આવનારા બજેટમાં મોદી સરકાર મધ્યમ વર્ગને ખાસ રાહતો આપશે

ભારતમાં મધ્યમવર્ગ આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્રસ્થાને છે પણ સરકારો તેને રાહત આપવા વિશે કદી વિચારતી જ નથી. બલ્કે મધ્યમવર્ગને કઈ રીતે ખંખેરીને સરકારી તિજોરી ભરવી તેની ફિરાકમાં જ દરેક સરકાર રહે છે. આ માહોલમાં કોઈ મધ્યમવર્ગને રાહત આપવાની વાત કરે ત્યારે ખરેખર આનંદ થાય ને આ વાત ભાજપ કરે ત્યારે વધારે આનંદ થાય કેમ કે ભાજપ ભારતીય પ્રજાની આશાનું છેલ્લું કિરણ છે. ભાજપની સૌથી મોટી મતબેંક જ મધ્યમ વર્ગની છે પણ ભાજપ મધ્યમવર્ગને સીધી રાહતો આ વખતે આપશે એવી ધારણા અગાઉ ન હતી. ભાજપ સદાય આમજનની ચિંતા કરે છે એ અટલ બિહારી વાજપેયીના શાસનમાં પણ આપણે જોયેલું ને છેલ્લા સાડા છ વર્ષથી મોદી સરકારના શાસનમાં તો વારે વારે નજીકથી જોઈ રહ્યા છીએ.
અન્ય સરકારની આ મધ્યમવર્ગને ખંખેરવાની નીતિથી વિરુદ્ધ ભાજપે આગામી બજેટમાં મધ્યમવર્ગનાં લોકોને રાહત આપવાની ને તેમનાં ખિસ્સામાં રોકડ આવે એવું કશુંક કરવાની તરફેણ કરી છે. મોદી સરકાર સત્તામાં આવી પછી તેણે પહેલી ફેબ્રુઆરીથી બજેટ રજૂ કરવાનો ચિલો ચાતર્યો છે તેથી અત્યારે બજેટ અંગે બેઠકોનો દોર ચાલે છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામન અલગ અલગ લોકોને મળીને બજેટમાં શું હોવું જોઈએ ને લોકોની શું અપેક્ષા છે એ જાણવાની ક્વાયત કરી રહ્યાં છે. આ ક્વાયતના ભાગરૂપે હમણાં ભાજપના નેતાઓએ નિર્મલાને મળીને બજેટમાં શું આપી શકાય એ અંગેનાં સૂચનો કર્યાં.
નાણાં મંત્રાલય તો અંદર શું વાત થઈ તેનો ફોડ ન જ પાડે પણ ભાજપના નેતાઓ વતી ગોપાલકૃષ્ણ અગ્રવાલે કહ્યું છે કે, અમે નિર્મલાને મધ્યમવર્ગને સીધી નાણાંકીય રાહતો મળે ને નાના તથા મધ્યમવર્ગના બિઝનેસ માટેના રો મટીરિયલના ખર્ચમાં કાપ આવે એ પ્રકારનાં પગલાં લેવા માટે રજૂઆત કરી છે. અગ્રવાલ ભાજપની આર્થિક બાબતોની કોમ્યુનિકેશન અને કો-ઓર્ડિનેશન કમિટીના ચેરમેન છે. અગ્રવાલના કહેવા પ્રમાણે ભાજપના નેતાઓએ રજૂઆત કરી છે કે, કોરોનાના કપરા કાળમાં મધ્યમ વર્ગને સરકાર તરફથી વિનામૂલ્યે અનાજ સહિતની ચીજો અપાઈ છે, બિઝનેસ કરનારાંને કરવેરા તથા બેંક લોનના સ્વરૂપમાં રાહત અપાઈ છે. મધ્યમવર્ગને લોનના હપ્તામાં મોરેટોરિયમનો લાભ અપાયો છે. આ સ્થિતિમાં મધ્યમ વર્ગને ઈન્કમટેક્સના સ્ટાન્ડર્ડ ડીડક્શનની રકમમાં નોધપાત્ર વધારા સહિતની રાહતો મળે એ જરૂરી છે. મધ્યમવર્ગ અત્યારે ભારે હાડમારી ભોગવી રહ્યો છે એ જોતાં તેને થોડી રાહત મળે એ જરૂરી હોવાની રજૂઆત ભાજપના નેતાઓએ કરી હોવાનો દાવો પણ અગ્રવાલે કર્યો છે.
અગ્રવાલના કહેવા પ્રમાણે ચીજોના ભાવોમાં ઘટાડો થાય એવાં પગલાં લેવાય તેના કારણે લોકો વધારે નાણાં ખર્ચશે ને સરવાળે વેપાર-ધંધાને ફાયદો થશે એવી રજૂઆત પણ અમે કરી છે. અગ્રવાલના દાવા પ્રમાણે ભાજપના નેતાઓએ કાર, પ્લાન્ટ મશીનરી અને કન્ઝયુમર ડ્યુરેબલ્સ પર ડેપ્રિશિએશન એલાઉન્સ આપવાની રજૂઆત પણ કરી છે કે જેથી લોકોમાં તેની ખરીદી વધે. નાના અને મધ્યમવર્ગના બિઝનેસ માટે કોપર અને બેઝ મેટલ્સ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવા સહિતનાં પગલાં લેવા માટે પણ રજૂઆત કરાઈ હોવાનો તેમનો દાવો છે. ભાજપે જે રજૂઆતો કરી તેમાંથી મોદી સરકાર કેટલી માનશે તે આપણને ખબર નથી. મોદી સરકાર મધ્યમવર્ગને કેટલી રાહતો આપશે એ પણ આપણને ખબર નથી પણ મોદી સરકાર ખરેખર દેશના અર્થતંત્રની ગાડી પાટા પર ચડાવવા માગતી હોય તો તેમના જ પક્ષ ભાજપે કરેલી રજૂઆતોને સ્વીકારીને મધ્યમવર્ગને ફાયદો આપવો જ જોઈએ કેમ કે આ દેશમાં આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્રમાં મધ્યમવર્ગ છે.
ભાજપે જે રજૂઆત કરી તેમાં કશું નવું નથી ને આ વાત લાંબા સમયથી અર્થશાસ્ત્રીઓ કર્યા જ કરે છે. અર્થશાસ્ત્રનો બહુ સાદો સિદ્ધાંત છે કે ગ્રાહકના હાથમાં રૂપિયો હોય તો અર્થતંત્રમાં તેજી આવે. આ ગ્રાહક દરેક દેશના અર્થતંત્ર પ્રમાણે અલગ અલગ હોય પણ ભારતમાં મધ્યમવર્ગ જ સૌથી મોટો ગ્રાહક, સૌથી મોટો ખરીદદાર છે તેથી તેમની પાસે પૈસો હોવો જરૂરી છે. મધ્યમવર્ગના હાથમાં રોકડ હોય તો એ બજારમાં આવીને માલ ખરીદે. એ પૈસો ગ્રાહક પાસેથી વેપારી પાસે ને વેપારી પાસેથી ડીલર પાસે જાય. ડીલર પાસેથી ઉત્પાદક પાસે ને તેની પાસેથી કાચો માલ આપનારા પાસે જાય. આ તો મુખ્ય મુખ્ય ખેલાડીઓની વાત કરી, બાકી ટ્રાન્સપોર્ટરથી માંડીને પોર્ટર સુધીના બહુ બધા નાના નાના ખેલાડીઓને પણ તેમાંથી તેમના કામના પ્રમાણમાં પૈસા મળે. એ લોકો પાસે પૈસો આવે તો એ લોકો પણ બીજે ખર્ચતા થાય ને સરવાળે બધાંનું ભલું થાય.
આ બહુ સાદો સિદ્ધાંત છે ને દુનિયાભરનાં અર્થતંત્ર આ સિદ્ધાંત પર ચાલે છે ને દુનિયાભરનાં વિકસિત દેશો એ જ વાતમાં માને છે કે, ગ્રાહકના હાથમાં રૂપિયા હોવા જોઈએ ને એ રૂપિયો બજારમાં ફરતો થવો જોઈએ. હમણાં અમેરિકામાં જે આર્થિક પેકેજ જાહેર થયું તેમાં પણ આ જ વાત કેન્દ્રસ્થાને છે. અમેરિકાની સરકારે જેમની રોજગારી જતી રહી છે તેમને દર અઠવાડિયે 300 થી 600 ડોલર આપવાનું નક્કી કર્યું છે. તેનું કારણ એ જ કે, અંતે તો આ રૂપિયો બજારમાં જ પાછો આવશે ને તેમાંથી ઘણાં બધાનું ભલું થશે.
નરેન્દ્ર મોદી સરકારે “આત્મનિર્ભર ભારત અભિયાન’ હેઠળ કુલ ત્રણ આર્થિક પેકેજ જાહેર કર્યાં ને એ પેકેજથી દેશના અનેક સેક્ટરને ફાયદો થયો છે. મોદીએ “આત્મનિર્ભર ભારત અભિયાન’ હેઠળ વીસ લાખ કરોડ રૂપિયાના સામાજિક અને આર્થિક પેકેજની રાષ્ટ્રજોગ પ્રવચનમાં જાહેરાત કરી ત્યારે સૌ ઓળઘોળ થઈ ગયેલાં. ઉદ્યોગ ને બિઝનેસ જગતના માંધાતાઓ મોદી પર વારી ગયેલા. મોદીનાં મોંફાટ વખાણ શરૂ થઈ ગયેલાં પણ નાણાં મંત્રી નિર્મલા સીતારામને આ પેકેજમાં કોને શું મળશે તેની જાહેરાતો કરવા માંડી કે બધાં પછી ચૂપ થઈ ગયા હતા કારણ કે આપડા દેશમાં હજુ પણ લોકો સ્વાર્થથી વિચારે છે. નિર્મલાએ “આત્મનિર્ભર ભારત અભિયાન’ના પહેલા પેકેજ વખતે પાંચ અધ્યાયમાં જે કંઈ જાહેર કર્યું તેમાં નાના માણસોને ફાયદો થાય તેવા પગલા વધારે હતાં. એ પછી બીજા બે પેકેજ જાહેર કર્યાં તેમાં પણ આ જ રીતે નાના ઉદ્યોગોને ફાયદો થયો છે.
મોદી સરકાર “આત્મનિર્ભર ભારત અભિયાન’ હેઠળ એક પછી એક પેકેજ જાહેર કરતી હતી ત્યારે પણ અર્થશાસ્ત્રીઓ કહેતા જ હતા કે, અર્થતંત્રને વેગ આપવા માટે નાના માણસોના હાથમાં નાણાં મૂકો. આ કારણે અત્યાર સુધી એટલે કે અગાઉની સરકારોમાં મધ્યમવર્ગના હાથમા કશું ન આવ્યું પણ હવે ભાજપે રજૂઆત કરી છે ત્યારે મધ્યમવર્ગને કોઈ ફાયદો થાય એવી શક્યતા ખરી. સત્તાધારી પક્ષ આ રજૂઆત કરે ને તેના કરતાં વધારે તો આ રજૂઆત કરી છે એવું બહાર આવીને કહે તેના સૂચિતાર્થ શું હોય એ કોઈને સમજાવવાની જરૂર નથી. આ બધું પહેલેથી લખાયેલી સ્ક્રિપ્ટ પ્રમાણે થતું હોય છે એ જોતાં બજેટમાં મધ્યમવર્ગ નાની-મોટી રાહતોની આશા ચોક્કસ રાખી શકે. આ વરસે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે તે કારણે પણ આ વખતે રાહતોની શક્યતા છે જ.
મોદી સરકાર લોકોને વધારે નાણાં ખર્ચતા કરીને બજારમાં વધારે નાણાં ફરતાં કરશે તો તેના કારણે દેશનું અર્થતંત્ર સુધરશે તેમાં શંકા નથી પણ એ માટેની પહેલ મોદી સરકારે જ કરવી પડે. લોકડાઉને દેશના અર્થતંત્રની હાલત બગાડી નાંખી છે. ઉદ્યોગ-ધંધા સાવ પડી ભાંગ્યા છે ને બેરોજગારોની તો ફોજ ખડકાઈ ગઈ હોય એવી હાલત છે. છ મહિના બધું બંધ રહ્યું તેમાં કેટલાક ધંધા તો સાવ પડી જ ભાંગ્યા છે. લોકડાઉનમાં મોદી સરકાર દ્વારા રાહતો અપાઈ પણ હજુય જરૂર છે. મધ્યમવર્ગના હાથમાં નાણાં આવે તો ચોક્કસ ફરક પડશે જ. આશા રાખીએ કે મોદી સરકાર આ વાત સમજીને મધ્યમવર્ગના હાથમાં રોકડ આવે એવું કશુંક કરે.