણને મળવી જોઇતી રસ્તાની પાયાની સુવિધા મળી શકે અને એક વર્ષ સુધી જો આ ક્ષેત્રનો ભ્રષ્ટાચાર બંધ થાય તો પાંચ વર્ષ સુધી ઘેર ઘેર ઘીના દીવા થઇ શકે.

સડક અને બાંધકામ ભ્રષ્ટાચારનો સૌથી મોટો ધોરીયો છે

દેશમાં સડક અને બાંધકામના કામો ભ્રષ્ટાચારનો મોટો ધોરીયો છે અને આમા સરકારી અધિકારીઓ જે તે વિસ્તારના પ્રજાના પ્રતિનીધીઓ અને કેટલાય એક્ટીવીસ્ટોના ઘર ભરાય છે અને મારી તમારી જેવાના ટેક્સના પૈસા આમા ચાલ્યા જાય છે.

એકલા અમરેલી જિલ્લામાં જ બાંધકામને લગતા કામ માટે 200 જેટલા કોન્ટ્રાકટરો છે

માર્ગ મકાન વિભાગના કોન્ટ્રાકટરોનું અપગ્રેડેશન રાજકોટ એસી ઓફીસમાંથી થાય છે ત્યાં અમરેલી જિલ્લાની નોંધણી મુજબ અમરેલી જિલ્લામાં ઇ વન વર્ગના 152 કોન્ટ્રાકટરો અને ડબલ એ સર્ટીફીકેટ ધરાવતા 8 કોન્ટ્રાકટરો તથા જિલ્લામાં બાંધકામ મજુર સહકારી મંડળીઓ અંદાજિત 25 જેટલી છે પરંતુ એવુ પણ જાણવા મળ્યુ છે મંડળીઓ હવે રીન્યુઅલ માટે આવતી નથી તેથી મોટાભાગના કામો કોન્ટ્રાકટરોને જતા હોય છે.

આને કારણે 50 ટકા નાણા ભ્રષ્ટાચારમાં જાય છે અને બાકીના 50 ટકા સાવ નકામા જાય છે

રસ્તા અને બાંધકામોમાં ડાઉન ટેન્ડરોની પ્રથાને કારણે અને નબળા કામને કારણે આપણા એક રૂપીયામાંથી 50 પૈસા કોન્ટ્રાકટરો અને અધિકારીઓ તથા રાજકીય પદાધિકારીઓ ખાઇ જાય છે જ્યારે બાકીના 50 પૈસાનું વળતર આપણે મળવુ જોઇએ તે પણ ખરાબ કામને કારણે નથી મળતુ અને એ 50 પૈસા નથી ભ્રષ્ટાચારીઓને મળતા કે નથી આપણને (પ્રજાને) મળતા

આઝાદીના 50 વર્ષ સુધી કોંગ્રેસ અને 20 વર્ષ સુધી ભાજપે આ મુદે કોઇ પગલા ભર્યા નથી

વિજળી, પાણી અને રસ્તાએ માનવીઓની મુળભુત જરૂરીયાત અને અધિકાર છે પણ કમનસીબે આઝાદી મળ્યા પછી 50 વર્ષના કોંગ્રેસના શાસનમાં અને કોંગ્રેસના 20 વર્ષના ભાજપના શાસનમાં રસ્તાની પોલીસીમાં કોઇ નોંધપાત્ર સુધારો થયો નથી હવે નરેન્દ્રભાઇ દ્વારા થતા સુધારાઓથી આમ આદમીને આશા બંધાઇ છે તેમની એક પોલીસી દેશની કરોડો કીલોમીટરમાં પથરાયેલી સડકની કાયાપલટ કરી શકશે

કોરોના તો કશુ નથી પણ ખરાબ રસ્તાઓને કારણે અકસ્માતમાં વર્ષે લાખો લોકો જીવ ગુમાવે છે

કોરોનાને કારણે જે મૃત્યુ થઇ રહયા છે તેના કરતા તો વધારે મૃત્યુ દર વર્ષે દેશમાં ખરાબ માર્ગોને કારણે અને અકસ્માતોને કારણે થાય છે નવા રસ્તા બને નહી તો તેની સાથે સંકળાયેલા લોકોના ઘર ભરાય નહી તેથી કામો ઓછી કિંમતના અને નબળા થાય છે.

100 રૂપીયાનું કામ 70 રૂપીયામાં કરાવો એટલે લોટ પાણીને લાકડા જ થાય

દાખલા તરીકે અમરેલીમાં ટાવરથી રાજકમલ સુધીનો રસ્તો 10-20 વર્ષ સુધી ટકે તેવો કરવો હોય તો તેમાં વપરાતું મટીરીયલ ઓછામાં ઓછુ 50 લાખનું જોઇએ પણ હવે આ ટેન્ડર 40 લાખ રૂપીયામાં અપાય તો કોન્ટ્રાકટર 10 લાખ ઘરના તો નહી જોડે ? આમા તેણે પણ કમાવવાનું હશે કોઇકને ટકાવારી દેવાની હશે ત્રણ વર્ષ સુધી મેન્ટેનન્સ માટે (ખાડાઓ પુરવા) નાણા રાખવાના હોય એનું પરિણામ છ મહિના વર્ષ દિવસમાં રોડનું સત્યાનાશ.

અર્થતંત્રનો સૌથી મોટો હિસ્સો બાંધકામ અને સડકનો છે તેની નવી નિતી જરૂરી

નરેન્દ્રભાઇ મોદી સરકાર દ્વારા જેવી રીતે વિવિધ ક્ષેત્રોની અંદર નવી નિતીઓ મુકવામાં આવી છે જેના કારણે તેમાં સુધારા આવ્યા છે અને આવશે પણ ડાયરેક્ટ સબસીડી, ઓનલાઇન પેમેન્ટ જમા, જીએસટી જેવા શ્રેણીબધ્ધ સુધારા કરાયા છે તેના કારણે આપણા જે નાણા બચે છે તેના કરતા કેટલાય ગણા વધારે બાંધકામ અને સડકોની નિતીમાં સુધારો કરવામાં આવે તો વધશે કારણકે આપણો સૌથી મોટો ખર્ચો બાંધકામો અને સડક છે.

આખા ગુજરાતમાં સૌથી વધુ ડાઉન ટેન્ડર અમરેલી જિલ્લામાં

નવાઇની બાબત એ છે કે આખા ગુજરાતમાં સૌથી વધારે હરીફાઇ અને નીચા ભાવે ટેન્ડરો અમરેલી જિલ્લામાં જ ભરાય છે અને મંજુર થાય છે એનું પરિણામ આપણા સૌની નજર સામે છે અને આમા બને છે એવુ કે શહેરની એક સડકમાં ત્રણ વર્ષની ગેરેન્ટી હોય છે કોન્ટ્રાકટર 50 લાખનું કામ 10 લાખમાં પુરૂ કરી નાખે છે 20 લાખ રૂપીયા સાચવીને રાખી મુકે છે 20 લાખ રૂપીયા કમાય છે અને એમાંથી કોઇને કંઇ આપે છે હવે જ્યારે રોડ તુટે ત્યારે તેની ગેરેન્ટી હોય છે અને તે પેટે તેને ડીપોઝીટ જમા કરાવી હોય છે તે ત્રણ વર્ષ સુધીમાં જ્યાં જેટલા ખાડા પડે તે રીપેર કરે તો પણ તેને ખર્ચ માત્ર બે ચાર લાખ જ થાય અને સૌથી વધુ મરો રાહદારીઓનો થાય.

ડાઉન ટેન્ડર એટલે ભ્રષ્ટાચાર ઉપર સરકાર દ્વારા મરાતી મંજુરીની મહોર

જે સૌથી ઓછા ભાવે ટેન્ડર ભરે તેને કોન્ટ્રાકટ મળે તેવી સરકારની નિતી ભ્રષ્ટાચાર માટેનું પહેલુ પગથીયુ છે દાખલા તરીકે અમરેલી જિલ્લા પંચાયતના બિલ્ડીંગનું કામ 27 કરોડનું હોય અને ડાઉન ટેન્ડર ભરાય તેમાં તે ટેન્ડર 19 કરોડમાં જાય સરકારને પહેલી નજરે 8 કરોડનો ફાયદો દેખાય પણ તેનું પરિણામ એ 19 કરોડ રૂપીયાનું પાણી હોય છે જેમ કે અમરેલી જિલ્લા પંચાયતના નવા બનેલા બિલ્ડીંગના લોકાર્પણના એક જ મહિનામાં બાથરૂમમાંથી પાણી ટપકવાનું શરૂ થઇ ગયુ છે.