આમ આદમી પાર્ટીએ આખરે સર્વેક્ષણનું નાટક કરીને સીએમનો દાવેદાર રજૂ કર્યો

અંતે પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભગવંત માનને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરી દીધા. ‘આપ’ના કર્તાહર્તા અરવિંદ કેજરીવાલ પોલિટિકલ ગિમિક્સના માસ્ટર છે તેથી ‘આપ’માંથી કોણ મુખ્યમંત્રીપદનો ઉમેદવાર બનશે, માટે તેમણે જોરદાર ગિમિક કરીને વોટ્સએપ પર સર્વે કરાવેલો. પંજાબનાં લોકોને ૧૭ જાન્યુઆરી ને સોમવાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં વોટ્સએપ દ્વારા પોતાનો અભિપ્રાય મોકલી આપવા કહેવાયેલું. સોમવારે સાંજે જાહેરાત કરાયેલી કે આવતી કાલે સર્વેનું પરિણામ જાહેર કરાશે. મંગળવારે એ જાહેરાત કરાઈ ને તેમાં ભગવંત માન પર પંજાબનાં લોકોએ કળશ ઢોળાયો હોવાનું એલાન કરી દેવાયું. ‘આપ’ના દાવા પ્રમાણે, કુલ ૨૨ લાખ લોકોએ સર્વેમાં ભાગ લઈને વોટ્સએપ પર અભિપ્રાય મોકલ્યો હતો. તેમાંથી ૨૦ લાખ કરતાં વધારે એટલે કે લગભગ ૯૩ ટકા લોકોનો અભિપ્રાય માનને મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવવાનો હતો તેથી ‘આપ’એ માનની પસંદગી કરી છે.

ભગવંત માનના નામની જાહેરાત સાથે ‘આપ’માં આ મુદ્દે લાંબા સમયથી ચાલતી ખેંચતાણનો અંત આવ્યો છે ને ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. ભગવંત માન લાંબા સમયથી ‘આપ’ના મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનવા થનગનતા હતા ને પોતાને મોભી બનાવવા કહ્યા કરતા હતા, પણ કેજરીવાલ મચક નહોતા આપતા. કેજરીવાલની પાર્ટી પાસે હાલમાં લોકસભામાં ભગવંત માનના રૂપમાં સમ ખાવા પૂરતા એક જ સભ્ય છે. આ સભ્ય ભગવંત માન છે એ જોતાં ભગવંત માન ‘આપ’ માટે બહુ મહત્ત્વના કહેવાય. લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં ‘આપ’ના બધા ઉમેદવારો હારી ગયેલા ત્યારે ખાલી ભગવંત માને પંજાબની સંગરૂર લોકસભા બેઠક જીતીને ‘આપ’નો ઝંડો ફરકતો રાખેલો છતાં કેજરીવાલ તેમને ટટળાવ્યા જ કરતા હતા.

પંજાબમાં ‘આપ’ પાસે બીજો કોઈ એવો મોટો નેતા પણ નથી કે જેના નામે ‘આપ’ તરી જાય પણ કેજરીવાલના મનમાં રામ જાણે શું હશે એ ખબર નથી પણ માનની વાતને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખતા હતા. કેજરીવાલ રાજકીય ખેલાડી માણસ છે તેથી વોટ્સએપ સર્વેનું ગિમિક કરવાનો વિચાર તેમના મનમાં ક્યારનોય સળવળતો હોય એવું બને. પંજાબમાં ચૂંટણી જાહેર થતાં જ તેમણે આ દાવ ખેલ્યો તેના પરથી એવું માની શકાય. ખેર, કારણ ગમે તે હોય પણ ચૂંટણી જાહેર થયા પછી તરત જ સર્વે કરાવીને કેજરીવાલે ખાસ્સી પબ્લિસિટી મેળવી લીધી ને છેવટે ભગવંત માનને જ મોભી બનાવીને તેમને પણ સાચવી લીધા. માનના મનમાં જે કંઈ થોડો ઘણો કચવાટ હશે એ આ જાહેરાત સાથે દૂર થઈ ગયો હશે.

ભગવંત માનને ‘આપ’ના મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવાયા એ સાથે જ પંજાબમાં વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. અકાલી દળ બાદલ પરિવારની બાપીકી પેઢી છે તેથી અકાલી દળમાંથી કોણ મુખ્યમંત્રીપદનો ઉમેદવાર હોય એ કહેવાની જ જરૂર નથી. પ્રકાશસિંહ બાદલ હવે નિવૃત્ત છે ને પનોતા પુત્ર સુખબિરસિંહને બધું સોંપીને પરવારી ગયા છે તેથી સુખબિર જ રેસમાં છે. ભાજપ પંજાબમાં ચિત્રમાં નથી તેથી કેપ્ટન અમરિન્દરસિંહ સાથે હાથ મિલાવીને ચૂંટણી લડી રહ્યો છે. કેપ્ટન હોય એટલે એ જ મુખ્યમંત્રીપદના દાવેદાર હોય એ કહેવાની જરૂર નથી. કોંગ્રેસમાં નવજોત સિદ્ધુ ઊંચાનીચા થયા કરે છે ને વચ્ચે વચ્ચે ડબકા મૂક્યા કરે છે કે, પંજાબમાં કોણ મુખ્યમંત્રી બનશે એ કોંગ્રેસ હાઈકમાન્ડ નહીં પણ પંજાબના મતદારો નક્કી કરશે. સિદ્ધુના ગાદી પર બેસવાના ઓરતા પૂરા ના થયા એટલે એ ભલે આવી વાતો કર્યા કરે પણ કોંગ્રેસ જીતશે તો હાલના મુખ્યમંત્રી ચરણજિતસિંહ ચન્ની જ મુખ્યમંત્રી બનશે તેમાં મીનમેખ નથી.

ચન્નીના જોરે તો કોંગ્રેસે દલિત કાર્ડ ખેલ્યું છે તેથી કોંગ્રેસ જીતે ને કોંગ્રેસ ચન્નીને કોરાણ મૂકી દે એ વાતમાં માલ નથી તેથી અત્યારે તો ચન્ની જ મુખ્યમંત્રીપદના ઉમેદવાર છે. હવે ‘આપ’એ ભગવંત માનને ઉમેદવાર જાહેર કરતાં પંજાબના ચતુષ્કોણીય જંગના ચારેય ખેલાડી નક્કી થઈ ગયા છે.ભગવંત માનની પસંદગીના કારણે પંજાબમાં સત્તા કબજે કરવાનો જંગ રસપ્રદ બની ગયો છે. સાથે સાથે પહેલાંની જેમ આ વખતે પણ આ જંગ માલવામાં ખેલાશે એ પણ નક્કી થઈ ગયું છે. પંજાબ ભૌગૌલિક અને રાજકીય રીતે માલવા, દોઆબા અને માઝા એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે પણ અસલી ખેલ માલવા વિસ્તારમાં છે. પંજાબમાં કુલ ૨૩ જિલ્લા છે ને તેમાંથી માલવામાં જ ૧૪ જિલ્લા આવેલા છે જ્યારે બાકીના બે વિસ્તારમાં કુલ મળીને ૯ જિલ્લા જ છે. મતલબ કે ભૌગૌલિક રીતે માલવા સૌથી મોટો વિસ્તાર છે. રાજકીય રીતે પંજાબ વિધાનસભાની ૧૧૭ બેઠકોમાંથી દોઆબામાં ૨૩ ને માઝામાં ૨૫ મળીને કુલ ૪૮ બેઠકો છે જ્યારે એકલા માલવામાં જ ૬૯ બેઠકો છે. મતલબ કે, પંજાબ વિધાનસભાની બેઠકોમાંથી અડધા કરતાં વધારે બેઠકો માલવા વિસ્તારમાં જ છે. ટકાવારીની રીતે ગણીએ તો ૬૦ ટકાની આસપાસ બેઠકો માલવા વિસ્તારમાં છે.

આ કારણે પહેલેથી પંજાબના રાજકીય પક્ષોને માલવા સર કરવામાં જ રસ હોય છે. જે માલવા કબજે કરે તેની પંજાબમાં સરકાર રચાય એ સમીકરણ વરસોથી કામ કરે છે. આ કારણે રાજકીય પક્ષો માલવામાં પ્રભુત્વ ધરાવતા નેતાને જ આગળ કરે છે. આ વખતે પણ મુખ્યમંત્રીપદના ચારેય દાવેદાર માલવા વિસ્તારના જ છે. ભગવંત માન પોતે સંગરૂરના છે જ્યારે બાદલ પરિવાર ફરીદકોટનો છે. ચન્ની પહેલાં રૂપનગર જિલ્લાના છે.  રૂપનગર પહેલાં રોપડ કહેવાતું હતું. કેપ્ટન અમરિન્દરસિંહ પતિયાલાના છે ને પતિયાલા પણ માલવામાં આવે છે. આમ, માલવાના ખેલાડીઓ વચ્ચે ખરાખરીનો જંગ છે.આ જંગમાં ભલે ચાર ખેલાડી હોય પણ અસલી જંગ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થાય એવી શક્યતા વધારે છે. તેનું કારણ માલવા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો વધતો પ્રભાવ અને જ્ઞાતિનાં સમીકરણ છે. કેપ્ટન અને બાદલ બંને ભલે માલવાના હોય પણ માલવામાં કોંગ્રેસ અને આપ બે મુખ્ય ખેલાડી છે. માલવા વિસ્તારમાં ધીરે ધીરે ‘આપ’નું વર્ચસ્વ વધી રહ્યું છે.

છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ‘આપ’એ જીતેલી ૨૦માંથી ૧૮ બેઠકો માલવા વિસ્તારમાંથી હતી. લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં ‘આપ’ ગણીને એક બેઠક જીતી શકેલી એ પણ માલવામાં હતી.  કોંગ્રેસે પણ ૨૦૧૭માં પંજાબ કબજે કર્યું તેમાં માલવા વિસ્તારમાં મળેલી જોરદાર સફળતા જવાબદાર હતી. પરંપરાગત રીતે માલવા અકાલી દળનો ગઢ ગણાય છે પણ કોંગ્રેસે છેલ્લી ચૂંટણીમાં એ ગઢના કાંગરા ખેરવીને ૬૯માંથી ૪૦ બેઠકો કબજે કરેલી. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ અકાલી દળના મતો તોડીને કોંગ્રેસને બહુ મદદ કરેલી. આમ આદમી પાર્ટી છેલ્લી ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ તરીકે ઊભરેલી તેનું કારણ એ હતું કે, ‘આપ’ને ૨૦ બેઠકો મળેલી તેમાંથી ૧૮ બેઠકો તેણે માલવા વિસ્તારમાંથી જીતી હતી. એ રીતે ‘આપ’ને પણ માલવા બરાબર ફળેલું. એ પછી ‘આપ’એ માલવામાં પગપેસારો કરીને પંજાબમાં સ્થિતિ મજબૂત કરી નાખી છે તેથી માલવામાં મુખ્ય જંગ આપ અને કોંગ્રેસ વચ્ચે છે.

જ્ઞાતિના સમીકરણોની રીતે પણ જંગ કોંગ્રેસ અને આપ વચ્ચે છે. પંજાબમાં દલિતો અને જાટ સમુદાયની મતબેંક મુખ્ય છે.  પંજાબમાં સૌથી મોટી મતબેંક દલિતોની છે પણ સૌથી તાકતવર સમાજ જાટ સમાજ છે. પંજાબના કુલ મતદારોમાં જાટ મતદારોનું પ્રમાણ ૨૦ ટકાની આસપાસ જ છે પણ બધી રીતે આ સમાજ તાકાતવર હોવાથી જાટ સમાજનું વર્ચસ્વ વધારે છે. પંજાબમાં બહુમતી મુખ્યમંત્રી શીખ જાટ જ્ઞાતિના આવ્યા છે. પંજાબના ૧૬ મુખ્યમંત્રીમાંથી ૧૩ મુખ્યમંત્રી જાટ આવ્યા છે તેના પરથી જ તેમના વર્ચસ્વનો ખ્યાલ આવે. પંજાબી જાટમાં ૬૦ ટકા શીખ છે ને ૪૦ ટકા હિંદુ છે પણ તેમની વચ્ચે કોઈ ભેદભાવ નથી. ભગવંત માન શીખ જાટ છે ને માલવાના છે તેથી ‘આપ’નું પલ્લુ ભારે છે.

કોંગ્રેસ પણ જ્ઞાતિનાં સમીકરણોમાં જોરાવર છે. પંજાબમાં સૌથી મોટી મતબેંક દલિતોની છે. દેશના કોઈ રાજ્યમાં ના હોય એટલા જંગી પ્રમાણમાં દલિત મતદારો પંજાબમાં છે. પંજાબના કુલ મતદારોમાં ૩૫ ટકા મતદારો દલિત હોવાનું મનાય છે. દલિતોમાં ૬૦ ટકા સીખ છે જ્યારે ૪૦ ટકા હિંદુ છે પણ એ બધા એક જ છે. માલવા વિસ્તાર અને સૌથી મોટી મતબેંક એવી દલિતોના નેતા ચન્ની એ બે સમીકરણોને કારણે કોંગ્રેસ પણ મજબૂત સ્થિતિમાં છે.
જો કે રાજકારણમાં ક્યારે બાજી પલટાઈ જાય એ નક્કી નથી હોતું. અત્યારે પંજાબ અને આપ મજબૂત લાગે છે પણ કોઈ મોટો મુદ્દો આવી જાય ને બધું બદલાઈ જાય એવું બને.