ચુંટણીપંચને મદ્રાસ હાઈકોર્ટે ખખડાવ્યા પછી ચૂંટણીપંચે મંગળવારે રાજકીય પક્ષોનાં વિજય સરઘસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. દેશમાં છેલ્લા બે મહિનાથી પશ્ર્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, આસામ ને પુડ્ડુચેરી એ પાંચ રાજ્યોની ચૂંટણીની ધમાધમી ચાલતી હતી. તેમાં બંગાળ સિવાયનાં ચાર રાજ્યોમાં મતદાન પતી ગયું છે. પશ્ર્ચિમ બંગાળમાં પણ હવે છેલ્લા તબક્કાનું જ મતદાન બાકી છે. બંગાળમાં ગુરૂવારે છેલ્લા તબક્કાનું મતદાન પતે પછી બીજી મેના દાડે એટલે કે રવિવારે પશ્ર્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, આસામ ને પુડ્ડુચેરી એ પાંચેય રાજ્યોમાં સાગમટે મતગણતરી થશે. આ મતગણતરીમાં વિજેતા બનેલા ઉમેદવારો વિજય સરઘસ નહીં કાઢે કે જાહેરમાં ઉજવણી નહીં કરી શકે એવું ફરમાન ચૂંટણીપંચે કર્યું છે. ચૂંટણીપંચે મતગણતરીમાં વિજેતા ઉમેદવાર રિટર્નિંગ ફિસર પાસેથી ચૂંટણી જીત્યાનું પ્રમાણપત્ર લેવા જાય ત્યારે તેની સાથે વધુમાં વધુ બે ટેકેદારો જ જઈ શકશે એવું ફરમાન પણ કર્યું છે.
ચૂંટણીપંચે જે પણ પગલાં લીધાં છે એ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવાં છે પણ મોડે મોડે પણ ચૂંટણીપંચે દેખાવ ખાતર તો પગલાં લીધાં એ સારું થયું. આ પગલાંથી ચૂંટણીઓના કારણે થયેલું નુકસાન તો ભરપાઈ થઈ શકવાનું નથી પણ વધારે નુકસાન થતું ચોક્કસ રોકાશે. અત્યારે કોરોના વિસ્ફોટની સ્થિતિમાં ભીડ ભેગી થાય એવું બધું ટાળવું જોઈએ ને તેમાં પણ રાજકીય હોય એવા તો બધા કાર્યક્રમ તો ટાળવા જ જોઈએ કેમ કે આપણે ત્યાં રાજકારણીઓએ જ સૌથી વધારે પત્તર ઝીંકી છે. એ લોકોએ જ સૌથી વધારે પ્રમાણમાં ભીડ એકઠી કરીને ને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડીને દેશને પાછો કોરોનાના મોંમાં ધકેલ્યો છે. તેમના પાપે દેશનાં લોકો યાતના ભોગવી રહ્યાં છે ત્યારે તેમને ફરી તમાશા કરવાની તક આપવા જેવી નથી જ.
પશ્ર્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, આસામ ને પુડ્ડુચેરી એ પાંચ રાજ્યોમાં 800 કરતાં વધારે વિધાનસભા બેઠકોની મતગણતરી થવાની છે. આ 800 બેઠકોના મતદારોની સંખ્યા કરોડોમાં થાય. એ સિવાય ઘણાં રાજ્યોમાં લોકસભા ને વિધાનસભાની કેટલીક બેઠકોની પેટાચૂંટણી પણ છે. પેલા કરોડોમાં થોડાક વધારે કરોડ ઉમેરાય ને તેમાંથી એકાદ ટકા લોકો પણ આ ઉજવણીમાં જોડાય તો એ આંકડો પણ લાખોમાં થઈ જાય. જીતનો જશ્ન હોય એટલે સોશિયલ ડિસ્ટન્સિંગનું તો કોઈને ભાન હોય જ નહીં તેથી કોરોનાને મોકળું મેદાન મળે.
હૈયે હૈયું દળાય એવી ભીડ ને ઉપરથી ગુલાલ લગાવીને બધાં એકબીજાને વધાઈ આપતાં હોય તેમાં શું કશું બાકી રહે? કુંભમેળા કરતાં પણ બદતર હાલત થઈને ઊભી રહી જાય. ચૂંટણીથી પરવારેલાં રાજ્યોમાં નવી સરકાર કોની આવે ને કોનું રાજ સ્થપાય એ તો ખબર નથી પણ નવી સરકાર રચાય એ પહેલાં કોરોનાનું રાજ સ્થપાઈ જાય તેમાં મીનમેખ નથી. આ બધું જોતાં મોડે તો મોડે પણ ચૂંટણીપંચે જે પણ પગલું લીધું એ સારું જ છે ને તેને વખાણવું જોઈએ.
અલબત્ત તેના માટે પણ જશ તો મદ્રાસ હાઈ કોર્ટને જ આપવો જોઈએ કેમ કે હાઈ કોર્ટે બરાબરના લીધા પછી પંચને ડહાપણની દાઢ ફૂટી છે. મદ્રાસ હાઈ કોર્ટે સોમવારે પંચના અધિકારીઓને તમ્મર આવી જાય એ હદે ધોઈ કાઢેલા. હાઈ કોર્ટે સાફ શબ્દોમાં કહેલું કે, કોવિડની બીજી લહેર માટે ચૂંટણીપંચ એકલું જવાબદાર છે અને આ અપરાધ માટે ચૂંટણીપંચના અધિકારીઓ સામે હત્યાનો કેસ ઠોકી દેવો જોઈએ. હાઈ કોર્ટે કહેલું કે ચૂંટણી પ્રચાર સમયે માસ્ક, સેનિટાઈઝર વગેરેનો ઉપયોગ તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરાવવામાં ચૂંટણીપંચ સદંતર નિષ્ફળ ગયું છે. હાઈ કોર્ટે તો ચીમકી પણ આપી હતી કે, કોરોનાનું સંક્રમણ રોકવા માટેની બ્લુપ્રિન્ટ તૈયાર નહીં હોય તો રવિવારે મતગણતરી પણ નહીં થવા દઈએ. અને હાઈ કોર્ટે મતગણતરી રોકી દેવાની ચીમકી આપી એટલે પંચના અધિકારીઓના ટાંટિયા ધ્રૂજી ગયા. મતદાન પતી ગયા પછી મતગણતરી ના થાય તો પંચની ઈજ્જતનો સાવ ફજેતફાળકો થઈ જાય તેથી આબરુનું સાવ ધોવાણ ના થાય એ વાસ્તે પંચે આ પગલાં લીધાં છે. બલકે જખ મારીને લેવાં પડ્યાં છે.
જો કે એ સવાલ તો ઊભો જ છે કે, ચૂંટણીપંચે મૂકેલા પ્રતિબંધની ઐસીતૈસી કરીને કોઈ વિજય સરઘસ કાઢે તો શું? આ સવાલનો જવાબ મહત્ત્વનો છે કેમ કે આપણે ત્યાં કોઈ જવાબદારી લેવામાં માનતું નથી. ચૂંટણીપંચે જે રીતે પોતાની જવાબદારીથી હાથ ખંખેરી નાખ્યા એ રીતે બીજાં પણ હાથ ખંખેરી નાખે તો શું? આ સંજોગોમાં ચૂંટણીપંચના આ પ્રતિબંધનો અર્થ જ ના રહે. જે રીતે પંચે ચૂંટણીની જાહેરાત વખતે કોવિડ 19 ગાઇડલાઈન માટે નિયમો બનાવ્યા પણ પછી તેનો અમલ થાય છે કે નહીં એ જોવાની તસદી પણ ના લીધી એ વાતનું પુનરાવર્તન થવાની પૂરી શક્યતા છે. જે કંઈ કર્યું એ કાગળ પર જ રહી જાય ને લોકો નિયમોના ધજાગરા ઉડાડીને તમાશા કર્યા કરે એવું બનવાની પૂરી શક્યતા છે. બલકે આપણ ત્યાં લોકોની જે માનસિકતા છે, સરકારી તંત્ર જે રીતે કામ કરવા ટેવાયેલું છે એ જોતાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા એવું બનશે જ. આ પ્રતિબંધનો સંપૂર્ણ અમલ થવાનો નથી જ.
પણ આવા સંજોગોમાં ચૂંટણીના વિજય સરઘસ કાઢનારને ગુનેગાર ગણવા જોઇએ જ અને દાખલો બેસાડવો જોઇએ.