આરોપી છોકરીનો પૂછપરછમાં ખુલાસો, “નવા ફોનથી બનાવ્યા હતા પોતાના ૨૩ વીડિયો”

ચંદીગઢ યુનિવર્સિટી અશ્લીલ વીડિયો પ્રકરણમાં આરોપી છોકરી સહિત તેના બે સાથીઓની કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રોએ આ અંગે જણાવ્યું છે કે જ્યારે આરોપી છોકરી હોસ્ટેલમાં આવી હતી તો તેની પાસે જૂનો મોબાઈલ ફોન હતો, જેને તેણે વેચી નાંખ્યો છે. છોકરીએ પૂછપરછમાં જણાવ્યું કે તેણે આ મોબાઈલ કોને વેચ્યો, તે તેને હાલ યાદ નથી. જે નવા ફોનનો તે ઉપયોગ કરી રહી હતી, તેમાં તેના પોતાના ૨૩ વીડિયો અને આરોપી સન્ની મહેતા સાથેની ચેટ મળી છે. આ સિવાય શિમલામાંથી ધરપકડ કરવામાં આવેલા આરોપી સન્ની અને રંકજના ચાર મોબાઈલ સાથે જોડાયેલા લગભગ ૧૬ લોકોના મોબાઈલ ડેટાને રિકવર કરવામાં પોલીસ હાલ લાગી ગઈ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ગત મંગળવારે છોકરી અને આ યુનિવર્સિટીના એમબીએ ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સની બંધ રૂમમાં લગભગ પોણા ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. એસઆઈટીએ આરોપી છોકરીને વીડિયો અંગે પૂછપરછ કરી હતી પરંતુ તેણે રડતા-રડતા એક જ જવાબ આપ્યો મેં માત્ર મારો જ વીડિયો બનાવ્યો હતો અને મારા બોયફ્રેન્ડ સન્નીને મોકલ્યો હતો. તેણે કહૃાું કે મને એ બાબતની કોઈ જ માહિતી નથી આ વીડિયો આગળ કોને-કોને મોકલવામાં આવ્યો. એસઆઈટીએ છોકરીને પૂછ્યું કે જો તેણે બીજી છોકરીઓનો વીડિયો બનાવ્યો જ નથી તો તેણે હોસ્ટેલ વોર્ડન સમક્ષ શાં માટે આ બાબતનો સ્વીકાર કર્યો. આ સવાલ પર છોકરી ચૂંપ રહી હતી. તપાસમાં હજી સુધી કોઈ વીડિયો એવો મળ્યો નથી, જેમાં હોસ્ટેલની અન્ય છોકરીઓને વાંધાજનક ક્લિપ હોય. છોકરીના જે મોબાઈલને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે, તેમાં લગભગ ૧૨ વીડિયો ડિલિટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પૂછપરછ દરમિયાન છોકરીઓના નિવેદૃનની વીડિયોગ્રાફી પણ કરાવવામાં આવી રહી છે, જેથી પુરાવા તરીકે તેને કોર્ટમાં રજૂ કરી શકાય. એસઆઈટીની ટીમે છોકરીઓની હોસ્ટેલની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે બાથરૂમનું ચેકિંગ કર્યું હતું. આ હોસ્ટેલ પહેલા છોકરાઓ માટે બનાવવામાં આવી હતી. પછીથી અહીં છોકરીઓને રહેવા અંગેની વ્યવસ્થા કરવામાં આવી હતી.