આવતીકાલે યોજાનાર મતદાન અંગે તમામ બોર્ડર પર વાહન ચેકિંગ હાથ ધર્યું

બનાસકાંઠા જિલ્લામાં પણ આવતીકાલે ત્રણ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જેના પરિણામે તમામ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની દારૂની હેરાફેરી કે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસે રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં પણ આવતીકાલે ત્રણ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાની બોર્ડરને અડીને આવેલો હોવાથી અહીં અનેક વાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી પોલીસે અટકાવી છે. એવામાં બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તમામ બોર્ડર પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. અમીરગઢ ,અંબાજી ,ખોડા ,થાવર અને ગુંદરી ચેક પોસ્ટ પર પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.

રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ થયા બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહૃાો છે. ખાસ કરીને ચૂંટણી દરમિયાન દારૂની હેરાફેરી ખૂબ જ થતી હોય છે, તેવામાં દારૂની બદીને અટકાવવા માટે અને ચૂંટણીઓમાં કોઈ પણ પ્રકારે શાંતિ ન ડહોળાય તે માટે બોર્ડર પર પોલીસ ખડે પગે તેનાત કરી દેવાઈ છે.