આવતીકાલે તમિલનાડુ-કેરળ પર ત્રાટકશે બુરેવી વાવાઝોડું

  • સંખ્યાબંધ સ્થળોએ રેડ એલર્ટની કરી જાહેરાત
  • નિવાર બાદ કેરળ અને તમિલનાડુ પર વધુ એક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહૃાું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ દબાણ શક્તિશાળી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ વાવાઝોડુ દક્ષિણ તમિલનાડુના તટ પર ૪ ડિસેમ્બર સુધી પહોંચવાની શક્યતા છે.
    હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વાવાઝોડું સાંજે કે મોડી રાત્રે શ્રીલંકાના કાંઠા વિસ્તારમાંથી પસાર થશે. જે બાદ ૩ ડિસેમ્બરે પશ્ર્ચિમ તરફ મુન્નારની ખાડી અને કન્યાકુમારી પહોંચવાની સંભાવના છે. ૨ ડિસેમ્બરથી કેરળમાં તોફાની પવન સાથે વરસાદની સંભાવના છે.
    વાવાઝોડાના પગલે તમિલનાડુમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ કેરળ, કન્યાકુમારી, તમિલનાડુ અને અલાપ્પાઝામાં એનડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી.
    કેરળ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વાવાઝોડું ૨ ડિસેમ્બરની સાંજ કે રાત્રે શ્રીલંકાના કાંઠા વિસ્તારમાંથી પસાર થશે. આ સાથે જ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ-ઉત્તર તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, દક્ષિણ-ઉત્તર કેરળ, દક્ષિણ આંધ્ર પ્રદેશ અને લક્ષદ્વિપના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.