આસામ અને પશ્ચિમ બંગાળમાંથી બાંગ્લા ઘુસણખોરોને હાંકી કાઢવા ભાજપ તત્પર

કેન્દ્ર સરકાર આજકાલ બહુ કુશળતાપૂર્વક પશ્ચિમ બંગાળમાં સ્થાયી થઈ ગયેલા બાંગ્લાદેશી ઘુસણખોરો પર છાનબીન કરી રહી છે. કેન્દ્રનો હેતુ આસામની જેમ જ બંગાળમાં પણ આ ઘુસણખોરોની ઓળખ છતી કરી તેમને દેશમાંથી હદપાર કરવાની યોજના છે. પરંતુ ઉતાવળે એ કાર્યક્રમ લાગુ કરી શકાય એમ નથી. તૃણમૂલ કોંગ્રેસનું રાજ્યમાં શાસન છે અને મુખ્યમંત્રી મમતા બેનરજી બાંગ્લાદેશી ઘુસણખોરોના ઉદ્ધારક દુર્ગામાતા જેવા અવતારમાં કામ કરી રહ્યા છે. મમતાનું ઘુસણખોરો પરત્વેનું મમત્વ ભાજપ માટે લાંબા સમયથી એક ઉપાધિ છે. કેન્દ્ર સરકારે જ્યારે આસામમાંથી બાંગ્લાદેશીઓને હાંકી કાઢવાની ઝુંબેશ આદરી ત્યારે મમતા એ ઘુસણખોરોની તરફેણમાં જ ભાષણો આપતા રહ્યા, અલબત્ત એને કારણે બંગાળની વતની પ્રજા એમનાથી બહુ નારાજ થઈ ગઈ. આજે પરિસ્થિતિ વિષમ છે. તૃણમૂલ કોંગ્રેસના સોથી વધુ ધારાસભ્યો ભાજપની ‘વંડી’ પર બેઠા છે અને ભાજપમાં કૂદી જવા તત્પર છે.

ખુદ વડાપ્રધાને ગત લોકસભાની ચૂંટણી પહેલા એ વાત કહી હતી કે તૃણમૂલના અનેક નેતાઓ ભાજપના સંપર્કમાં છે! બહુમતીથી મમતા ફરી સત્તામાં આવ્યા તોય એનો પક્ષ છોડવા ઇચ્છનાર હજુ ઘણાક છે. અમિત શાહે પણ ગઈ વિધાનસભા ચૂંટણીની પ્રચાર યાત્રામાં એમના પ્રચાર દરમિયાન પરોક્ષ રીતે એ વાત કહી હતી કે તૃણમૂલમાં ભાજપના અનેક ટ્રોજન હોર્સ છુપાયેલા છે ! આજે પશ્ચિમ બંગાળની સ્થિતિ વણસતી જાય છે અને કાશ્મીરની પરિસ્થિતિ સુધરતી જાય છે એમ રાજનાથસિંહે કહ્યું તેમાં સત્ય પણ છે. મમતા બેનરજી કેન્દ્ર સામે લડવાનો મોકો શોધી રહ્યા છે એવા વાતાવરણમાં જો એનડીએ સરકાર બંગાળના બાંગ્લાદેશી ઘુસણખોરો સામે ઝુંબેશ ચાલુ કરે તો મમતાને લડવાનો વધુ એક મોકો મળી જાય અને ઘુસણખોરો મમતાની લડતમાં જોડાઈ જાય. એટલે ભાજપ આજકાલ બંગાળ માટે સાપ મરે નહિ, અને લાકડી ભાંગે નહીં એવી વ્યૂહરચનાની શોધમાં છે.

આસામમાંથી લાખો ઘુસણખોર બાંગ્લાદેશીઓને હાંકી કાઢવાનું કામ લગભગ અસંભવ હતું જે ભારે મહેનત અને જટિલ વહીવટીય પ્રક્રિયા પાર કરીને એનડીએ સરકારે એની ગઈ ટર્મમાં ઉપાડયું. હવે એના આગળના અધ્યાયો ફરી ચાલુ થયા છે અને આસામમાં નાગરિકતા મુદ્દે ઘમાસાણ ચાલી રહ્યું છે. એક તરફ આસામમાં બ્રહ્મપુત્રા નદી તોફાને ચડી છે અને એના બેય કાંઠે વિનાશક વાતાવરણમાં પ્રજાજીવન ત્રસ્ત છે ત્યારે ચારેય દિશાઓમાં રમણીય પર્વતમાળાઓ વચ્ચે ઘેરાયેલા આસામમાં ભાજપના મુખ્યમંત્રી સર્વાનન્દ સોણોવાલ નાગરિકતાની અસમંજસમાં ઘેરાયેલી પ્રજા સામે મૂક પ્રેક્ષકની જેમ બેઠા છે, તેઓ કેન્દ્રની પ્રક્રિયામાં ન તો કોઈ હસ્તક્ષેપ કરે છે અને ન તો કેન્દ્રની ભૂલનો ભોગ બનેલા નાગરિકોની યાતનાઓ સાંભળે છે! ભાજપ માટે તેઓ એક ‘આદર્શ’ મુખ્યમંત્રી છે અને આવા જ એક નેતાની ભાજપને બંગાળમાં જરૂર છે!

જ્યારથી આસામમાં દસ્તાવેજી પુરાવાઓ વિનાના પ્રવાસીઓ કે નિરાશ્રિતોને બહાર મોકલી દેવા માટે સત્તાવાર ડોક્યુમેન્ટ તરીકે નેશનલ રજિસ્ટર ઓફ પોપ્યુલેશન (એનઆરસી)ને અપડેટ કરવાની ઝુંબેશ ચાલુ થઈ છે ત્યારથી જનજીવનનો એક વર્ગ વિચ્છિન્ન થઈ ગયો છે. એનઆરસીને અપડેટ કરવાની પ્રક્રિયા સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ થઈ રહી છે. બાંગ્લાદેશી ઘુસણખોરો સામે સતત છ વરસ સુધી અસમિયા પ્રજાએ ચલાવેલા આંદોલનનું જ આ એક પરિણામ છે. ઈ.સ. 1985માં હસ્તાક્ષર કરેલી આસામ સમજુતી પ્રમાણે તા. 25 માર્ચ, 1971 પછી રાજ્યમાં પ્રવેશ કર્યો હોય એવી કોઈ પણ વ્યક્તિને ગેરકાયદે માનવામાં આવશે, જેને શોધીને સરકાર દેશની બહાર મોકલી આપશે. ગત વરસે 30 મી જુલાઈએ પ્રકાશિત એનઆરસીના છેલ્લા સંપુટમાં 3.29 કરોડ અરજદારોમાંથી 40 લાખથી વધુ લોકોને બહારના બતાવવામાં આવ્યા હતા. 26 જુને પ્રકાશિત વધારાની સૂચિમાં પણ એક લાખ વધુ લોકોને એનઆરસી બહાર રાખવામાં આવ્યા હતા.

વિવાદાસ્પદ ઘુસણખોર નાગરિકોને શોધવાની જવાબદારી આસામ પોલીસની સીમા પોલીસ શાખાને સોંપવામાં આવી છે. પોલીસ એમને શોધે છે, પકડીને નજરબંધી હેઠળ એક શિબિરમાં રાખે છે. આમાં કેટલાક એવા લોકો પણ ફસાઈ ગયા છે જેઓ ખરેખર આસામના જ વતની છે, છતાં એમનું નામ એનઆરસી (રજિસ્ટર)માં ન હોવાથી એમને શિબિરમાં ધકેલી દેવાયા છે. આસામમાં અનેક સ્વાયત્ત સંસ્થાઓ અને એક્ટિવિસ્ટ લોકો આજકાલ મૂળ વતની હોય અને અકારણ જ ઘુસણખોર ઠરાવી દેવાયા હોય એવા લોકોની મદદે ચડયા છે. એનાથી સરકારે કરેલી ભૂલો સુધારી શકાય, પરંતુ સરકાર પોતાની ભૂલ તો ઝડપથી સ્વીકારતી નથી, અરૂણ જેટલી જેવી જ માનસિકતા ધરાવતા અનેક લોકો કેન્દ્રના અધિકારીઓ છે અને તેઓને આધાર પુરાવાઓ હોવા છતાં કન્વીન્સ કરાવવાનું કામ કપરું છે. છતાં માનવતાના ધોરણે એક્ટિવિસ્ટો એમાં કામ કરે છે.

ગૌહાતી હાઈકોર્ટમાં કેટલીક જાહેર હિતની અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે જે કેન્દ્ર સરકારે એનઆરસીમાં કરેલા છબરડાઓ તરફ અદાલતનું ધ્યાન દોરે છે. કેટલાક જાણીતા- વિખ્યાત ચહેરાઓ પણ ‘ઘુસણખોર’ની વ્યાખ્યામાં સમાવિષ્ટ થઈ ગયા છે! સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા અને અસમિયા-નેપાળી સાહિત્ય સભાના અધ્યક્ષ દુર્ગા ખતીવાડાનું નામ એનઆરસી યાદીમાંથી ગાયબ છે. જ્યારે કે એના પરિવારના બધા સભ્યોના નામ સૂચિમાં છે! ઘુસણખોર બતાવવામાં આવેલા લોકોમાં એક મંજુ દેવીનું નામ પણ છે, જે આસામમાં કોંગ્રેસના સંસ્થાપક ગણાતા સ્વાતંત્ર્ય સેનાની છબિલાલ ઉપાધ્યાયના પ્રપૌત્રી છે. સરકારી ટ્રિબ્યુનલે થોડા સમય પહેલા ભારતીય સૈન્યના નિવૃત્ત અધિકારી મોહમ્મદ સનાઉલ્લાહને ઘુસણખોર નાગરિક ઘોષિત કરી દીધા હતા. ત્યારબાદ એમને નજરબંધી શિબિરમાં મોકલી દેવાયા. એ ઘણું બોલતા રહ્યા, પણ એમની વાત કોઈએ સાંભળી નહિ. ગૌહાતી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા બાદ એમને હાલ તો જામીન પર છોડવામાં આવ્યા છે! જિંદગીભર દેશ સેવા કરીને સરહદે સેવા આપનાર સેનાધિકારીને કેન્દ્રના વહીવટી તંત્રે ‘ઘુસણખોર’ કહ્યા, એમના અંતઃકરણમાં કેવો વીજપ્રપાત થયો હશે!

કેન્દ્ર સરકારે ઘણાં લાંબા સમય પહેલા આસામ રાજ્ય સરકારને સૂચના આપી હતી કે એનઆરસીને કારણે જે વિવાદો સર્જાવાની સંભાવના છે એને ઉકેલવા માટે રાજ્યના વહિવટી તંત્રએ એક હજાર ટ્રિબ્યુનલોની રચના કરવી જેને કારણે નાગરિકો પોતાની યોગ્યતા અંગેની દલીલો કરી શકે. પરંતુ હવે જુલાઈ મહિનો અર્ધો તો વીતી ગયો છે ત્યારે રાજ્ય સરકારે એવી જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં ૨૦૦ ટ્રિબ્યુનલોની રચના કરાશે. એમ કરવાથી જટિલ પ્રક્રિયાઓ કંઈક અંશે સુગમ થશે. પરંતુ આ ટ્રિબ્યુનલોના ચુકાદાઓ એનઆરસી કઈ રીતે માન્ય કરે છે એ અંગેની કાનૂની પ્રવિધિ હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. મુખ્યમંત્રી સર્વાનન્દ પક્ષના કેટલાક નેતાઓ અને કાર્યકરોના ગુસ્સાનો પણ ભોગ બન્યા છે. કારણ કે ભાજપના એ કેટલાક નેતાઓ અને કાર્યકરોને પણ એનઆરસીએ વિદેશી નાગરિક ઘોષિત કરી દીધા છે. પહેલી ઓગષ્ટથી કેન્દ્ર સરકાર એનઆરસીનું વહિવટીય કામ પૂરુ થઈ ગયું હોવાથી સમગ્ર આસામમાં મોટેપાયે સાફસુફીનો રાઉન્ડ ચાલુ કરશે જેમાં વિણી વિણીને તમામ ઘુસણખોરોને દેશની સરહદને પેલે પાર મોકલી દેવામાં આવશે. આ કામ પણ જટિલ છે પરંતુ એ સંભાવનાની દહેશતથી આસામમાં અનેક ઘુસણખોરોએ જાતે જ પોતાનો રસ્તો કરીને સંપત્તિઓ ઉતાવળે વેચીને બાંગ્લાદેશ તરફ પ્રયાણ શરૂ કરી દીધું છે.