આ વર્ષે ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે કોઇ વિદેશી મહેમાન નહીં જોડાય

ભારતના ૭૨મા ગણતંત્ર દિવસે આ વર્ષે કોઈપણ દેશના રાષ્ટ્રપ્રમુખ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે નહીં. વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે કે કોરોના વાયરસને લીધે આ વર્ષે ગણતંત્ર દિવસે મુખ્ય અતિથિ તરીકે વિદેશી રાષ્ટ્ર પ્રમુખ અથવા સરકારના વડાને આમંત્રિત નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લા ૫૫ વર્ષોમાં એટલે કે વર્ષ ૧૯૬૬ બાદ આ પહેલીવાર બનશે જ્યારે ભારતનો ગણતંત્ર દિવસ મુખ્ય મહેમાન વિના ઉજવાશે. તે પહેલાં બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસન ગણતંત્ર દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન બનવાના હતા, પરંતુ તેમણે કોરોનાથી તેમના દેશની કથળતી પરિસ્થિતિને કારણે પ્રવાસ રદ કર્યો હતો.

જો કે તે બાદ સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીને આમંત્રિત કર્યાં હોવાના સમાચાર સામે આવ્યા હતા. પણ તેની પણ કોઈ પુષ્ટિ થઈ શકી ન હતી. પણ આજે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સાફ કરી દીધું છે કે આ વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણી વિદેશી મુખ્ય અતિથિ વગર જ થશે.