આસામમાં પરિણામ પહેલા ઉમેદવારોને લઈને વિપક્ષો જયપુરમાં સંતાઈ ગયા !

ભારતમાં રાજકારણ કઈ હદે બદલાઈ ગયું છે તેનો પરચો શુક્રવારે મળ્યો. અત્યાર સુધી ધારાસભ્યોને કોઈ તોડી ન જાય એટલા માટે તેમને સાગમટે ગુપ્ત સ્થળે લઈ જવાય એવું જોવા મળતું. કોઈ મોટા રિસોર્ટમાં કે ફાઈવ સ્ટાર હોટલમાં ધારાસભ્યોને રખાય છે. તમામ પ્રકારનો બંદોબસ્ત કરાવાય એવું હવે નિયમિત રીતે બને છે. આ ધારાસભ્યોનો સંપર્ક કરીને કોઈ તેમને તોડી ન જાય એ માટે આ રસ્તો અપનાવાય છે. મોટા ભાગના રાજકારણીઓ બધી રીતે સિદ્ધાંતહીન હોય છે તેથી તેમને સામ, દામ, દંડ, ભેમ એણ કોઈ પણ રસ્તે દબાવીને કે લલચાવીને ફોડી ના નંખાય એટલે રાજકીય પક્ષો તેમને સંતાડી દેતા એવું બહુ બને છે પણ કોઈ ચૂંટણીના ઉમેદવારોને ગુપ્ત સ્થળે લઈ જવાય એવું સાંભળ્યું નહોતું. શુક્રવારે એ અચરજ પણ જોવા મળ્યું.
આસામમાં કૉંગ્રેસ અને તેના સાથી પક્ષોના 22 ઉમેદવારોને ભાજપથી સલામત અને સુરક્ષિત રાખવા માટે રાજસ્થાન લઈ જવાયા છે. દેશમાં છેલ્લા મહિનાથી પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડ્ડુચેરી એ પાંચ રાજયોની ચૂંટણીનો ધમધમાટ ચાલે છે ને તેમાંથી એક રાજ્ય આસામ પણ છે. આ પૈકી હવે માત્ર પશ્ચિમ બંગાળમાં જ મતદાન બાકી છે જ્યારે બાકીનાં ચાર રાજ્યોમાં મતદાન પતી ગયું છે ને બીજી મેએ મતગણતરી થાય તેની રાહ જોવાઈ રહી છે. સામાન્ય સંજોગોમાં મતદાન પતી જાય પછી ઉમેદવારો નવરા થઈ જતા હોય છે. તેમણે આમતેમ ફરીને ફાંકાફોજદારી કરી ખાવા ને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (ઈવીએમ)માં કોઈ ગરબડ ન થાય તેનું ધ્યાન રાખવા સિવાય કશું કરવાનું હોતું નથી. આસામમાં પણ મતદાન પતી ગયું છે તેથી ઉમેદવારો સાવ નવરાધૂપ છે. તેમણે રખડી ખાવાનું જ હોય તેના બદલે કૉંગ્રેસ તથા તેના સાથી પક્ષોના 22 ઉમેદવારોને રાજસ્થાન લઈ જવાયા છે.
કૉંગ્રેસે આસામમાં ભાજપને પછાડવા માટે દસ પક્ષોનો શંભુમેળો મહાજોત એટલે કે મહાગઠબંધનના નામે બનાવ્યો છે. મૌલાના બદરૂદ્દીન અજમલની ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (એઆઈયુડીએફ), બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ) અને સામ્યવાદી પક્ષ, માર્ક્સવાદી પક્ષ તથા સીપીઆઈ (એમએલ) એ ત્રણ ડાબેરી પક્ષો આ જોડાણમાં મુખ્ય છે. આ સિવાય જિમોચયન (દેવરી) પીપલ્સ પાર્ટી (જેડીપીપી), આદિવાસી નેશનલ પાર્ટી (એએનપી), આંચલિક ગણ મોરચા અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) જેવા ઉચકૂચિયા પક્ષો પણ મોરચામાં છે ને આ બધા સાથે મળીને ચૂંટણી લડે છે.
આ પક્ષોના 22 ઉમેદવારોને આસામથી રાજસ્થાન લઈ જઈને જયપુરની ફાઈવ સ્ટાર હોટલમાં રખાયા છે કે જેથી ભાજપ તેમને તોડી ન નાંખે. રાજસ્થાનમાં ગયા વરસે અશોક ગેહલોત અને સચિન પાઈલટ વચ્ચે ડખો થયો ત્યારે ગેહલોતે પોતાની પંગતના ધારાસભ્યોને આ જ હોટલમાં રાખેલા કેમ કે આ હોટલ તેમના ખાસ માણસની છે. આસામના વિપક્ષી ઉમેદવારોને પણ આ જ હોટલમાં રખાયા છે કે જેથી ભાજપ તેમના લગી પહોંચી ન શકે. જે 22 ઉમેદવારોને જયપુર લઈ જવાયા તેમાં ક્યા પક્ષના કેટલા માણસો છે તે ખબર નથી પણ કૉંગ્રેસના ઝાઝા ઉમેદવારો નથી એવું કહેવાય છે. કૉંગ્રેસના બે કે ત્રણ જ ઉમેદવારો છે જ્યારે બાકીના બધા બીજા પક્ષોના છે.

કૉંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, બીજી મેના રોજ ચૂંટણીનાં પરિણામો જાહેર થાય એ પહેલાં આ ઉમેદવારોને લલચાવીને ભાજપ પોતાની તરફ ખેચી ન જાય એટલા માટે આ ખેલ કરવો પડ્યો છે. કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ સત્તાવાર રીતે કહ્યું છે કે, ભાજપ ચૂંટણી ન જીતી શકે તેથી કૉંગ્રેસના ધારાસભ્યોને તોડીને સરકાર રચવા માટેના ધમપછાડા કરે છે ને આસામમાં પણ એવું થવાનું છે. આસામમાં ભાજપની હાર પાકી છે તેથી ભાજપ ચૂંટણીનાં પરિણામ જાહેર થાય એ પહેલાં કૉંગ્રેસ તથા સાથી પક્ષોના જીતે એવા ઉમેદવારોને તોડવાનો ખેલ કરશે જ તેથી અમારે પાણી પહેલાં પાળ બાંધવી પડી છે. જો કે ભાજપ આ નાટકને વધારે પડતું માને છે ને માત્ર ભાજપને બદનામ કરવાના હેતુથી જયપુરમાં જલસો ગોઠવાયો છે એમ કહે છે. જો આ ઉમેદવારોને આવવું જ હોત તો ચૂંટણી પહેલાં જ આવી ગયા હોત. હવે એની પાછળ ટિંગાવાનો કોઈ અર્થ નથી એમ ભાજપ જાણે છે.
આ ઘટના દેશનું રાજકારણ સાવ રસાતળ ગયું છે ને રાજકારણીઓ સાવ બિકાઉ થઈ ગયા છે તેનો પુરાવો છે એવી જે કાગારોળ કેટલાક કોંગ્રેસીઓ મચાવે છે તે પણ વધારે પડતી છે. તેઓ કહે છે કે લોકશાહીની પણ ક્રૂર મજાક છે. ચૂંટણીનાં પરિણામો આવે એ પહેલાં જ જીતે એવા ઉમેદવારોને વંડી ઠેકીને પોતાની તરફ આવી જવા તૈયાર કરી દેવા એ નૈતિકતાના ધજાગરા ઉડાવી નાંખનારી ઘટના કહેવાય. જે લોકો પૈસા ફેંકીને ઉમેદવારોને ખરીદે એને જે ખરીદાવા તૈયાર થઈ જાય એ બંને પ્રજાના ગુનેગાર કહેવાય. આ રીતે ખરીદ વેચાણ થાય પછી ખરેખર તો ચૂંટણી પણ ફારસ જ કહેવાય.

આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાનો દાવો કરીએ છીએ ને પોરસાયા કરીએ છીએ પણ આ ઘટના એ વાતનો પુરાવો છે કે, લોકશાહીના સિદ્ધાંતો વિશે બોલવાનો આપણને અધિકાર નથી. કર્ણાટક ને મધ્ય પ્રદેશમાં નેતાઓએ સિદ્ધાંતોની ઐસીતૈસી કરીને સત્તા કબજે કરી હતી. હવે આ દેશમાં નેતાઓ ચૂંટણીને પણ ફારસ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યો છે. વરસો સુધી કોંગ્રેસે જો કે આ જ કર્યું છે. હવે જ્યારે ભાજપ સત્તાની સોગઠાંબાજી રમે છે તો કોંગ્રેસના ચાહકોના પેટમાં તેલ રેડાય છે. તેઓ કહે છે કે આ ટ્રેન્ડ રોકાય એ જરૂરી છે, નહિંતર ભવિષ્યમાં સ્થિતિ એ સર્જાશે કે ચૂંટણી વખતે રીતસરની બોલી જ બોલાશે ને જે લોકોના વધારે મત લઈ આવશે તેને પૈસા આપીને ખરીદી લેવાશે.
કૉંગ્રેસે જે કંઈ કર્યું એ અભૂતપૂર્વ કહેવાય પણ કૉંગ્રેસનો ડર નકામો છે. ભાજપ માટે આ ચૂંટણીઓ પ્રતિષ્ઠાનો સવાલ છે ને બંગાળ પર કબજો કરવા તો ભાજપ રીતસરનો ઘાંઘો થયો જ છે પણ બીજે બધે પણ ભાજપે આળસને અભરાઈ પર ચડાવી દીધી છે. બંગાળમાં ભાજપને મમતા માથાનાં મળ્યાં છે ને મમતા પણ સત્તા ટકાવવા જીવ પર આવી ગયાં છે તેથી બંને એકબીજાને પછાડવા છેલ્લે પાટલે બેઠેલાં છે. બંગાળમાં મમતાને પછાડવાં ભાજપે જાત જાતની વ્યૂહરચના કરી છે. મમતા પાસે ભાજપ કરતાં વધારે દાવપેચ છે તેથી મમતા સામે તેનો ગજ જલદી લાગે એમ નથી કારણ કે મમતા બહુ જ માથાભારે સ્ત્રી છે. એ અલગ વાત છે પણ બંનેના કિસ્સામાં વાત એ જ છે કે, રાજકારણનું સ્તર સાવ નીચું ગયું છે.
આસામનો સવાલ છે ત્યાં સુધી કૉંગ્રેસનો ડર ખોટો છે. ભાજપ સત્તા કબજે કરવા તમામ નૈતિકતાને નેવે મૂકવામાં માનતું નથી. કર્ણાટક, મધ્ય પ્રદેશ, બિહાર, પુડ્ડુચેરી સહિતનાં રાજ્યોમાં તેણે નજીકના ભૂતકાળમાં જ આ માનસિકતાનો પરચો આપ્યો છે ને તેમાં એ ફાવ્યો પણ છે. ભાજપ એની ભવ્ય લોકપ્રિયતાને જોરે સત્તા કબજે કરવામાં માને છે. ધારાસભ્યોને પૈસા ફેંકીને લઈ આવો ને ના માને તો સત્તાનો દુરૂપયોગ કરો એવો સીધો ખેલ ભાજપ ન કરે. ભાજપનો દાવ કૉંગ્રેસ સામે બરાબર ચાલ્યો છે કેમ કે કૉંગ્રેસ સાવ ઢીલીઢસ છે. આ સંજોગોમાં પરિણામો જાહેર થયા પહેલા જ કૉંગ્રેસમાં તોડફોડ કરવી ભાજપ માટે ડાબા હાથનો ખેલ છે. પણ ભાજપ એમ કરવાનો નથી. આસામમાં કૉંગ્રેસ માટે બીજી તકલીફ એ છે કે, એ નાના પક્ષો પર નિર્ભર છે. આ બધા પક્ષો એવા છે કે જેમની તાકાત એક-બે બેઠકો જીતવાથી વધારે નથી ને તેમને તોડવા ભાજપ માટે રમત વાત છે.
આસામમાં કૉંગ્રેસ માટે બીજી તકલીફ મૌલાના બદરૂદ્દીન અજમલ છે. કૉંગ્રેસમાં અજમલ સામે ભારે કચવાટ છે ને તેનો લાભ ભાજપ લઈ જાય તેનો ખતરો છે. આસામમાં તરૂણ ગોગોઈ 2001 થી 2016 સુધી એટલે કે સળંગ પંદર વર્ષ માટે મુખ્યમંત્રી હતા. વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપે કૉંગ્રેસનું પડીકું કરી નાંખીને સત્તા હાંસલ કરી હતી. પોતાની સર્વોપરિતાના દિવસો પાછા લાવવા ફાંફાં મારતા તરૂણ ગોગોઈ ગમે તે ભોગે જીતવા માગતા હતા તેથી બદરૂદ્દીન અજમલના પક્ષ ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (એઆઈયુડીએફ) સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી તેમાં ભડકો થઈ ગયો હતો. આસામ પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખપદે ગોગોઈના ખાસ રીપુન બોરા છે. તેમણે ગોગોઈની વાતમાં સંમતિ પુરાવી દીધી હતી.
આ જાહેરાત સામે કૉંગ્રેસના નેતાઓ ભડક્યા હતા ને તેમની આગેવાની વિધાનસભામાં વિપક્ષના નેતા દેબબ્રત સાઈકિયાએ લીધી છે. સાઈકિયા સિવાય પ્રદ્યુત બોરડોલોઈ, ભૂપેન બોરાહ, રાણા ગોસ્વામી, અબ્દુલ ખલીક સહિતના નેતા બગડ્યા હતા ને ગોગોઈ સામે મોરચો માંડી દીધો છે. ગોગોઈની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે ને અજમલ બદરૂદ્દીન સાથે જોડાણ કર્યું તો કૉંગ્રેસ સાવ પતી જશે એવી કાગારોળ તેમણે મચાવી દીધી હતી. અજમલ બદરૂદ્દીન જેવા કટ્ટરવાદી સાથે જોડાણ કરીને કૉંગ્રેસ ભાજપને તાસકમાં ધરીને જીત આપી રહી છે એવો દાવો કરીને તેમણે ગોગોઈને અને તેમના પીઠ્ઠુ રીપુન બોરાને ઘરભેગા કરવાની માગણી પણ કરી હતી. આ વિવાદ ચાલતો હતો ત્યાં ગોગોઈનું નિધન થયું તેથી મામલો ઠંડો પડી ગયો પણ અજમલ સામે વિરોધ છે જ. આ વિરોધ પરિણામો વખતે બહાર આવી જ શકે.