આપણી ટીવી ચેનલો એટલે વા વાવાથી નળિયું ખસ્યું તે દેખીને કૂતરું ભસ્યુ એવી

આજકાલ ટીવી ચેનલોમાં જે રાડારાડી ચાલે છે એવી તો દુનિયાના કોઈ દેશમાં નથી. અરનાબ ગોસ્વામીને સાંભળતા કોઈ સામાન્ય દર્શકનું તો બ્લડ પ્રેશર વધી જાય. ભારતમાં ડિજિટલ મીડિયા પર નિયંત્રણો હોવાં જોઈએ કે નહીં એ મુદ્દો ક્યારનોય ચર્ચાય છે. ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણીમાં કેન્દ્ર સરકારે ડિજિટલ મીડિયા પર નિયંત્રણોની ખુલ્લી તરફેણ કરીને સુપ્રીમ કોર્ટને આ મામલે ઘટતું કરવા વિનંતી કરતા આ મુદ્દો ફરી ચર્ચામાં છે. મજાની વાત એ છે કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો ટીવી ચેનલો જે એંઠવાડ પિરસે છે તેના પર નિયંત્રણ અંગેના કેસની હતી. સુદર્શન ટીવી નામની ચેનલે મુસ્લિમો સરકારી નોકરીઓ પર કબજો કરવા માંડ્યા છે એવી થીમ સાથે યુપીએસસી જિહાદ નામે કાર્યક્રમ બનાવ્યો છે. આ કાર્યક્રમનું પ્રસારણ થાય એ પહેલાં સુપ્રીમ કોર્ટે એને રોકી દીધો, પણ આ કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ નોટિસ ફટકારેલી. ટીવી ચેનલો મનફાવે એ બધું ચલાવ્યા કરે છે ત્યારે તેને રોકવા કેન્દ્ર સરકાર પાસે કોઈ યોજના છે ખરી એવો સવાલ સુપ્રીમ કોર્ટે પૂછેલો. મોદી સરકારે કહી દીધું કે, ટીવી ચેનલો પર નિયંત્રણો વિશે પછી વિચારીશું પણ પહેલાં ડિજિટલ મીડિયાને રોકવાની ને તેના પર અંકુશની જરૂર છે તેથી એ વિશે વિચારો.

મોદી સરકારની દલીલ છે કે, ડિજિટલ મીડિયા ઝડપથી લોકો સુધી પહોંચે છે ને વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક વગેરે એપના કારણે તેના પર મુકાતી કોઈ પણ સામગ્રી વાયરલ થઈ જાય છે. આ વાત ગંભીર કહેવાય ને તેનાં ખતરનાક પરિણામો આવી શકે તેથી કોર્ટે સૌથી પહેલાં ડિજિટલ મીડિયાને નાથવા વિશે વિચારવું જોઈએ. સરકારની દલીલ એવી પણ છે કે, ટીવી ચેનલો અને પ્રિન્ટ મીડિયા પર અંકુશ માટેના કાયદા છે, તેમને રોકવા માટેના નિયમો પણ છે પણ ડિજિટલ મીડિયા નિરંકુશ છે, તેથી તેના વિશે પહેલા વિચારવું જોઈએ. સુપ્રીમ કોર્ટે અત્યારે આ મુદ્દે કશું કહ્યું નથી પણ પહેલાં ડિજિટલ મીડિયા પર નિયંત્રણની તરફેણ કરી ચૂકી છે એ જોતાં કદાચ બહુ જલદી એ માટેનું ફરમાન કરી દે એવું પણ બને.

આપણે ત્યાં ટીવી ચેનલોની સંખ્યા મર્યાદિત છે ને તેમાં પણ ન્યૂઝ ચેનલો તો ગણતરીની છે. તેનું કારણ એ કે, ટીવી ચેનલ ખોલવી એ રેંજીપેજીનું કામ નથી. કરોડો રૂપિયાનું રોકાણ કરવાની ને પાંચ-સાત વરસ સુધી ખોટનો વેપલો કરીને બીજા કરોડો ખોવાની તૈયારી હોય એ ટીવી ચેનલ શરૂ કરી શકે. મનોરંજનની ચેનલોમાં તો કમાણી પણ સારી છે કેમ કે મોટા ભાગનાં લોકો મનોરંજન માટે ચેનલો જોતા હોય છે. તેના કારણે જાહેરખબરની આવક સારા પ્રમાણમાં થાય છે.

ડીટીએચ પ્લેટફોર્મ ફરજિયાત થયું પછી તો બધી મનોરંજન ચેનલોને સબસ્ક્રીપ્શનનાં નાણાં પણ મળે છે તેથી તેમને વાંધો નથી પણ ન્યૂઝ ચેનલોએ બે છેડા ભેગા કરવા બહુ અઘરા છે. આ સંજોગોમાં તેમણે સત્તામાં બેઠેલા લોકોના પગ પકડવા પડે છે ને તેમના તરફથી મળતી જાહેરખબરો કે પેઈડ પ્રોગ્રામ્સની મદદથી ગાડું ગબડાવવું પડે છે. બધા રાજકીય પક્ષો તેમને સાચવતા હોય છે પણ સત્તામાં બેઠેલા વધારે કામના કેમ કે તેમની પાસે તિજોરીની ચાવી છે. પ્રજાના પરસેવાની કમાણીથી ભરાતી તિજોરીનો રૂપિયો ક્યાં વાપર્યો તેનો હિસાબ તેમણે આપવાનો નથી તેથી પોતાની વાહવાહી કરતી ટીવી ચેનલોને એ સાચવી લે છે. આ ચેનલોની સંખ્યા મર્યાદિત હોય તેથી ઝાઝી લમણાઝીંક નથી હોતી. બધી ચેનલોની પહોંચ ને પ્રભાવ પણ એવાં નથી હોતા કે નુકસાન કરી શકે તેથી ગણતરીની ચેનલોને સાચવો એટલે પત્યું. સત્તામાં બેઠેલા લોકો માટે એ બહુ સરળ વાત છે તેથી ટીવી ચેનલો સામે કોઈને વાંધો નથી.

ડિજિટલ મીડિયાની વાત અલગ છે ને વાસ્તવિક રીતે કહીએ તો એ બેફામ છે. આ દેશમાં ડિજિટલ મીડિયાનો વ્યાપ અભૂતપૂર્વ છે. ન્યુઝ વેબસાઈટ્સ, ફેસબુક, ટ્વિટર, યુ ટ્યુબ વગેરે મોટાં પ્લેટફોર્મ સાથે જ કરોડો લોકો જોડાયેલા છે. બીજા બધાની વાત છોડો પણ ન્યૂઝ વેબસાઈટ્સની સંખ્યા જ હજારોમાં છે કેમ કે વેબસાઈટ બનાવવામાં બહુ હોંશિયારી જોઈતી નથી ને તેના કરતાં પણ વધારે તો ઝાઝો ખર્ચો નથી. આ ન્યૂઝ વેબસાઈટ્સમાંથી મોટા ભાગની કમાણી કરતી નથી પણ એ સરકારની કે કોઈની પણ મેથી ચોક્કસ મારી શકે. સોશિયલ મીડિયા પર સક્રિય થવા માટે તો પાઈનો પણ ખર્ચ નથી કરવો પડતો. ઈન્ટરનેટવાળો ફોન હોય તો પણ ચાલે. તેના કારણે સોશિયલ મીડિયાનો પ્રભાવ અમર્યાદિત છે. ડિજિટલ મીડિયામાં ગપ્પાબાજી ચાલુ થાય તો એ વાત ખોટી છે એ ખબર પડે એ પહેલા લાખો લોકો સુધી પહોંચી જાય છે.

આપણે ત્યાં બધી ન્યુઝ વેબસાઈટ્સ પાછી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કામ કરે છે તેથી તેમની તાકાત અનેક ગણી વધી જાય છે. આ કારણે સરકારને વધારે ચિંતા આ વેબસાઈટ્સ પર શું ઠલવાય છે તેના કરતાં વધારે સોશિયલ મીડિયાની રહે છે. આપણે ત્યાં સોશિયલ મીડિયા જબરદસ્ત તાકતવર છે કેમ કે કરોડો લોકો સોશિયલ મીડિયા પર છે. ન્યૂઝ વેબસાઈટ પર જે કંઈ મૂકાયું હોય તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય તેનો ખતરો મોટો છે. સોશિયલ મીડિયા પર મૂકાતી સામગ્રીનું લવિંગિયા ફટાકડા જેવું હોય છે. ક્યારે ક્યો ફટાકટો ફૂટી જાય ને તમને ઉંચાનીચા કરી નાંખે એ નક્કી નહીં. મોટી કહેવાતી વેબસાઈટ કશું ન કરે ને એક માણસ ચલાવતો હોય એવી વેબસાઈટ નુકસાન કરી જાય એ ખતરો પૂરેપૂરો છે. સોશિયલ મીડિયા પર તો વેબસાઈટ ન હોય એવા માણસો પણ મનફાવે એ ઠાલવ્યા કરે ને સરકારની મેથી માર્યા કરે એ શક્ય છે.

આ વેબસાઈટ્સ અને સોશિયલ મીડિયાને કંટ્રોલ કરવાં અશક્ય છે કેમ કે કોઈ તેનું મૂળ જ શોધી ન શકે. વિદેશમાં બેઠાં બેઠાં પણ કોઈ અહીથી ડિજિટલ મીડિયા ચલાવી શકે. આ કારણે સરકાર ડિજિટલ મીડિયા પર નજર જ રાખી શકે તેમ નથી. મોટી તકલીફ એ છે કે, પૈસા ફેંકીને તેમને ખરીદવી પણ શક્ય નથી. આ દેશમાં આખું મીડિયા બીકાઉ નથી પણ મોટા ભાગનાં ન્યૂઝપેપર કે ટીવી ચેનલોને તો જાહેરખબર કે પેઈડ પ્રોગ્રામ્સના ટુકડા ફેંકીને ખરીદી શકાય છે પણ લાખોની સંખ્યાં સક્રિય ડિજિટલ મીડિયાવાળાંને કઈ રીતે ખરીદી શકાય ? આ વાત બિલકુલ અશક્ય છે તેથી સરકાર ડિજિટલ મીડિયા સામે લાચાર છે.

સુપ્રીમ શું નિર્ણય લેશે તે ખબર નથી પણ મોદી સરકાર ડિજિટલ મીડિયા પર નિયંત્રણની વાત કરે એ વિધિની વક્રતા કહેવાય. ગુજરાતીમાં એક પંક્તિ છે કે, જે પોષતું એ જ મારતું. આ વાત સાવ સાચી પડી રહી છે કેમ કે ડિજિટલ મીડિયાને આટલું તાકતવર બનાવવામાં મોદીનું યોગદાન સૌથી મોટું છે. ને મોદીને આટલા તાકતવર બનાવવામાં સોશિયલ મીડિયાનું તેના કરતાં પણ મોટું યોગદાન છે. મોદીએ યુવાનો સુધી પહોંચવા માટે અને તેમને પોતાની તરફ વાળવા માટે સોશિયલ મીડિયાનો બખૂબી ઉપયોગ કર્યો. કોંગ્રેસ સામે સોશિયલ મીડિયાના માધ્યમથી સતત પ્રચાર ચલાવીને મોદી અહીં સુધી પહોંચ્યા છે. મોદી સોશિયલ મીડિયા પર, ડિજિટલ મીડિયા પર સૌથી લોકપ્રિય નેતા હોવાનો ગર્વ લેતા, ભાજપના નેતાઓને મોદી ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરવાની સલાહ આપતા. ડિજિટલ મીડિયા પર વધારે સક્રિય નેતા મોદીને પ્રિય થઈ જતા.

છેલ્લા કેટલાક વખતથી મોદીનાં પ્રવચનોને અનલાઈક કરવાની ઝુંબેશ જ ચાલતી હોય એવી સ્થિતિ છે. મોદી પ્રવચન કરવાનું શરૂ કરે ને સોશિયલ મીડિયા પર તેનું પ્રસારણ શરૂ થાય કે તરત જ અનલાઈકનો મારો શરૂ થઈ જાય છે. એક સમયે સ્થિતિ એ રહેતી કે, મોદીના પ્રવચનને લાઈક્સ વધારે મળતી ને અનલાઈક કરનારા મુઠ્ઠીભર લોકો રહેતા કેમ કે સોશિયલ મીડિયા પર મોદી સમર્થકોનું વર્ચસ્વ હતું. હવે એ પ્રભાવ ફરી સ્થપાતો દેખાય છે.

મોદી ખુદ વાણીની સ્વતંત્રતાના પ્રખર હિમાયતી છે. ભારત લોકશાહી દેશ છે ને દરેક વ્યક્તિને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે. સોશિયલ મીડિયા આ અધિકારનો ઉપયોગ કરવા માટેનુ પ્લેટફોર્મ છે. તેના પર નિયંત્રણ મૂકવાનો અર્થ વાણી સ્વાતંત્ર્યના અધિકારને, અભિવ્યક્તિના અધિકારને છિનવી લેવો એવો જ થાય. એટલે જ વડાપ્રધાન મોદીએ પોતાના તરફથી સોશિયલ મીડિયા પર કોઈ નિયંત્રણ મૂક્યા નથી. તેઓ માને છે કે આ દેશના બંધારણે આપેલો એ અધિકાર ન છિનવાવો જોઈએ કેમ કે આપણી પાસે હવે લોકશાહીના નામે સોશિયલ મીડિયા પર વ્યક્ત થતી અભિવ્યક્તિની આઝાદી જ બચી છે. જે લોકો ડિજિટલ મીડિયાનો દુરૂપયોગ કરે છે તેમની સામે પગલાં લેવાવાં જ જોઈએ ને એ માટેના કાયદા અત્યારે છે જ. સરકારે એનો ઉપયોગ કરવો જોઈએ અને ખોટે રસ્તે જનારાઓને પાઠ ભણાવવો જોઈએ.