આ શિયાળે વહેલી સવારની ઊંઘ  મીઠી હોય તોય માણવા જેવી નથી 

ચીનમાં કોરોના કેસમાં ભારે ઉછાળો આવતા ભારતમાં જનજીવન ચિંતામાં ધકેલાયું છે. અસલ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શરૂઆતમાં થોડા દિવસ ઠંડીનું પ્રમાણ ઓછું હતું પરંતુ હમણાં રાત તો એક ઠરેલ ઠીકરું થઈ ગઈ છે. અસલ શિયાળો તો આ પાનખર ઋતુમાં આવે છે. શિયાળાની ખરી મજા પોષ અને મહા મહિનામાં છે. કારતક અને માગશર તો આમ પણ હળવી ઠંડીના દિવસો હોય છે. તો પણ ભારતીય લોકજીવનમાં એવા લોકોની સંખ્યા કરોડોની છે જેમને વહેલી સવારની ઊંઘ બહુ મીઠી લાગે છે. ઝીણી નજરે જુઓ તો આવા શોખીનો આપડી આજુબાજુમાં પણ હોય છે.

આ સમગ્ર પૃથ્વીનું જીવનચક્ર એ રીતે ગોઠવાયેલું છે કે સૂર્ય સાથે આપણી સવાર પડી જવી જોઈએ અને સૂર્ય આથમે ત્યારે સાંજ પડી જવી જોઈએ. પણ એમ થતું નથી. સવાર પડે છે ખરી, પરંતુ એ ઘરમાં બારી બહાર હોય છે અને આપડે તો મોડે સુધી રાત ચાલતી રહે છે. રાતને આપડે સવારે નવ વાગ્યા સુધી લંબાવી દઈએ છીએ. જે રીતે સાંજ પડે છે ખરી, પણ બધા માટે ત્યારે દિવસ પૂરો થતો નથી. પરંતુ કેટલાકને તો રાત પડે અને સવાર પડે એવું થાય છે. બધાની વાત નથી. પણ આપડામાંથી કોક કોક તો આવા સમયના અવળા રંગે ચડેલા છે. એમણે આત્મદર્શન કરવાનો સમય હવે આવી ગયો છે.

માણસજાતને એના બધા જ ક્રમમાં આગળ જતા આ અવળી ઘટમાળ એને બહુ નડે છે. જેને રાતની નોકરી હોય કે રાતના જ વ્યાવસાયિક કામ હોય એમની વાત જુદી છે. તેમને તો કુદરત પણ ક્ષમા કરી શકે. પરંતુ એ સિવાયના લોકો કે જેમણે કુદરતના નિયમમાં રહેવું જોઈએ અને રહેતા ન હોય તો એ એમનો પ્રજ્ઞાપરાધ છે. પ્રજ્ઞાપરાધ એક એવી વસ્તુ છે કે જે તરત તો બહુ મોટો અપરાધ ગણાતો નથી પરંતુ એનો સરવાળો બહુ ગંભીર હોય છે અને એમાંથી જ મોટાભાગના રાજરોગ જન્મ લેતા હોય છે. વહેલી સવારના સૂર્યના ઉદય પહેલા જાગી જવું અને સૂર્યને પ્રાર્થના કરવી એ આર્ય સંસ્કૃતિની પરંપરા હતી. સિંધુ ખીણ ઓળંગીને આર્યો જ્યારે પહેલીવાર ભારતમાં આવ્યા અને હિમાલયની તળેટીમાં એમણે ગગનચુંબી વિરાટ ગિરિશિખરોના ખોળે પડાવ નાખ્યા ત્યારે એમને સ્વર્ગ સરીખી રમણીયતા અને પ્રકૃતિના પરમ સૌન્દર્યનો સાક્ષાત્કાર થયો.

એ પ્રાગૈતિહાસિક કાળમાં સૂર્યનો ઉદય થાય એ પહેલા નદીઓના કિનારે આર્યોના યજ્ઞની જ્વાળાઓ આકાશને પ્રકાશમાન કરતી હતી. એ આપણી વૈદિક સંસ્કૃતિ હતી, જેમાં દુઃખનો કોઈને પરિચય ન હતો. કારણ કે સંસ્કૃતિની આધારશીલા સહુને સુખી કરવાની હતી. સર્વે સુખીનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા… એમ ભારતીય સંસ્કૃતિ જ કહી શકે. એ મંત્ર આજે બધાને સમજાય છે કે જો બધા જ કોરોનાથી મુક્ત હોય તો જ હું કોરોનાથી મુક્ત રહી શકુ. એક વ્યક્તિ પણ જો સંક્રમિત હોય તો સમગ્ર સમાજ પર સંકટ આવે છે. આજથી બે ત્રણ વરસ પહેલા પહેલીવાર ભારતમાં કેરળમાં કોરોનાનો એક કેસ ઝડપાયો હતો. કેરળ સરકારે બહુ જ મહેનત કરી.

પરંતુ એ કેસની ઓળખ થાય એ પહેલા તેણે સમાજમાં અનેકને સંક્રમિત કરી દીધા હતા. ત્યાંથી શરૂ થયેલી ચિનગારી ભડકતા-ભડકતા દેશમાં કરોડો કેસ સુધી પહોંચી હતી. વિદેશથી પણ બહુ લોકો કોરોના લઈને આવ્યા હતા. દુનિયામાં કોરોના કેસની સંખ્યા કરોડોની છે. વળી આ સંખ્યા હજુ પણ વધવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે ભારતીય સંસ્કૃતિએ સહુના સુખની મનોકામના વ્યક્ત કરી છે અને દેવોને પ્રાર્થના કરી છે કે હે અમારા આરાધ્ય દેવો તમે માત્ર મને કે મારા પરિવારને નહીં પરંતુ સહુને એટલે કે આ જગતમાં જે કોઈ અસ્તિત્વ ધરાવે છે, તે તમામને નિરામય એટલે કે નિરોગી રાખો અને સુખી રાખો.

સર્વે સન્તુ નિરામયા. ભારતીય પ્રાચીન ઋષિઓએ જે સુખની કામના કરેલી છે તે ધન, સંપત્તિ અને વૈભવ કે વિલાસમાંથી આવતા સુખની કામના નથી, પરંતુ ભારતીય ઋષિઓએ નીરોગીતામાંથી પ્રાપ્ત થતા સુખની ઈચ્છા રાખેલી છે. આપણે ત્યાં અનેક આશીર્વચનોમાં પણ નીરોગીતા મુખ્ય છે. ઋષિઓ માને છે કે ધન અને સંપત્તિ દ્વારા પ્રાપ્ત થતાં સુખની તુલનામાં નીરોગીતાનું સુખ કેન્દ્રવર્તી અને મુખ્ય છે. કારણ કે અઢળક ધન-સંપત્તિ હોય અને નીરોગીતા ન હોય તો એનો કોઈ અર્થ નથી.

જ્યાં સુધી ભારતીય નાગરિકની દિનચર્યા ઠેકાણે પડશે નહિ ત્યાં સુધી આરોગ્યની સમસ્યાઓ તો રહેવાની છે. ઈટાલીમાં થયેલા એક સર્વેક્ષણ પ્રમાણે જે લોકોની દિનચર્યામાં અનિયમિતતા હતી તેમને વાયરસની અસર વધારે થઈ છે. એનું કારણ એ છે કે રોગ પ્રતિકારક ક્ષમતા કોઈયને કોઈ રીતે શરીરની આંતરિક ઘડિયાળ સાથે એટલે કે બોડીક્લોક સાથે જોડાયેલી છે. જેટલી અનિયમિતતા વધારે, એટલું નુકસાન અધિક. ઇમ્યુન સિસ્ટમને એનાથી હાનિ થાય છે. આપણે ત્યાં એવા વડીલો હતા અને હજુ પણ છે કે કોઈ પણ પ્રકારના એલાર્મ વિના ચોક્કસ સમયે તેમની ઊંઘ ઊડી જતી હોય.

તેઓ જાણે કે પથારીમાં સાપ પડ્યો હોય એમ સફાળા ઉભા થઇ જતા હતા. ને તરત ફાળિયું માથે વીંટીને ખેતર તરફ ચાલવા લાગતા. એ લોકોને આપણે લાંબુ આયુષ્ય ભોગવતા જોયા છે. માટીની મહેંકમાંથી એકલી કુદરત જ હજારો સ્વાદ નીપજાવે છે. નીચે જુઓ તો આંબાના મૂળ જમીનમાં હોય અને ઉપર અમૃતમયી કેરી ! આ ચમત્કાર નથી તો શું છે ? એ જ માટીમાંથી શેરડી ઉગે ને એમાંથી જ લીલા તમતમતા મરચાં પણ ઉગે. આ જગતના નાથનો એ જાદુ જ છે !

જે આપણા દાદા ને વડદાદાઓ લાંબુ જીવ્યા એનું કારણ એ છે કે તેમની બોડીક્લોક બરાબર રીતે ગોઠવાયેલી હોય છે. એને કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે હોય છે. તેઓ ચોક્કસ સમયે ભોજન લેતા હોય છે અને નિશ્ચિત સમયે આરામ પણ કરી લેતા હોય છે. જેમણે જિંદગીમાં લાંબી સફર પસાર કરવી છે, તેમણે ચુસ્ત નિયમિતતાનું પાલન કર્યા વિના ચાલે એમ જ નથી. એક જ કોરોનાવાયરસથી માણસજાત હાંફી ને થાકી ગઈ છે. હજુ તો આ સદીમાં આવા બીજા અનેક વાયરસ સાથે માણસે જંગ લડવા નો બાકી છે.